________________
૯૮
જિનમાર્ગનું અનુશીલન મૂલ્યનો એમણે જે સ્વીકાર કર્યો છે, તેમાં આમ તો આપણાં ધર્મશાસ્ત્રોમાં ઠેર-ઠેર મનુષ્ય-ગતિની જે દુર્લભતા વર્ણવવામાં આવી છે તે જોતાં, કોઈ ખાસ નવી વાત કરી છે એમ ન કહી શકાય. આમ છતાં માનવસેવા-સંઘના કાર્યના અનુસંધાનમાં જ્યારે તેમણે આ વાત કહી છે ત્યારે એમના એ કથનનું મૂલ્ય ચોક્કસ વધી જાય છે. તેઓ, પોપટિયા જ્ઞાનની જેમ, માત્ર શાસ્ત્રોની વાતો કરીને જ સંતોષ માનવાને બદલે, માનવજીવનના આ મૂલ્યાંકનના આધારે પોતાનું કર્તવ્યક્ષેત્ર નિશ્ચિત કરે છે, અને લોકજીવનમાં એવી કર્તવ્યબુદ્ધિને જાગૃત કરવાનો પુરુષાર્થ કરતા લાગે છે.
અલબત્ત, ઘણા લાંબા કાળથી સાધુસમાજ ઉપર આળસુપણાનું કે પોતાની સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ પ્રત્યે ઉદાસીન કે બેદરકાર હોવાનું જે દોષારોપણ ચાલ્યું આવે છે, તે માત્ર આવા ઠરાવો કે આવા વાર્તાલાપથી દૂર થઈ જશે એમ માની લેવું કદાચ વધારે પડતું લેખાય. આમ છતાં આવા ઠરાવો અને આવો વાર્તાલાપ એક આશાસ્પદ પરિસ્થિતિ સૂચવે છે એનો ઈન્કાર ન કરી શકાય. જ્યારે પણ પરિવર્તન આવવાનું હશે ત્યારે આવાં વિચાર-આંદોલનો દ્વારા જ આવશે.
પણ આ ઠરાવો અને આ વાર્તાલાપ અમને આવકારપાત્ર લાગ્યા છે એટલા જ માટે અમે આ લખતા નથી. આ લખવાનો અમારો મુખ્ય ઉદ્દેશ તો દેશના અન્ય સમાજોના ગુરુવર્ગની સમયાનુકૂળ નૂતન પ્રવૃત્તિથી આપણા સંઘના ગુરુવર્ગને માહિતગાર કરીને એ દિશામાં તે પણ વિચાર કરતો થાય અને પોતાની સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીનો વિચાર કરે એ છે.
જનસંપર્ક ઓછો રાખીને કે ગામો અને નગરોનો સંપર્ક પણ પોતાના જીવનનિર્વાહ પૂરતો (અન્ન-વસ્ત્રની જરૂરિયાત પૂરી પડે એટલો) જ રાખીને વનમાં કે એવાં બીજાં એકાંત સ્થળોમાં બને તેટલો વધારે સમય વિતાવીને કેવળ આત્મધ્યાન અને આત્મસાધનામાં લીન રહેતા સાધુઓનું જીવન અને અત્યારના સાધુવર્ગનું જીવન - એ બે વચ્ચે ચોક્કસ ફરક છે. સાધુજીવને અત્યારે જે વળાંક લીધો છે, તેમાં એકાંતવાસના બદલે નગરો અને ગામોનો વસવાટ જ જાણે એમના માટે અનિવાર્ય બની ગયો છે. આ સ્થિતિમાં સમાજ એ સાધુજીવનનું અનિવાર્ય અંગ બની જતાં સાધુવર્ગ ઉપર આપોઆપ જ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ આવી પડે છે.
- પણ, પ્રવૃત્તિ અને નિવૃત્તિની અધૂરી કે ખોટી સમજણને કારણે, અત્યાર સુધી આ જવાબદારીઓની ઠીકઠીક ઉપેક્ષા થઈ છે. પરિણામે, દિવસે-દિવસે જૈન સંસ્કૃતિનો હૃાસ જ થતો રહ્યો છે; જાણે આપણો કોઈ ભાવ જ પૂછતું નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org