________________
૨૦૪
જિનમાર્ગનું અનુશીલના (૪૨) દીક્ષા લેવાની ભાવનાવાળા માટે ઉપયોગી એક પ્રસંગ
આપણે ત્યાં સુધારક વિચારસરણી ધરાવનારાઓ એમની સમજણ મુજબ વ્યક્તિની પૂરી તપાસ કર્યા પછી જ દીક્ષા આપવાની હિમાયત કરે છે. નાની ઉંમરની સગીર વ્યક્તિ કે કૌટુંબિક જવાબદારીની ઉપેક્ષા કરીને દીક્ષા લેવા તૈયાર થનાર વ્યક્તિની દીક્ષા એ અયોગ્ય દીક્ષા લેખાય છે. જ્યારે રૂઢિચુસ્ત વર્ગનું સામાન્ય વલણ જે દીક્ષા લેવા તૈયાર થાય, એને કોઈ પણ જાતની ચીકાશ કર્યા વગર દીક્ષા આપી દેવાનું મોટે ભાગે હોય છે, જો કે છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન વગર વિચાર્યે આપવામાં આવેલ દીક્ષાનાં કડવાં ફળ ચાખ્યા પછી આ મનોવૃત્તિમાં ફેરફાર થયો છે ખરો.
જેઓ પોતાની કૌટુંબિક જવાબદારીની ઉપેક્ષા કરીને દીક્ષા લેવા તૈયાર થાય છે, તેઓને ઉપયોગી એક શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવનનો પ્રસંગ અહીં પ્રસ્તુત છે :
રામકૃષ્ણ પરમહંસ પાસે એક નવજુવાન આવ્યો અને તેણે તેમની ચરણધૂલિ લઈ દીક્ષા આપવાની પ્રાર્થના કરી.
રામકૃષ્ણ હસીને પૂછ્યું: “ભાઈ, શું તું એકલો જ છે ? તારા ઘરમાં બીજું કોઈ નથી ?”
બસ એક બૂઢી મા છે, મહારાજ !” “તો પછી તું દીક્ષા લઈ, શા માટે સંન્યાસી થવા માગે છે ?” “આ સંસારનો ત્યાગ કરી મને મોક્ષ મેળવવાની ઇચ્છા છે !”
રામકૃષ્ણ પરમહંસે તેને પ્રેમથી સમજાવતાં કહ્યું : “બેટા, પોતાની વૃદ્ધ માતાને એકલી અસહાય છોડી દઈને તને મોક્ષ નહીં મળી શકે. જા, હૈયું નિચોવીને તારી માની સેવા કર ! એમાં જ તારું કલ્યાણ છે. એનાથી જ તને મોક્ષ મળી જશે.”
જેઓ ખુલ્લું મન રાખીને સમજવા માગતા હોય, તે ગુરુ અને દીક્ષાર્થી બંનેને આ પ્રસંગ વિચારપ્રેરક સામગ્રી પૂરી પાડે છે. દીક્ષા એ ઘેલછાના આવેશમાં નહીં, પણ પૂરી સમજણ અને ગંભીરતાપૂર્વક આપવા-લેવાની મહામૂલી પવિત્ર વસ્તુ છે.
અરે, ખુદ ભગવાન મહાવીરે દીક્ષા જેવી બાબતમાં માતા-પિતાના વાત્સલ્યને કેટલું મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. કોણ જાણે કેમ, ભગવાન મહાવીરના જીવનની આ ખૂબ મહત્ત્વ ઘટનાનો બોધ આપણે તારવી જ ન શક્યા !
(તા. ૩૧-૫-૧૯૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org