SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૩ પદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન શ્રી શંકરાચાર્યનો કેવલાદ્વૈતવાદ પ્રાસ્તાવિક – શ્રી શંકરાચાર્યે 'ઉપનિષદ'ના “એકત્વવાદ’ને ‘અદ્વૈતવાદ' રૂપે પ્રસિદ્ધ કર્યો. તેઓ એકમાત્ર બહ્મને જ પરમ સત્ માને છે અને તેના સિવાય અન્ય કોઈ તત્ત્વને પરમ સત્ તરીકે સ્વીકારતા નથી. તેમના મત પ્રમાણે વાસ્તવમાં અસ્તિત્વ માત્ર એક જ તત્ત્વનું છે. જે કાંઈ વૈત કે ભિન્નતા નજરે ચડે છે તે તેનું આત્યંતિક અસ્તિત્વ નથી. તેથી જગત, જીવ અને ઈશ્વરની સત્યતાનું તેમણે ખંડન કર્યું છે. તેમના મત પ્રમાણે જગતમાં નજરે ચડતું બહુત્વ માયાના પ્રતાપે છે. આ તથ્ય તેઓ વિવર્તવાદના સિદ્ધાંતથી સમજાવે છે. વિવર્તવાદ અસ્તિત્વમાત્રને સ્વીકારે છે, પરંતુ બધું જ અસ્તિત્વ એક અને અદ્વિતીય તત્ત્વનો પ્રસ્તાર છે એમ કહે છે. તેઓ જીવ, જગત, ઈશ્વર અને મોક્ષ સંબંધની વ્યાખ્યા દ્વારા અદ્વૈતવાદ જ સિદ્ધ કરે છે. પ્રવર્તક – ઈ.સ.ના આઠમા સૈકામાં શ્રી ગૌડપાદાચાર્યે પોતાની સુપ્રસિદ્ધ “માંડુક્યકારિકા' દ્વારા અદ્વૈતવાદનું પહેલવહેલું નિરૂપણ કર્યું. અલબત્ત, એ વિચારબીજને એક સંપૂર્ણ દર્શનની ઉન્નત કક્ષાએ શ્રી શંકરાચાર્યે પહોંચાડ્યું. શ્રી શંકરાચાર્ય એક દાર્શનિક સંત હતા. તેમનો જન્મ ઈ.સ. ૭૮૮માં દક્ષિણ ભારતના કેરળ પ્રદેશના કાલડી નામના ગામે થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ તથા માતાનું નામ વિશિષ્ટ હતું. પાંચ વર્ષની વયે તેમનો ઉપનયન સંસ્કાર થયો તે પછી શંકર ગુરુના આશ્રમે ગયા. ત્યાં માત્ર બે જ વર્ષમાં સર્વ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પોતાની માતા પાસેથી ચતુરાઈથી સંન્યાસી બનવાની સમ્મતિ લઈને તેઓ આઠ વર્ષની નાની વયે સંન્યાસી થયા હતા. શ્રી ગૌડપાદાચાર્યના શિષ્ય શ્રી ગોવિંદાચાર્ય પાસે શ્રી શંકરાચાર્યે સંન્યાસદીક્ષા લીધી અને માત્ર બાર વર્ષની ઉંમરે પરમહંસની પદવી પ્રાપ્ત કરી. સોળ વર્ષની વયે તેઓ કાશી આવ્યા. ત્યાં તેમણે ભાષ્યોની રચના કરી. સુપ્રસિદ્ધ મીમાંસક શ્રી કુમારિલ ભટ્ટના શિષ્ય શ્રી મંડનમિશ્રની સાથે તેમણે તત્ત્વચર્ચા કરી હતી. બન્ને વચ્ચે દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને અંતે શ્રી મંડનમિશ્ર વિવાદમાં પરાજય પામી તેમના શિષ્ય બન્યા હતા. વૈદિક ધર્મ અને અદ્વૈત તત્ત્વજ્ઞાનના એકસૂત્રથી સમગ્ર ભારત દેશ સુસંગઠિત રહે એ માટે શ્રી શંકરાચાર્યે ભારત દેશની પગપાળા યાત્રા કરી અને ચારે દિશામાં એક એક મઠની સ્થાપના કરી તથા દરેક મઠમાં પોતાના એક એક શિષ્યને આચાર્યપદે નિયુક્ત કર્યા. પુરી, શૃંગેરી, દ્વારકા અને જોશીમઠ (બદરીનાથ) ખાતે સ્થપાયેલા આ ચારે મઠની પરંપરા આજે પણ ચાલુ છે. શ્રી શંકરાચાર્યે સ્થાપેલા મઠોના અધિપતિ શ્રી શંકરાચાર્ય તરીકે જ ઓળખાય છે. તેથી શ્રી શંકરાચાર્ય માટે “આદિ શંકરાચાર્ય' શબ્દ પ્રયોજાય છે. બત્રીસ વર્ષની યુવાન વયે ઈ.સ. ૮૨૦માં તેમણે દેહ ત્યાગ કર્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy