________________
૧૭૨
જિનમાર્ગનું અનુશીલન
ભૂતકાળમાં પણ નવા વિચારે કે આચરણે શરૂશરૂમાં – અને તે પણ ઠીક-ઠીક લાંબા સમય સુધી – પ્રતિકૂળ પ્રત્યાઘાતો જન્માવ્યાના અનેક દાખલાઓ ઇતિહાસને પાને નોંધાયેલા છે. અત્યારના આ પ્રશ્નને સમજવા માટે દૂરના અને નજીકના ભૂતકાળના એવા થોડાક દાખલાઓ જોઈશું તો આપણને સમજાશે કે આમાં શરૂઆતમાં તો આમ જ બને : (૧) વિક્રમ રાજાના સમયમાં થયેલ આપણા મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકરે અર્ધમાગધી પ્રાકૃતમાં રચવામાં આવેલ જે નમસ્કાર-મંત્ર-સૂત્રનાં પાંચ પદો દ્વારા પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા હતા, તે પાંચ પદોને બદલે એક જ લાંબા પદ દ્વારા નમસ્કાર કરવા માટે સંસ્કૃત ભાષામાં નવા સૂત્રની રચના કરી, તો એમની સામે એવો જબરો વિરોધ ઊઠ્યો કે એવા સમર્થ આચાર્યને પણ રૂઢિચુસ્તતાએ પારાચિક (કઠિનતમ પ્રાયશ્ચિત્ત) જેવું પ્રાયશ્ચિત્ત આપ્યું! પણ પછી સમય જતાં એ જ પદનો દૈનંદિન ધર્મક્રિયામાં સ્વીકાર કરાયો ! એટલું જ નહીં, અનેક તાત્ત્વિક વિષયો પણ સંસ્કૃત ભાષામાં જ રચાવા લાગ્યા, તેમ જ સંસ્કૃતના અધ્યયન-અધ્યાપનમાં પણ ત્યાર પછી ઘણો વેગ આવ્યો ! (૨) એ જ રીતે જ્યારે મહાન આચાર્ય અભયદેવસૂરિજીએ અંગસૂત્રો ઉપર સંસ્કૃત ટીકાઓ રચવાનો પ્રારંભ કર્યો, ત્યારે એમને નિંદવામાં આપણે મણા નહોતી રાખી, અને એમને કુષ્ઠ-રોગ થયો તો “તે આગમોની ટીકાઓ રચ્યાના પાપનું ફળ મળ્યું” એટલે સુધી આપણે કહ્યું ! પણ ત્યાર પછી તો એ ટીકાઓ જ આગમશાસ્ત્રોના ઉકેલને માટે આપણા માટે ચાવીરૂપ બની ગઈ – અરે, એટલે સુધી, કે ટીકાઓ વગર આગમોના અર્થ સમજવા જ મુશ્કેલ બની ગયા ! આ પછી તો સંસ્કૃત તરફના અધ્યયન-અધ્યાપનની આપણી રૂચિ એટલી તો આગળ વધી, કે મૂળ પ્રાકૃત-અર્ધમાગધી કરતાં સંસ્કૃતનું પરિશીલન વધારે પ્રમાણમાં થવા લાગ્યું ! આજે પણ આપણા સાધુસમુદાયોના અધ્યયનનું અવલોકન કરીશું તો જણાયા વગર નહીં રહે કે સંસ્કૃતના જાણકારોના પ્રમાણમાં પ્રાકૃતના જાણકારો ઓછા જ નીકળવાના. આજે આપણે બધા અભયદેવસૂરિજીનું નવાંગીવૃત્તિકાર' તરીકે ભારે ગૌરવપૂર્વક નામ લઈએ છીએ; પણ એ પ્રક્રિયાને કેટલાં બધાં વર્ષો લાગ્યો ! અભયદેવસૂરિજીને તો પોતાના જીવનકાળમાં કેવળ લોકનિંદાના અને તિરસ્કારના કડવા ઘૂંટડા જ ગળે ઉતારવા પડ્યા હતા !
નવા વિચાર કે ક્રાંતિકારી પ્રવૃત્તિ સામે જુનવાણી માનસ કેવું પ્રતિકૂળ કે પ્રત્યાઘાતી વલણ ધારણ કરે છે, એના આ બે ભૂતકાળનાં સૂચક દાખલાઓ છે. નજીકના ભૂતકાળનો વિચાર કરીએ તો (૩) આનંદઘનજીની આત્મમયતા અને મસ્તીનું મૂલ્યાંકન કરવાને બદલે જડ ક્રિયાકાંડમાં મૂળ તત્ત્વને ભૂલી જનારા કેટલા બધા રૂઢિચુસ્તો એમની મહત્તાને ઉવેખનારા નીકળ્યા હતા! (૪) તેથી ય નજીકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org