________________
૧૮૬
જિનમાર્ગનું અનુશીલન તપગચ્છમાં જેઓ સાધ્વીઓના વ્યાખ્યાન આપવાના અધિકારનો વિરોધ કરે છે, તેઓ એ વિરોધના સમર્થનમાં કેટલાંક શાસ્ત્રોની સાક્ષીઓ આપે છે એ સાચું છે. પણ આવી સાક્ષીઓ આપનારા એ વાતની ભાગ્યે જ ચિંતા કરે છે કે વર્તમાન સાધુસમુદાયે આહાર-નીહાર-વિહારના નિયમોમાં, વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણોના નિયમોમાં, ગ્રંથ-ગ્રંથમાળા-જ્ઞાનમંદિરરૂપ પરિગ્રહના નિયમોમાં અને દૃષ્ટિરાગ, રાગદૃષ્ટિ અને મોહ-મમતાના પોષક જનસંપર્કથી અળગા રહેવાની ધમજ્ઞાઓમાં, આપમેળે, ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓનો લોપ થયો કહેવાય અને ચારિત્રમાં શિથિલતાને આશ્રય આપ્યો ગણાય એટલી હદે, કેટલી બધી છૂટછાટો લઈ લીધી છે ! સાધુજીવનના ચતુર્થ મહાવ્રત સુધ્ધાંના ભંગના પુરવાર થયેલા કે પુરવાર થઈ શકે એવા પ્રસંગોએ પણ દોષપાત્ર વ્યક્તિને સમુચિત દંડ આપવાને બદલે જ્યારે એને છુપાવવાના પ્રયત્નો થાય છે, ત્યારે ધર્મની અને શાસ્ત્રોની જે વિડંબના અને અવહેલના થાય છે, એની કોણ ચિંતા કરે છે? બીજી બાજુએ, જેનાથી ધર્મપ્રચારરૂપ એકાંત લાભ જ થવાનો છે અને વ્યક્તિને કે ધર્મને કશી જ હાનિ થવાની નથી તે સાધ્વીજીઓની વ્યાખ્યાનપ્રવૃત્તિને રોકવાને માટે છાશવારે ને છાશવારે શાસ્ત્રાજ્ઞાઓની વાતો કહેવામાં આવે છે ! ખાળે ડૂચા અને દરવાજા મોકળા !
તપગચ્છમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનો સાધ્વી-સમુદાય પાટ ઉપર બેસીને શ્રાવકસમુદાય સમક્ષ વ્યાખ્યાન વાંચવાની જે મોકળાશ ભોગવે છે, તે પુરુષપ્રધાનપણાનો ગુમાની ખ્યાલ ધરાવતા મુનિવર્ગને તથા શ્રાવકવર્ગને આંખના કણાની માફક ખટકે છે, અને તેથી એની સામે તેઓ અવારનવાર વિરોધ દર્શાવતા રહે છે. આમ કરવામાં તેઓ શાસ્ત્રપાઠો તો રજૂ કરે છે, પણ એમ કરવામાં છેક પ્રાચીનમાં પ્રાચીન ગણાય એવાં આગમસૂત્રો તથા આગમિક ધર્મશાસ્ત્રોમાં જેની ઠેરઠેર રજૂઆત કરવામાં આવી છે, તેમ જ સાધુજીવનની નિત્યક્રિયાઓમાં જેનું અનેક વાર સ્મરણ-ઉચ્ચારણ કરવામાં આવે છે, તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો વિચાર કરીને નિર્ણય કરવાનું ફરમાવતા મહત્ત્વના પાઠની જ ઉપેક્ષા કરવામાં આવે છે તે આ મહાનુભાવોના ધ્યાનમાં આવતું નથી ! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ઉપયોગ કરવાની વાતનો શું માત્ર પોપટના રામનામરટણ જેવો કેવળ શબ્દોચ્ચાર પૂરતો જ ઉપયોગ છે કે જીવનસાધનામાં એક સન્માર્ગદર્શક પ્રદીપરૂપે એની ઉપયોગિતા છે – એનો વિચાર કરવાનું પણ આપણે આપણા મમતમાં વીસરી જઈએ છીએ.
વળી, જે આચાર્યશ્રીનો સાધ્વીસમુદાય આવી છૂટ ભોગવે છે, ખુદ એ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીનાં વચનોને જ એનો વિરોધ કરવામાં ટાંકવામાં આવે છે, ત્યારે એ અંગેની વિચારણા પણ જરૂરી થઈ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org