________________
૧૯૨
જિનમાર્ગનું અનુશીલના
પહેલી વાત : આજે આપણા અને બીજા દેશના નારીવર્ગની સ્થિતિમાં ઘણો જ આવકારપાત્ર પલટો આવ્યો છે, અને એને લીધે એને અધ્યયન-અધ્યાપન, લેખનસંપાદન-પ્રવચન, અર્થોપાર્જન વગેરેની એટલી બધી મોકળાશ મળી છે કે જેથી એની પરાધીન દશા સારા પ્રમાણમાં સુધરી રહી છે. રાજકારણ, હુન્નરઉદ્યોગ, વેપાર જેવાં ક્ષેત્રોમાં પણ સ્ત્રીઓ પોતાની કાર્યકુશળતા અને શક્તિના બળે માનભર્યું સ્થાન મેળવવા લાગી છે. આ નવી હવાની અસર આપણાં ઘરોમાં પણ જોવા મળે છે. આમ સામાન્ય નારીવર્ગને પણ આવી છૂટ મળતી હોય, ત્યારે મોક્ષાર્થી સાધ્વીવર્ગ ઉપર મોક્ષમાર્ગનાં બાધક જરી-પુરાણાં બંધનો કેવી રીતે ચાલુ રહી શકે?
બીજી વાત : અત્યારે ૧૫થી ૨૫ વર્ષની લગ્નવયની સંખ્યાબંધ ભણેલી-ગણેલી તથા ગ્રેજ્યુએટ થયેલી કુમારિકાઓ ધર્મની સાધના દ્વારા પોતાનો વિકાસ કરવાની મંગલ ભાવનાથી પ્રેરાઈને ઘરસંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવા લાગી છે, ત્યારે એમને અધ્યયન-અધ્યાપન, લેખન-પ્રવચનની પૂરી સગવડ અને છૂટ આપવી એ શ્રીસંઘની ફરજ છે.
આ બંને દૃષ્ટિએ વિચારીએ તો તપગચ્છના સંઘનાયકોનું પોતાના ગચ્છના સાધ્વીસંઘ પ્રત્યેનું વલણ બહુ જ સંકુચિત, શોચનીય અને નુકસાનકારક છે. આમાં ફેરફાર માટે સાધ્વીસંઘ પોતે જ જાગૃત અને પ્રયત્નશીલ બને એ પણ એક ઉપાય છે, અને તે વધુ કારગત બની શકે એમ છે. પણ અત્યારની પરિસ્થિતિ જોતાં આપણાં સાધ્વીજીઓ આવો પ્રયત્ન કરવા સજ્જ થાય એવી શક્યતા ઓછી દેખાય છે.
આવી સ્થિતિમાં આવો ફેરફાર કરવાની જવાબદારી સ્વાભાવિક રીતે જ શ્રમણ સંઘ ઉપર આવી પડે છે. શ્રમણસંઘના વડીલો શાણપણ, દીર્ઘદ્રષ્ટિ અને સમયજ્ઞતા દાખવીને આ દિશામાં કામ કરવા ઇચ્છતા હોય, તો તીર્થકર ભગવાને દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવને પારખીને વર્તવાનો ઠેરઠેર જે ઉપદેશ આપ્યો છે તે એમને માટે માર્ગદર્શક બની શકે એમ છે.
તપગચ્છના સાધ્વીસંઘને માટે છૂટ આપવાની જે માગણી આ નોંધ દ્વારા કરવામાં આવી છે એ ક્રાંતિકારી છે એવું રખે કોઈ માની લે. ભગવાન મહાવીરે પોતે જે છૂટ આપી હતી અને પુરુષની પ્રધાનતાના મિથ્યા અભિમાનને જ લીધે આજે જેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, તેમ જ જે છૂટ જૈનસંઘના અન્ય ફિરકાઓ અને ગચ્છોનાં સાધ્વીજી-મહારાજો ઘણી મોટી સંખ્યામાં ભોગવે છે, તે છૂટ જ આપવાની સાવ સામાન્ય અને બિલકુલ અનિવાર્ય આ માગણી છે.
(તા. ર૯-૧-૧૯૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org