________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૯
આ સ્થિતિ ચાલુ રહેવા દેવી છે કે કેમ ? એમાં પરિવર્તન આણવું હશે તો આપણા ગુરુવર્ગની સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓનો વિચાર કરવો પડશે. આપણે પણ દેશના એક અગત્યના અંગરૂપ છીએ એમ પુરવાર કરીને જ પ્રગતિ સાધી શકીએ; અને આમ પુરવાર કરવાનો એકમાત્ર માર્ગ આપણી સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓને અદા કરવી એ જ છે.
કોઈને એમ લાગે કે આપણા ગુરુવર્ગને આ જવાબદારી અદા કરવાનું કહેવું એ એમના સાધુજીવનમાં ડખલ કરવા બરાબર છે, તો માનવું કે એમ માનનાર સાધુજીવનની સાચી સમજણથી દૂર છે. સાચા સાધુનું હૃદય તો આખી દુનિયાને પોતાનામાં સમાવી શકે એવું વિશાળ અને ઉદાર હોય.
વળી, કોઈને એમ લાગે કે સાધુઓને માટે આવી વાતો કરવી એ તો એમના સાધુજીવનના આચારોથી એમને અળગા કરવા જેવું છે, તો એ પણ બરાબર નથી. સાધુ પોતાના આચારોનું પૂરેપૂરું પાલન કરવા છતાં સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં કેવો અગત્યનો ફાળો આપી શકે અને આ બંને પ્રકારની જવાબદારીઓ કેવી સફળતાપૂર્વક અદા કરી શકે એ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે તથા જગદ્ગુરુ હીરવિજયસૂરિજીએ આપણને બરાબર બતાવ્યું છે.
એક વાત આપણી સમજણમાં કદાચ સચવાઈ રહી હોય, પણ આચરણમાંથી અદશ્ય થઈ ગઈ છે: ધર્મનો આત્મા માનવસહિત તમામ જીવો પ્રત્યે સમભાવ રાખવો એ છે. પણ ધર્મનું આ સાચું રહસ્ય આપણા જીવનમાંથી સરી ગયું, અને તેથી એક બાજુ આપણે એક યા બીજા નિમિત્તે માનવીની અવગણના કરતા થયા. કોઈને નાસ્તિક', કોઈને મિથ્યાત્વી', કોઈને પાપી અને કોઈને “ભવાભિનંદી' એવી આધ્યાત્મિક વિકૃતિમાંથી જન્મેલી ગાળો દઈદઈને આપણે માનવસમૂહોને આપણાથી અળગો કરતા ગયા, અને બીજી બાજુ ક્રિયાકાંડ, બાહ્યતપ, બાળતપ' વગેરે એકાંગી પ્રવૃત્તિઓમાં જ ધર્મનું સર્વસ્વ સમાઈ જતું હોય એવી રીતે વર્તવા લાગ્યા. પરિણામે કષાયનિવૃત્તિરૂપ ખરો ધર્મલાભ આપણે માટે દુર્લભ બનવા સાથે જૈન સંસ્કૃતિની પ્રતિષ્ઠાનો પણ હૃાસ થતો ગયો.
જો આપણે જૈન સંસ્કૃતિનો અભ્યદય કરવો હશે તો આપણા ગુરુવર્ગ સમયની સાથે કદમ મિલાવતાં શીખવું જ પડશે એમ અમને ચોક્કસ લાગે છે. હવે તો કરશે તે પામશે'નો યુગ આરંભાઈ ચૂકયો છે.
(તા. ૭-૪-૧૯૫૬ અને તા. ૨૧-૪-૧૯૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org