SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ જિનમાર્ગનું અનુશીલન ભાવનાને મૂર્ત કરે અને પરમત-સહિષ્ણુતાને જીવનમાં જીવી બતાવે તો દેશના પ્રજાજીવનના ઘડતરમાં એ ભારે મહત્ત્વનો ફાળો આપી શકે. આ સાધુસંઘ પોતાના ઉદ્દેશને પાર પાડવા માટે દર વર્ષે તેનું વાર્ષિક અધિવેશન ગુજરાતમાં જુદે જુદે સ્થળે ભરે છે. આમાં જૈન મુનિવરોને પણ તેઓ આમંત્રણ આપે છે. અમને લાગે છે કે પ્રજાજીવનમાં ધર્મભાવનાનાં બીજોને વાવવાં હોય તો આમાં આપણા મુનિવરોએ પૂરતો સાથ જરૂર આપવો જોઈએ. આમ છતાં, હજુ તેમનું આ તરફ વિશેષ પ્રમાણમાં ધ્યાન ગયું નથી લાગતું. સાધુસંઘ આ દિશામાં વધુ પ્રયત્ન કરે અને આપણે પણ આ સંઘના કાર્ય પ્રત્યે વિશેષ રસ દાખવીએ એ દરેક રીતે ઇચ્છવા જેવું છે. આ સંઘનું પાંચમું અધિવેશન ગત તા. ૨૨-૨૩મી ફેબ્રુઆરીના બે દિવસો દરમિયાન ભરૂચ પાસે નિકોરા મુકામે મળી ગયું. આ અધિવેશનના પ્રમુખ તરીકે પોરબંદરના શિંગડામઠના મહંત યોગીરાજ શ્રી રામપ્રપન્નાચાર્યજીની વરણી કરવામાં આવી હતી. તેમણે આ પ્રસંગે પ્રમુખ તરીકે જે ભાષણ આપ્યું હતું, તે છેલ્લા કેટલાય દસકાઓથી આપણે સાધુઓનાં જે રીતનાં ભાષણો સાંભળવા ટેવાયેલા છીએ તેમાં નવીન ભાત પાડે એવું અમને લાગ્યું છે. આ ભાષણમાં કોઈ પંથ, વાડા કે સંપ્રદાયની સત્તા કાયમ રાખવાની કોઈ વાત જોવામાં નથી આવતી; ઉપરાંત ધર્મભાવનાનો વિચાર પણ એમાં રાષ્ટ્રજીવનના ઘડતરની દૃષ્ટિને કેન્દ્રસ્થાનમાં રાખીને જ કરવામાં આવ્યો છે એ એની ધ્યાન ખેંચે એવી વિશેષતા છે. આ ભાષણ વાંચતાં એમ લાગ્યા વગર નથી રહેતું કે આ ઇતર સમાજના સાધુવર્ગમાં સમયની કૂચની સાથેસાથે ધર્મભાવના પોતાનાં કદમ મિલાવી શકે એવી જાતનો વિચારપલટો અચૂક રીતે આવ્યો છે – આવી રહ્યો છે. આ વિચારપલટો વર્તન-પલટામાં ક્યારે પરિણમશે એ ભવિષ્ય આપણે ભલે અત્યારે ન ભાખી શકીએ; છતાં એટલું તો સ્વીકારવું પડશે જ કે ભવિષ્યમાં કોઈ ને કોઈ સમયે વર્તનપલટાને જન્માવી શકે એવાં બીજો આ વિચારપલટામાં રહેલાં જ છે. કોઈ પણ સમાજને ઇતર સમાજની સરખામણીમાં પાછળ પડતો રોકવો હોય, કે રાષ્ટ્રઘડતરના સર્વકલ્યાણમય કાર્યમાં બીજા સમાજોની સાથોસાથ પ્રગતિશીલ રાખવો હોય, તો તેના આગેવાનોએ સમયની માંગ પ્રમાણે વિચાર-પલટાનું સ્વાગત કરવા હમેશાં તૈયાર રહેવું જોઈએ. વિચારપલટો જ માનવજીવનને વહેતી સરિતાની જેમ સ્વચ્છ રાખી શકે છે, જ્યાં વિચારબધિરતા આવી ત્યાં માનવજીવન બંધિયાર ખાબોચિયાના પાણી જેવું મેલું બની ગયું સમજવું. આ દૃષ્ટિએ મહંતશ્રીનું આ ભાષણ ઠીકઠીક વિચારસામગ્રી પૂરી પાડે છે. એટલે એમાંની થોડીક વિચારકણિકાઓ અહીં જોવી લાભકારક થઈ પડશે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy