________________
૩૦૬
જિનમાર્ગનું અનુશીલન પણ વિજ્ઞાનની ભૌતિક સિદ્ધિને જડવાદની પોષક માનીને એની નિંદા કે ઉપેક્ષા કરવામાં આવે, અને “એનાથી કેવળ નુકસાન જ થાય છે એવી ભ્રામક માન્યતાનો પ્રચાર કરવામાં આવે તે પણ ઉચિત નથી; કારણ કે વિજ્ઞાનની સિદ્ધિઓએ સૈકાઓથી એકએકથી ચડિયાતી ભારે ઉપયોગી અને ઉપકારક કામગીરી પણ બજાવી છે.
આની સામે, દેખીતી યોગસાધના કે આત્મસાધના પણ જો બાહ્ય વેશ અને બાહ્ય જડ ક્રિયાકાંડોમાં જ સીમિત અને રચીપચી રહે, અને જીવનને પવિત્ર બનાવવાના પાયાના ધ્યેય સુધી ઊંડી ઊતરવા ન પામે, તો એ સરવાળે વ્યક્તિ અને સમાજ બંનેને માટે લાભકારક બનવાને બદલે હાનિકારક બની રહે છે. માત્ર ધાર્મિક દેખાવાની બાહ્ય આંડબરી વૃત્તિ માનવીને દંભી બનાવીને સાચી ધાર્મિકતાથી દૂર લઈ જાય છે.
વળી વિજ્ઞાનને જડવાદ કે ભોગવિલાસનું પોષક કહીને એના તરફ નફરત દાખવીએ તો એટલા પ્રમાણમાં જગના બાહ્ય અને આંતરિક સ્વરૂપનું વધારે પ્રતીતિકર દર્શન કરાવી શકે એવા જ્ઞાનથી જ આપણે વંચિત રહી જઈએ એ કંઈ ઓછું નુકસાન ન ગણાય. એ જ રીતે યોગસાધના કે ધર્મસાધનાના નામે માત્ર અજ્ઞાન અને અંધશ્રદ્ધાનું જ પોષણ કરતા રહીએ અને રખે ને આપણી કોઈક રૂઢ ધર્મમાન્યતાને આઘાત પહોંચે કે એને જતી કરવાનો વખત આવે એવા ડરથી પ્રેરાઈને સત્ય-શોધક જ્ઞાનની ઉપાસનામાં જ શિથિલ રહીએ, તો યોગસાધનાના નામે થતી ક્રિયાઓનું પરિણામ, ઘાણીના બળદની જેમ, ઠેરના ઠેર રહેવા સિવાય બીજું કશું જ ન આવે.
વાઈકિંગની મંગળ ઉપર ઉતરાણ કર્યાની વૈજ્ઞાનિક સિદ્ધિ વિશ્વભરમાં વિખ્યાત બની ગઈ અને શ્રી મોટાની યોગસિદ્ધિની જાણ સાવ મર્યાદિત રહી – એ વાત સાચી છે; પણ એ તફાવત તો માત્ર ઉપરછલ્લો જ છે, અને એથી યોગસાધનાજન્ય આંતરિક મહિનામાં લેશ પણ ઊતરતાપણું આવતું નથી.
પ્રયોગાત્મક વિજ્ઞાન કહો કે યોગજન્ય જ્ઞાન કહો, એ બંનેનો સમાન સ્વીકાર કરવાની ભૂમિકા એ છે, કે એ બંનેનું ઊગમસ્થાન માનવી જ છે. વિજ્ઞાન મુખ્યત્વે બુદ્ધિના વિકાસ ઉપર વધારે આધાર રાખે છે, જ્યારે યોગ હૃદયના વિકાસના સહારેસહારે આગળ વધે છે; અને બુદ્ધિ અને હૃદય વચ્ચેનો તફાવત તો જાણીતો છે. તર્કકુતર્ક, શંકા-કુશંકા, દલીલ-કદાગ્રહ જેવાં સારાં અને નરસાં બંને પ્રકારનાં તત્ત્વો બુદ્ધિમાં વસે છે, જ્યારે ગુણવિભૂતિને પ્રગટાવવાની, ચકાસવાની અને વધારવાની પ્રક્રિયા હૃદય કરે છે. આમ છતાં બુદ્ધિ અને હૃદય વચ્ચેની આ ભેદરેખાને વજરેખા જેવી સજ્જડ કે અપરિવર્તનીય માની લેવાની જરૂર નથી; એ બંનેની સારી કે માઠી અસર એકબીજા ઉપર પડતી જ રહે છે, અને એના પરિણામરૂપે માનવીની પોતાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં ક્યારેક આવકારપાત્ર તો ક્યારેક અનિષ્ટ પરિવર્તન થતું જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org