________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૨
૧૭૩
ભૂતકાળમાં – જેને આપણે આપણી સામે વહી ગયેલો વર્તમાનકાળ જ કહી શકીએ એ અરસામાં – આપણા મહાન સમર્થ આચાર્ય આત્મારામજી મહારાજે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને છેક તે કાળે અમેરિકા જેટલે દૂર ચિકાગોની સર્વધર્મ પરિષદમાં, જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા, એ મહાન કાર્યની મુક્ત મને પ્રશંસા કરનારા કેટલા નીકળ્યા ? અને આજે પણ એ કાર્યની મહત્તા અને ઉપયોગિતા સમજીને એનું અનુકરણ કરનારા કોણ છે? (૫) ઉપાશ્રયોની ચાર દીવાલો વચ્ચે, ચંદરવા-પૂઠિયા નીચે બેસીને, પોતાના અનુયાયીઓ જેવા સહધર્મીઓ આગળ વ્યાખ્યાન આપવાને બદલે નગરનાં જાહેર સ્થાનોમાં ખડા રહીને સામાન્ય જનસમૂહ અને વિદ્વાનો સમાન રીતે સમજી શકે એ રીતે જૈનધર્મ-સંબંધી જાહેર વ્યાખ્યાનો આપવાની શરૂઆત સદ્ગત યુગપારખુ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ કરી, ત્યારે એમને માથે શી-શી વીતી હતી? અત્યારે તો આવાં જાહેર વ્યાખ્યાનો રોજની પ્રવૃત્તિ જેવાં બની ગયાં છે. (૬) એ જ આચાર્યે ૨૫-૫૦ વર્ષ પછી જૈનસંઘ અને સમાજને સાધારણ-ખાતાનો પ્રશ્ન કેટલો સતાવવાનો છે એ અગાઉથી પારખી જઈને દેવદ્રવ્યની વાત છેડી તો એમને માથે કેટલી પસ્તાળો પડી હતી ! આઠેક વર્ષ પહેલાં મુંબઈનાં રૂઢિચુસ્ત ગણી શકાય એવા ઉપાશ્રયના વહીવટકર્તાઓ અને બીજા આગેવાનોએ પણ બોલી બોલવાના દર ઉપર સાધારણ-ખાતાનો અમુક ટકા (અમારી યાદ પ્રમાણે ૨૫ ટકા) સરચાર્જ નાખવાની વાત ઉચ્ચારી એ શું સૂચવે છે? અને છતાં એ મહાન આચાર્યની દીર્ધદષ્ટિનો લાભ લેવાનું હજી પણ આપણને નથી સૂઝતું! (૭) અને હજી ગઈ કાલની જ વાત તપાસીએ, તો આપણા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ તેમ જ ઈતિહાસના ઊંડા અભ્યાસી પં. શ્રી કલ્યાણવિજયજી ગણીએ જિનપૂજાની જૂની અને મૂળ પદ્ધતિનો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો તો આપણે જૈનસંઘના રત્નસમાન એવા એ જ્ઞાની પુરુષને પણ પાપના ઉદય વાળા કહેતાં પણ ન અચકાયા !
આવા બીજા પણ અનેક દાખલાઓ આપી શકાય; પણ અહીં આટલા પૂરતા ગણાય. આવા દાખલાઓનો માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ લાગે છે કે સામાન્ય જનસમૂહનું અને ખાસ કરીને જુનવાણીપણામાં સવિશેષ આસ્થા ધરાવતા વર્ગનું માનસ કંઈક ટાઇફોઈડ તાવમાં સપડાયેલ દર્દીના પેટ જેવું આળું બની ગયું હોય છે; એમાં તો સ્વસ્થતા, ધીરજ અને દઢ આત્મવિશ્વાસથી કામ લેવું જોઈએ.
આ દષ્ટિએ વિચારતાં તો ધ્વનિવર્ધક યંત્રનો સાધુસંઘ ઉપયોગ કરે એ નવા વિચારની સામે જે જુદા વિચારો અથવા જે વિરોધ અત્યાર સુધીમાં વ્યક્ત થયા છે, તે બહુ સૌમ્ય તેમ જ સંસ્કારી ભાષામાં વ્યક્ત થયા છે એમ કહેવું જોઈએ. આ બીનાને પણ કદાચ સમયની અસર તરીકે ઓળખાવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org