________________
૨૨૧
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨
આમાં આ કે તે પ્રસંગે શું બન્યું કે કોણે શું કર્યું એની વ્યક્તિગત કે વિગતવાર ચર્ચામાં ઊતરવાનું અભિપ્રેત નથી; પણ પોતાને ધાર્મિક લાગતા વિચાર, સિદ્ધાંત કે માર્ગની સાચવણીને માટે, જેને હિંસક કે અસત્યગામી કહી શકાય એવો, એટલે કે અધાર્મિક ઉપાય હાથ ધરવા સુધી આપણે કેમ વિવેકશૂન્ય અને ભાનભૂલેલા બની જઈએ છીએ એ બાબતનો મૂળભૂત વિચાર કરવો જ અહીં ઉદ્દિષ્ટ છે.
જીવનની સંપૂર્ણ શુદ્ધિ, આત્માની સંપૂર્ણ શુદ્ધિ કે કર્મનો સંપૂર્ણ નાશ એટલે મોક્ષ - એ રીતના મોક્ષનો જીવનના ધ્યેય કે સાધ્ય તરીકે સ્વીકાર થયો એટલે એ સાધ્યને અનુરૂપ સાધનોનો આપોઆપ સ્વીકાર કરવો પડે. એ રીતે જૈન ધર્મે અહિંસા, સંયમ અને તપને અથવા તો અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ધર્મનાં સાધન તરીકે સ્વીકાર્યાજેવું સાધ્ય સ્વીકારીએ તેવાં સાધનો સ્વીકારવાં જ પડે; કારણ કે. જેવાં સાધનો સ્વીકારીએ તેવું જ સાધ્ય હાંસલ થઈ શકે એ સાદી સમજની વાત છે. સાધ્ય અને સાધન વચ્ચે સંવાદીપણાની જરૂર ન સ્વીકારીએ તો ગમે તેવા સાધનથી ગમે તેવું સાધ્ય પ્રાપ્ત થઈ શકે એવી તાર્કિક અશક્યતા અને વ્યાવહારિક ગેરવ્યવસ્થા ઊભી થતી ન રોકી શકાય. અને તેથી જ જૈનધર્મના પ્રરૂપકોએ મોક્ષ જેવાં પરમશુદ્ધ સાધ્યને માટે એને અનુરૂપ એવો સર્વથા શુદ્ધ સાધનનો જ હંમેશાં આગ્રહ રાખ્યો છે. બીજા ધર્મોએ પણ પોતપોતાના ધ્યેય કે સાધ્યને અનુરૂપ સાધનોનું જ વિધાન કર્યું છે. જ્યાં એ બે વચ્ચે દુર્મુળ થયો છે અને સાધ્ય ગમે તેટલું ઊંચું રાખવા છતાં સાધનની શુદ્ધિમાં શિથિલતા પેસી ગઈ છે, ત્યાં નિશ્ચિતરૂપે તે ધર્મ કે સંસ્કૃતિનું પતન જ થયું છે.
જૈનધર્મે સાધ્યની જેમ સાધનશુદ્ધિ ઉપર ખૂબખૂબ ભાર આપવા છતાં, જ્યારથી આપણે ત્યાં સંપ્રદાયભેદ પડ્યા, તેમાંથી ગચ્છભેદ પડ્યા, ગચ્છભેદમાંથી વળી સમુદાયભેદ કે એવા એવા ભેદ-પ્રભેદો પડતા ગયા, અને આપણી બુદ્ધિએ સત્ય સમજવા અંગે “સાચું તે મારું' જેવા ધર્મમય માર્ગેથી પોતાનું મુખ ફેરવી લઈને “મારું તે સાચું નો અભિનિવેશપૂર્ણ માર્ગ સ્વીકાર્યો, ત્યારથી આપણે ત્યાં સાધનશુદ્ધિમાં ઉત્તરોત્તર શિથિલતા આવતી ગઈ. પરિણામે મૂળ જૈનધર્મના જ અંગરૂપ ગણાય અથવા એક જ મુખ્ય વૃક્ષની શાખારૂપ લેખાય એવા સંપ્રદાયો, ગચ્છો કે સમુદાયો પોતાના નજીવા વિચારભેદ, ક્રિયાભેદ કે માન્યતાભેદને મોટું રૂપ આપીને આપસ-આપસમાં એકબીજાનો છેદ ઉડાવવામાં એટલા બધા મશગૂલ બન્યા, કે પોતાની વચ્ચે સંધાન કરનારું ધર્મતત્ત્વ પડેલું છે એ વાત જ વીસરી ગયા !
આવો જ વિરોધ આપણે બીજાં દર્શનો કે ધર્મો સાથે લડવામાં પણ દેખાડવા લાગ્યા. એ રીતે આપણી તમામ સર્જકશક્તિનો એવો તો નાશ થવા લાગ્યો કે છેવટે આપણે આપણી પોતાની જાતને કે સહધર્મીઓને પણ ન જાળવી શક્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org