________________
૧૭૧
'બ * ૩૨
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૨
આખા દેશમાં તેમ જ જૈનસંઘના ગૃહસ્થવર્ગમાં શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સમારંભોમાં પણ આ યંત્રનો ઠેર-ઠેર ખૂબ વ્યાપક રીતે ઉપયોગ થવા લાગ્યો છે, એટલું જ નહીં, વિશાળ જન-સમુદાય એકત્ર થાય ત્યાં એ અનિવાર્ય પણ બની ગયેલ છે. આમ છતાં, ખાસ જરૂર ઊભી થઈ હોય તેવા વખતે આપણો શ્રમણસમુદાય પણ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરે એવી વિનંતિ કે એવો વિચાર એક રીતે હજુ ક્રાંતિકારી જ છે. સાધુ-સમુદાયના ઘણા મોટા વર્ગની મનોવૃત્તિ ચાલુ ચીલે ચાલવાની જ હોય છે, એટલે આવો કોઈ પણ વિચાર પ્રથમ દર્શને આવકાર પામવાને બદલે પ્રતિકૂળ પ્રત્યાઘાતો જન્માવે એ સાવ સ્વાભાવિક છે. પણ તેથી આ નવો વિચાર રજૂ કરનાર સદ્દગૃહસ્થોએ નિરાશ થવાની મુદ્દલ જરૂર નથી. વળી કોઈ પણ રૂઢ થઈ ગયેલી જૂની પરંપરામાં પરિવર્તન કરવાનું – તેમાં ય જે બાબતો ધર્મરૂપ લેખાતી હોય એમાં પરિવર્તન કરવાનું – કામ રાતોરાત પતી જાય એવી અપેક્ષા પણ રાખી શકાય નહીં. એ માટેની આવશયક ભૂમિકા તૈયાર કરવા માટે ખરેખરું કામ તો એ માટેના વિચારો લાગતાવળગતા લોકસમૂહ પાસે રજૂ કરવા માટે અને એનો બની શકે તેટલો પ્રચાર કરવાનું છે. એક રીતે આ મહાનુભાવોએ પોતાના વિચારો વ્યવસ્થિત રીતે રજૂ કરીને તેમને જાણે જન્મ આપ્યો' એમ કહી શકાય. એટલે એમનું આ કાર્ય પ્રશંસાને પાત્ર જ લેખી શકાય. જો વિચારો જ રજૂ ન થાય તો પછી અમલ કે આચરણની તો વાત જ ક્યાં રહી?
સ્વ. આચાર્ય વિજયવલ્લભસૂરિજીમાં તો સમયની હાકલને સાંભળવાની અને યુગની માંગને સમજી જવાની વિશિષ્ટ અને વિરલ શક્તિ હતી. એક વિચાર કે એક પરિવર્તન સ્વીકારવા યોગ્ય જણાય કે તરત જ, બીજા કોઈની શેહ-શરમ રાખ્યા વગર, એનો અમલ કરવાની એમનામાં અજબ હિંમત હતી. આવી વિશિષ્ટ દૃષ્ટિ અને શક્તિને લીધે જ, જ્યારે એમણે જોયું કે ધર્મપ્રચાર અને લોકકલ્યાણની દૃષ્ટિએ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવો લાભકારક અને જરૂરી છે, ત્યારે કશી ય ગડમથલ કે વિવાદમાં પડ્યા વગર એમણે સીધેસીધો એનો ઉપયોગ કરી બતાવ્યો; અને એમ કરીને જેઓ આ બાબતમાં દુવિધામાં હતા, અથવા જેમનું મન ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવા તરફ સહેજ પણ ઢળતું હતું એમને માટે માર્ગ મોકળો કરી દીધો.
પણ જ્યાં સાંપ્રદાયિક કટ્ટરતા, જુનવાણીપણું અને રૂઢિચુસ્તપણું પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠું હોય, અને મોટા ભાગનું માનસ ગાડરિયા પ્રવાહને જ અનુસરવા માગતું હોય, ત્યાં આવી ક્રાંતિકારી વૃત્તિનો અભાવ દેખાય, તો તેથી આશ્ચર્ય પામવાની કે નિરાશ થવાની જરૂર નથી. દેખીતું નુકસાન ગમે તેટલું કળાતું હોય, છતાં અણદેખીતા લાભની કલ્પનામાં રાચીને રૂઢિચુસ્તતાને જાળવવી એ જુનવાણી માનસની તાસીર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org