________________
६६
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીનપુરુષાર્થનાં વચનો કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત ક્યારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં.”
જ્ઞાનીની વાણી હંમેશાં પુરુષાર્થપ્રેરક જ હોય છે. જ્ઞાનીઓએ કાળનું દુષમપણું દર્શાવ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે દર્શાવ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે દર્શાવ્યું છે. પરમાર્થપ્રાપ્તિમાં અંતરાયભૂત કારણોને લીધે તેમણે કાળનું દુષમપણું કહ્યું છે, પરંતુ જીવને પુરુષાર્થહીન કરવા માટે નહીં પણ પુરુષાર્થ જાગૃત કરવા અર્થે તેમ કહ્યું છે. કાળને દુષમ કહ્યો છે તે આત્માર્થમાં નિષ્ક્રિય થવા માટે નહીં પણ વિશેષ સક્રિય થવા માટે કહ્યો છે, કારણ કે અનુકૂળ કાળમાં જો ઓછી જાગૃતિ હોય તો કદાચ ઓછી હાનિ થાય, પણ આવા પ્રતિકૂળ કાળમાં તો વિશેષ જાગૃતિ રાખવી યોગ્ય છે. જેમ કઠિન કાળ હોય તો અર્થોપાર્જન અર્થે વધારે પ્રયત્ન કરવો પડે. વિશેષ પ્રયત્ન ન કરવામાં આવે તો ભૂખે મરવું પડે; તેમ આ કઠિન દુષમ કાળમાં પરમાર્થપ્રાપ્તિ અર્થે વિશેષ આત્મપુરુષાર્થ ખુરાવવો જોઈએ, નહીં તો સંસારમાં દુઃખ ભોગવવું પડે. તેથી શ્રીમદ્ ભલામણ કરે છે કે આ કાળમાં મોક્ષ નથી એવી હીન પુરુષાર્થની વાતો કરવી નહીં તથા સાંભળવી પણ નહીં.
આ કાળે, આ ક્ષેત્રે સાક્ષાત્ મોક્ષ થતો નથી તોપણ એક જ ભવ બાકી રહે ત્યાં સુધીનો પુરુષાર્થ તો જીવ અવશ્ય કરી શકે છે. આ કાળમાં આ ક્ષેત્રે માત્ર એક ભવ જ બાકી રહે એવું એકાવતારીપણું પ્રાપ્ત થઈ શકે એટલી સાધના તો જરૂર કરી શકાય એમ છે. શાસ્ત્રમાં આ કાળમાં એકાવતારીપણાનો નિષેધ નથી. ૨ એકાવતારીપણાનો જૈન શાસ્ત્રોમાં સર્વત્ર સ્વીકાર છે, તેમજ આ કાળમાં અપ્રમત્ત મુનિદશા પ્રાપ્ત થઈ શકે છે એમ જૈન શાસ્ત્રોમાં પ્રતિપાદિત થયેલું છે. સાતમા ગુણસ્થાન સુધીની દશા હજી પણ સાડા અઢાર હજાર વર્ષ સુધી આ ભરત ક્ષેત્રમાં વિદ્યમાન રહેશે. આમ છતાં અજ્ઞાની જીવો કાળનો દોષ કાઢે તો ત્યાં જીવનો પોતાનો જ દોષ છે એમ જ્ઞાનીઓ કહે છે.
શાસ્ત્રકારોએ પંચમ કાળને દગ્ધ અકાળ કહ્યો છે, પરંતુ તે તો કેવળજ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષાએ અકાળ કહ્યો છે, સમ્યગ્દર્શન માટે કાંઈ અકાળ નથી. સમ્યગ્દર્શન તો આ પંચમ કાળમાં પણ થઈ શકે છે. સમ્યગ્દર્શન માટે તો અત્યારે પણ સુકાળ છે, ઉત્તમ અવસર છે; માટે કાળનું બહાનું કાઢીને સમ્યગ્દર્શનના પુરુષાર્થમાં પ્રમાદી થવા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૩ (ઉપદેશછાયા-૬) ૨- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી રચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૫૭ની ટીકા ૩- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, નિયમસાર', ગાથા ૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org