________________
૧૮૦
જિનમાર્ગનું અનુશીલના એને લઈને શરીર રોગનું ધામ બની જાય, તો એની અસરરૂપે સમગ્ર જીવનસાધના શિથિલ અને વેરવિખેર થઈ જાય છે, અને ત્યારે મનોબળ પણ જાણે હાર ખાવા લાગે છે.
- સાધુ-જીવનમાં પાળવાનાં વ્રતો, નિયમો, સંયમ અને તપનો વિચાર કરીએ અને રાત્રિભોજનના સર્વથા ત્યાગનું અહિંસા ઉપરાંત તંદુરસ્તીની દૃષ્ટિએ મૂલ્ય આંકીએ, તો અમે ઉપર કહ્યું તેમ, શરીર તાજુંમાશું ભલે ન થાય, પણ એને રોગિષ્ઠ બનવાના સંયોગો તો ભાગ્યે જ ઉપસ્થિત થવા જોઈએ. સામાન્ય રીતે બાર કલાક કરતાં પણ વધુ સમય માટે ખાન-પાન બિલકુલ બંધ હોય અને હોજરીને પોતાનું કામ કરીને અગ્નિને પ્રદીપ્ત કરવાનો પૂરેપૂરો અવસર મળતો હોય, તેમ જ સમયે-સમયે, નાના-મોટા પર્વદિવસોના આરાધના માટે કરવામાં આવતાં ઉપવાસ-આયંબિલ-એકાશનને લીધે શરીરના અવશિષ્ટ મળોની કે અજીર્ણની સાફસૂફી થતી રહેતી હોય, ત્યાં શરીરને રોગિષ્ઠ બનવાની વેળા ભાગ્યે જ આવવી જોઈએ. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં,
જ્યારે શરીર રોગિષ્ઠ બનતું લાગે, તો સમજવું જોઈએ કે જીવન જીવવાની અને આહારવિહાર-નીહારની પ્રક્રિયામાં ક્યાંક ને કયાંક ભૂલ થઈ રહી છે.
આની સામે આપણે એવા પણ દાખલા (ભલે આંગળીને વેઢે ગણી શકાય એટલા) મેળવી શકીએ એમ છીએ કે જેમના આહાર-વિહાર સંયમિત અને નિયમિત હોય છે, તેઓ પોતાના તન અને મનને સારી રીતે તંદુરસ્ત અને મજબૂત રાખી શકે છે અને કલાકોના કલાકો સુધી ભારે જવાબદારીવાળું કામ કરવા છતાં, ન તો શરીરથી થાકે છે કે ન તો મન કે બુદ્ધિથી હારે છે – પછી શરીર ભલે દેખાવમાં દૂબળું-પાતળું હોય.
આજે સાધુ-સાધ્વી-સમુદાયમાં જે અનારોગ્ય જોવા મળે છે, એનાં કારણો ના સમજી શકાય એવાં તો નથી; પણ એની ઊંડી મીમાંસા કરવાનું ન તો આ સ્થાન છે કે ન તો એ કરવું અહીં જરૂરી કે ઇષ્ટ પણ છે. તોપણ એમાં તરત પ્રતીત થઈ શકે એવી કેટલીક બાબતો આપણું ધ્યાન દોર્યા વગર નથી રહેતી.
એમ લાગે છે કે ખાસ કરીને શહેરોએ અને શહેરોમાંના પોતાના અનુરાગીઓ કે પ્રશંસકોએ સાધુ-સાધ્વી-સમુદાયની ખાન-પાનની પ્રક્રિયાને વિક્ષિપ્ત કરી દીધી છે, અને એને લીધે એમાં જે ચુસ્ત નિયમિતતા અને સંયમ સચવાવાં જોઈએ, એમાં ઢીલાશ આવી જાય છે. પરિણામે, શરીરની તંદુરસ્તી જોખમાઈ જાય છે.
બીજું કારણ કદાચ એ પણ છે કે દવા અને દાક્તરની કંઈક વધુ પડતી સગવડના કારણે શરીર કરતાં મન વધારે ઢીલું બની જાય છે, અને તેથી મનમાં એમ જ રહ્યા કરે છે કે મારું શરીર બરાબર નથી. આ ઢીલાશને કારણે શિથિલ શરીરને પણ તંદુરસ્ત કે શક્તિશાળી બનાવવાની મનની જે વિશિષ્ટ શક્તિ છે એમાં ઓટ આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org