________________
૧૮૨
જિનમાર્ગનું અનુશીલન
“એક દિવસ મને ટાઇફોઈડ તાવ લાગુ પડ્યો, અને લગભગ એક મહિનો ચાલ્યો. દવા અને ઇજેક્શનો ખૂબ જ લેવાં પડ્યાં. દવા પ્રત્યે ખૂબ જ અરુચિ છતાં પરાણે લેવી પડતી. શરીર ખૂબ જ નબળું પડેલું, અને અશક્તિ જણાવા માંડી. જેમતેમ શરીર કંઈક ઠેકાણે પડ્યું. પાછું આગળ પ્રમાણે ફરસાણ, ગળપણ વગેરે ખાવાં શરૂ કર્યો, એટલે વળી બે-એક મહિના પછી પગે વા (સાઇટિકા) થયો. આખો પગ વાથી ઝલાઈ ગયો. પડખું પણ ન ફેરવી શકાય તેવી અસહ્ય વેદના થવા લાગી. તે વખતે વળી દવાઓ ને ઇંજેક્શનો લીધાં. તેનાથી સાધારણ રાહત મળી, પણ રોગ મૂળમાંથી તો ન જ ગયો. હજી ૨૫ ટકા વાની અસર રહેતી. ચાલતાં પગ ઢસડાતો હતો.
“ત્યાં એક ભાઈને ત્યાંથી દવાનો છેલ્લો ઘૂંટડો' તથા 'હઠીલાં દર્દોમાં કુદરતી ઉપચાર' (‘તંદુરસ્તી” કાર્યાલયના ડો. ભૂપતરાય તથા ડૉ. શંકરલાલનાં જ લખેલાં) આ બે પુસ્તકો વાંચ્યાં. તેમાંથી મને મારી ભૂલ સમજાણી, અને કુદરતી ઉપાયો જ અજમાવવા એમ નક્કી કર્યું.
“ખોરાકમાંથી ગળપણ, ફરસાણ, કઠોળ તથા અથાણાનો ત્યાગ કર્યો. સાદું અને સાત્વિક ભોજન જ લેવા મંડ્યો, શારીરિક શ્રમ પણ કરવા લાગ્યો, તથા મહિનામાં ત્રણ-ચાર ઉપવાસ (ફક્ત પાણી સાથે) કરતો તથા કબજિયાત ન રહે તે માટે અવારનવાર હિમેજ પણ લેતો. આના પરિણામે શરીરનો કચરો દૂર થયો, ને વાની અસર સદંતર કુદરતી ઉપચારોથી નાબૂદ થઈ. આ વાતને છ-સાત વરસ થઈ ગયાં છે; ત્યારબાદ બિલકુલ વાની અસર થઈ જ નથી અને સારું આરોગ્ય ભોગવી રહ્યો છું, અને હજી પણ અથાણાં, ગળપણ તથા ફરસાણ ઉપર ખૂબ જ કાબૂ રાખું છું. અવારનવાર કબજિયાત થતાં, ભૂખ્યા પેટે હિમેજ વાપરું છું. મહિનામાં બે-ત્રણ ઉપવાસ પણ કરું છું. આ રીત મેં મારી તબિયત સુધારી અને કુદરતી ઉપચારથી રોગમુક્ત બન્યો
આરોગ્યને નુકસાન શાથી થાય છે તે, તેમ જ તંદુરસ્તી કેવી રીતે રહે છે એ સંબંધમાં એ મુનિશ્રીએ સરળ ભાષામાં અને સાવ ટૂંકાણમાં જે જાતઅનુભવ વર્ણવ્યો છે, તે સહેલાઈથી સૌ કોઈને સમજાઈ જાય એવો છે. નિષ્ઠાપૂર્વક અમલ કરો અને તરત ફળ આપે એવી આ વાત છે.
એનો સાર એ છે કે સંયમ અને અસ્વાદ-વ્રત એ જ અખંડ આરોગ્યની સનાતન ચાવી છે. એટલા માટે જ જીભના સ્વાદને જીતવાનું શાસ્ત્રોમાં ઠેરઠેર ઉગ્બોધન કરવામાં આવ્યું છે; અને મહાત્મા ગાંધીજીએ તો પોતાનાં વ્રતોમાં “અસ્વાદ' નામના અલગ વ્રતનો જ સ્વીકાર કર્યો છે.
(તા. ૨૨-૭-૧૯૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org