________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૧
૨૮૭
એનો ઉપયોગ કરવાની વૃત્તિ કે પ્રવૃત્તિથી સાવ અલિપ્ત રહી શકે છે ! અને આના કરતાં ય વિશેષ રમૂજ ઉપજાવે એવી વાત તો એ છે, કે તેઓ પોતે લાભાલાભનું બહાનું આગળ કરીને છાપાં છપાવવાં, જાહેર વ્યાખ્યાનો ગોઠવવાં, પ્રચાર-પુસ્તકો મુદ્રિત કરાવવા જેવી અનેક નવા જમાનાની પ્રવૃત્તિઓને તો હોંશેહોંશે અને ધર્મબુદ્ધિથી આવકારે છે, પણ બીજાઓની સમયાનુરૂપ નવી વિચારસરણી કે પ્રવૃત્તિને સમજવા અને આવકારવાની ઉદારતા, સમતા અને ખેલદિલી દાખવી શકતા નથી; એટલું જ નહીં, એવે પ્રસંગે જાણે નવી વિચારણા કે પ્રવૃત્તિથી ધર્મ કે સંઘમાં ધરતીકંપ સરજાઈ જવાનો ન હોય, એમ એનો ઝનૂનપૂર્વક પ્રતિકાર કરવા સજ્જ થઈ જાય છે. જ્યારે નાફેરવાદી માનસની આવી એકાંગી તાસીરનો વિચાર કરીએ છીએ, ત્યારે નવા વિચાર કે વર્તન સામેના એના ઉગ્ર અણગમા અંગેનાં આપણાં નવાઈ અને ખેદ ઓછાં થઈ જાય છે, અને એમના આવા વલણના ઘેરા અને વ્યાપક પ્રત્યાઘાતો પડવાનો આપણો ભય પણ ઓછો થઈ જાય છે.
હવે એમના આ વિરોધનું અવલોકન-પૃથક્કરણ કરીને એમાંથી ઊભા થતા કેટલાક પ્રશ્નોની થોડીક વિચારણા કરીએ :
આપણે ત્યાં રોહિણેય ચોરની વાત એક ધર્મકથા રૂપે બહુ જ રસપૂર્વક કહેવાયસંભળાય છે. તેનો મુખ્ય ભાવ એ છે, કે ભગવાન તીર્થંકરની વાણી અનિચ્છાએ પણ જો કાનમાં અને કાન મારફત મનમાં સંઘરાઈ હોય તો તે ક્યારેક પણ માનવીનો ઉદ્ધાર કરનારી બને છે. તો શું ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-મહોત્સવ નિમિત્તે તેઓની ધર્મભાવનાને સમજાવતી પવિત્ર જીવનકથા અને ધર્મવાણી સામાન્ય જનસમૂહને કહી સંભળાવવામાં આવે તો તેથી લોકોનું કે આપણા ધર્મ યા સંઘનું અકલ્યાણ થવાનું છે? કે ભગવાન મહાવીરદેવનું અગૌરવ થઈ જવાનું છે ?
આપણે “સવિ જીવ કરું શાસનરસી અને મિતી કે સન્ગમૂUહ્યું સૂત્રનું આત્મસાક્ષીએ અને પ્રભુસાક્ષીએ કે ગુરુસાક્ષીએ અનેક ધર્મક્રિયા પ્રસંગે અનેક વાર ઉચ્ચારણ કરીએ છીએ. શું આ સૂત્ર પોપટની જેમ ખાલી મુખપાઠરૂપે જ બોલવાનું છે, કે એનું જીવન અને વ્યવહાર સાથે અનુસંધાન કરવાનો પુરુષાર્થ કરીને એને સાચું પાડવાનું છે? જો બીજાઓ આપણે કરીએ તેમ જ કરે, આપણે વિચારીએ એમ જ વિચારે અને આપણે કહીએ તેમ જ વર્તે અને પોતાનાં સ્વતંત્ર વિચાર-વર્તનને દેશવટો. આપી દે તેવી આત્માના ચૈતન્ય વિરુદ્ધની જડ વિચારધારાને જ આપણે અપનાવવા માગતા હોઈએ કે ધર્મને નામે ઓળખાવવા ઇચ્છતા હોઈએ, તો સર્વજીવમૈત્રીની ઉમદા, ઉદાર અને ઉદાત્ત ભાવના જીવનમાં સાકાર કેવી રીતે થઈ શકશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org