________________
૬૪૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
સાહિત્ય શ્રી શંકરાચાર્યના ગ્રંથોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય
૧) ભાષ્ય ગ્રંથો ‘બ્રહ્મસૂત્ર’, ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’અને ‘ઉપનિષદો' ઉપર લખેલા
તેમનાં ભાષ્યો તેમની અપ્રતિમ રચનાઓ છે. આ ભાષ્યોના એક એક વાક્યમાં તેમની વિદ્વત્તા અને તેજસ્વી શૈલીનાં દર્શન થાય છે. ‘બ્રહ્મસૂત્ર' ઉપર તેમણે રચેલા ભાષ્યને ‘શારીરક ભાષ્ય' કહેવામાં આવે છે. આ ભાષ્યમાં તેમણે ‘વિવર્તવાદ'ના સિદ્ધાંતનું સમર્થન કરી અદ્વૈતમતનું સ્થાપન કર્યું છે.
૨) સ્તોત્ર ગ્રંથો પોતે અદ્વૈતવાદી હોવા છતાં વ્યાવહારિક ભૂમિકા ઉપર તેમણે અનેક દેવ-દેવીઓની ઉપાસના માટે ભક્તિસ્તોત્ર રચ્યાં છે, જેમ કે ૨૦ જેટલાં ગણેશસ્તોત્ર, ૨૦ જેટલાં દેવીસ્તોત્ર, ૧૦ જેટલાં વિષ્ણુસ્તોત્ર, ૫ જેટલાં તીર્થસ્તોત્ર અને ૫ જેટલાં અન્ય દેવસ્તોત્ર મળીને કુલ ૬૫ જેટલાં સ્તોત્રની રચના તેઓશ્રીએ કરી છે, જે તેમના કોમળ હૃદય અને તેમની સુંદર કવિત્વશક્તિનો પરિચય આપે છે.
=
૩) પ્રકરણ ગ્રંથો કદમાં નાના અને અદ્વૈત સિદ્ધાંતને સરળતાથી રજૂ કરતા એવા ગ્રંથો પ્રકરણ ગ્રંથો તરીકે જાણીતા છે, જેમાં વૈરાગ્ય, તપ, શમ, દમ વગેરે સાધનોની તથા અદ્વૈતના મૂળ સિદ્ધાંતોની ઉપયોગી ચર્ચાઓ છે. આવા પ્રકરણ ગ્રંથોની સંખ્યા ૪૦ જેટલી છે. એમાં મુખ્ય અને પ્રસિદ્ધ પ્રકરણ ગ્રંથો ‘આત્મબોધ’, ‘તત્ત્વોપદેશ', ‘પ્રૌઢાનુભૂતિ’, ‘અપરોક્ષાનુભૂતિ’, ‘બ્રહ્મજ્ઞાનાવલીમાલા', ‘વાક્યવૃત્તિ’, ‘સ્વાત્મનિરૂપણ', ‘અદ્વૈતાનુભૂતિ’, ‘પ્રબોધસુધાકર’, ‘પ્રશ્નોત્તરરત્નમાલિકા’, ‘બ્રહ્માનુચિંતન’, ‘મોહમુદ્ગર', ‘સ્વાત્મપ્રકાશિકા’, ‘વિવેકચૂડામણિ’, ‘ઉપદેશસાહસ્રી', ‘આત્માનાત્મવિચાર’, ‘આત્મપટલવિવરણ' વગેરે ગણાવી શકાય. આ ઉપરાંત ‘સૌન્દર્યલહરી’ અને ‘પ્રપંચસાર’ એ તાંત્રિક ગ્રંથોની રચના પણ શ્રી શંકરાચાર્યે કરી છે.
Jain Education International
-
જીવ
શ્રી શંકરાચાર્યના મત અનુસાર બ્રહ્મ અને જીવ વસ્તુતઃ અભિન્ન છે, અર્થાત્ જીવ એ બ્રહ્મથી ન તો ભિન્ન છે, ન તો તેનો અંશ છે, ન તો તેનો વિકાર છે; પરંતુ તે સ્વતઃ બ્રહ્મ જ છે. જીવ અને બ્રહ્મ વચ્ચે જે ભેદ દેખાય છે તે સત્ય નથી, પણ ઉપાધિકૃત છે. બન્ને વચ્ચે જે ભેદ જણાય છે તે વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. એક જ આકાશ કે જે સર્વવ્યાપી છે, તે ઉપાધિભેદે કરી ઘટાકાશ (ઘટમાં રહેલું આકાશ), મઠાકાશ એમ જુદું જુદું ભાસે છે, તેમ એક જ સર્વવ્યાપી બ્રહ્મ અવિદ્યાના કારણે ઉપાધિભેદથી અનેક જીવોરૂપે ભાસે છે. આ સિદ્ધાંત દ્વારા એમ પ્રતિપાદન કરવામાં આવે છે કે જીવ મર્યાદિત હોવા છતાં તત્ત્વતઃ અભિન્ન છે. શ્રી શંકરાચાર્ય બ્રહ્મ સિવાય કોઈ પણ તત્ત્વને પારમાર્થિક સત્ માનતા નહીં હોવાથી તેઓ વ્યવહારમાં અનુભવાતા જીવોનો ખુલાસો માયા કે અવિદ્યાના સિદ્ધાંત દ્વારા કરે છે. જીવની મુખ્ય ઉપાધિ અવિદ્યા છે, જે ઈશ્વરની ઉપાધિરૂપ માયાનો જીવાત્માના ભાગે આવેલો અંશ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org