________________
નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર
૧૫
એમ સાંભળતાં ગુરુ બોલ્યા કે –“મૃત્યુના ભયથી કે રોગને લીધે મને ખેદ થતો નથી, પરંતુ પિશુના લોકો જે અપવાદ બોલે છે, તે મારાથી સહન થઈ શકતું નથી.”
ત્યારે ધરણેદ્ર કહેવા લાગ્યો કે - “એ બાબતમાં તમારે અધીરાઈ-ખેદ ન કરવો. હવે આજે દીનતા તજીને જિનબિંબના ઉદ્ધારથી તમે જૈનશાસનની પ્રભાવના કરો. શ્રીકાંતાનગરીના ધનેશ શ્રાવક, વહાણ લઈને સમુદ્રમાર્ગે જતાં તેના વહાણને ત્યાંના અધિષ્ઠાયક દેવતાએ સ્તંભાવેલ હતું. આથી શ્રેષ્ઠીએ તેની પૂજા કરતાં તે વ્યંતરે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે સમુદ્રની ભૂમિમાંથી ભગવંતની ત્રણ પ્રતિમા તેણે બહાર કાઢી. તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી, જેથી ત્યાં તીર્થ થયું. બીજી ભ. અરિષ્ટનેમિની પ્રતિમા પાટણમાં આમલીવૃક્ષના મૂળમાં પ્રાસાદમાં સ્થાપન કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન ગામમાં સેટિકા નદીના તટપર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં સ્થાપન કરેલ છે. તે શ્રી પાર્શ્વનાથ ભ.ની પ્રતિમાને પ્રગટ કરો. કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. વળી પૂર્વે વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને ભૂમિમાં રહેલ બિંબના પ્રભાવથી રસનું સ્તંભન કર્યું અને તેથી તેણે ત્યાં સ્તંભનક નામનું ગામ સ્થાપન કર્યું, તેથી તમારી પણ પવિત્ર કીર્તિ અચળ થશે. અન્ય જનોના જોવામાં ન આવે તેમ વૃદ્ધાના રૂપે એક દેવી તથા એક શ્વેત શ્વાન ત્યાં માર્ગ બતાવનાર રહેશે.” એ પ્રમાણે કહીને ધરણંદ્ર અંતર્ધાન થઈ ગયા.
પછી સંતુષ્ટ થયેલ આચાર્યે રાત્રિનો બધો અભુત વૃત્તાંત શ્રીસંઘને કહી સંભળાવ્યો. જે સાંભળતાં ભારે હર્ષિત થયેલા ધાર્મિક જનો તે વખતે યાત્રાએ જવાને તૈયાર થયા અને નવસે ગાડાઓ ત્યાં ચાલતા થયાં. શ્રાવકોથી અનુસરાતા આચાર્ય દેવ વૃદ્ધા અને શ્વાનની પાછળ તૃણ અને કાંટાથી છવાયેલા માર્ગે ધીરે ધીરે ચાલ્યા. એમ આગળ ચાલતાં સંઘ જ્યારે સેટિકા નદીના કિનારે આવ્યો, ત્યારે વૃદ્ધા અને શ્વાન અદૃશ્ય થઈ ગયા. એટલે એ નિશાનીથી સંઘ ત્યાં રહ્યો અને આચાર્ય મહારાજે આગળ જઈને ગોવાળોને પૂછયું કે- “અહીં તમારે કંઈ પૂજનીય છે ?' ત્યારે તેમાંનો એક ગોવાળ કહેવા લાગ્યો કે - “હે પ્રભો ! સાંભળો - આ પાસેના ગામમાં મહીસલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પોતાના સર્વ આંચળથી દૂધ ઝરે છે. એટલે અહીં ખાલી થઈને જ તે ઘરે જાય છે અને ત્યાં દોહવામાં આવતાં મહાકષ્ટથી અલ્પ દૂધ પણ તે આપતી નથી, તેનું કારણ કંઈ સમજાતું નથી.' એમ કહીને તેમણે ત્યાં આચાર્યને ક્ષીર બતાવ્યું. એટલે પાસે બેસીને તેઓ પ્રાકૃત ગાથાઓથી શ્રી પાર્શ્વનાથનું સ્તોત્ર કહેવા લાગ્યા. ત્યાં નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ સ્થાપન કરીને નિયતિય ઈત્યાદિ બત્રીશ ગાથાઓનું તેઓ સ્તવન બોલ્યા. ત્યાં હળવે જાણે પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રગટ થયું. એટલે સંઘ સહિત આચાર્ય મહારાજે તરત તેને વંદન કર્યું, જેથી સમસ્ત રોગ તરત દૂર થયો અને તેમનો દેહ કનક સમાન તેજસ્વી ભાસવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org