________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૭
૨૩૯
છેવટે એ ભાઈ દોડીને ઠંડા પીણાના ગ્લાસ લઈ આવ્યા અને અમે એ પીધા ત્યારે જ એમને સંતોષ થયો. અમારા માટે એ ઠંડું પીણું નહીં પણ પ્રેમરસનું પાન હતું. પછી પાછા ફરતાં અમે એ ભાઈના ધંધા સંબંધી પૂછ્યું તો પાસેની એક ઓટલા ઉપરની ત્રણ-ચાર ફૂટની નાની-સરખી દુકાન એમણે બતાવી. એમાં નકલી વાળના ગુચ્છા વગેરેનો એ વેપાર કરતા હતા; સાંજ પડે એ માંડ રોજી પેદા કરતા હશે. પણ અહીં અમે એ પ્રત્યક્ષ જાણ્યું કે ભક્તિ કદી શક્તિ-અશક્તિનો વિચાર કરતી નથી !
હોશિયારપુર – હોશિયારપુરનું સ્મરણ તો કદી વીસર્યું ન વિસરાય એવું છે. અમે ચારેક વાગે ત્યાં પહોંચ્યા હોઈશું. ત્યાં એક જૈન સુવર્ણમંદિર છે. મંદિરના શિખર અને ઘુમ્મટ ઉપર સોને રસ્યું પતરું મઢેલું છે. મંદિરે ગયા તો મંદિર બંધ અને પૂજારી બહાર ગયેલ. (પંજાબમાં મોટે ભાગે પૂજારીને રહેવા માટે દેરાસરની પાસે જ વ્યવસ્થા હોય છે.) પાસે જ ઉપાશ્રય હતો. અમે ઉપાશ્રય પાસે ગયા, તો એક આધેડ ઉંમરનાં બહેન છોકરા-છોકરીઓને ધાર્મિક ભણાવતાં હતાં. તેમણે અમને જોયા અને અમને અંદર બોલાવીને આદરપૂર્વક બેસાર્યા. અમને પૂછ્યા વગર તરત જ એમણે મીઠાઈનાસ્તો મંગાવ્યો, પાણી મંગાવ્યું અને અમને કહ્યું: “આપ જરાક નાસ્તો કરો, એટલી વારમાં હું મંદિર ઉઘાડવાનો બંદોબસ્ત કરું છું.”
પૂજારીની ભાળ મળતાં વાર થઈ, એટલે અમે એ બહેન સાથે વાતે વળગ્યા. એમની પાસેથી અમે જાણ્યું કે એ ઉપાશ્રયમાં સવારે એક સાર્વજનિક પ્રાથમિક નિશાળ ચાલે છે. બપોરના બહેનો ભરત-ગૂંથણ-સીવણનો અભ્યાસ કરવા આવે છે અને સાંજે પોતે ધાર્મિક અભ્યાસ કરાવે છે. સાધુમહારાજ હોય તો વ્યાખ્યાન માટે પણ જગ્યા અને સમય રહે છે.
આ બહેનની વ્યવસ્થાશક્તિ અજબ હતી; એ જાજરમાન સ્ત્રીશક્તિના સૌમ્ય પ્રતીક સમાં લાગ્યાં. મને થયું : મહાપંડિત હરિભદ્રસૂરિજી ઉપર કામણ કરનાર યાકિની મહત્તરા કંઈક આવું જ સૌમ્ય છતાં જાજરમાન, નીરાગી છતાં મમતાળુ વ્યક્તિત્વ ધરાવતાં હશે. એ બહેનનું નામ ગૌરાંદેવી. પંજાબના જાણીતા કાર્યકર સબજજ શ્રી જ્ઞાનચંદજીનાં એ સગાં બહેન થાય. એ બોલે તો જાણે જીભ નહીં પણ અંતર બોલતું લાગે.
હજી પૂજારી ન આવ્યો એટલે એ અમને બીજા દેરાસરના દર્શને લઈ ગયાં. ત્યાંથી પાછા ફર્યા, ત્યાં ગુજરાતીઓને તો બપોરના ચા પીવાની ટેવ હોય છે એમ સમજીને પાસેના જ એક ભાઈને ત્યાં એમણે ચા-નાસ્તાનો બંદોબસ્ત કર્યો. એટલામાં બીજા પણ કેટલાક ભાઈઓ ભેગા થઈ ગયા. ગૌરાંદેવીએ અને બીજાઓએ સાંજના વાળ માટે એટલો બધો ભાવભર્યો આગ્રહ કર્યો કે એનો ઇન્કાર અમે માંડ-માંડ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org