________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અંધ હાથીને જુદા જુદા પ્રમાણવાળો કહે છે. જેણે દાંત પકડ્યા હતા તે કહે છે કે હાથી મૂળા જેવો છે. જેણે સૂઢ પકડી હતી તે કહે છે કે હાથી દંડ જેવો છે. જેણે કાન પકડ્યા હતા તે કહે છે કે હાથી સૂપડા જેવો છે. જેણે પગ પકડ્યા હતા તે કહે છે કે હાથી કોઠી જેવો છે. આમ, હાથી મૂળા, દંડ વગેરે બધાનાં પ્રમાણો (માપ)ના સરવાળાના માપવાળો હોવા છતાં તેને તેવો ન માનતાં, અંધ જનો જેમ તેને એક એક અંગ જેવો જ માને છે; તેમ વસ્તુ નિત્ય-અનિયત્વ વગેરે બધા ધર્મોથી યુક્ત હોવા છતાં એકાંત મતવાદીઓ તેને તે રીતે ન માનતાં એક એક અંશવાળી, એક એક ધર્મવાળી જ માને છે અને તેને જ સંપૂર્ણ સત્ય માને છે, તેથી તેમની માન્યતા મિથ્યા કરે છે. જેમ દષ્ટિસંપન્ન વ્યક્તિ તો દાંત, સૂંઢ, પગ વગેરે બધાં અવયવો તેમજ આકાર-રૂપ સહિત સંપૂર્ણ હાથીને જુએ છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવ સકલનયસમ્મત વસ્તુને બધા અંશોથી યુક્ત જુએ છે. સમ્યગ્દષ્ટિ અંશગ્રાહી નયકુંજરને સ્યાદ્વાદરૂપ અંકુશ વડે વશ કરે છે. જેમ નિરંકુશ ગાંડો હાથી તોડફોડ કરે છે, તેમ સ્યાદ્વાદરૂપ અંકુશવિહોણો નય (નયાભાસ) નિરપેક્ષ બનીને, યથાર્થ શ્રદ્ધાનના અભાવે મિથ્યા મત બની જાય છે. જેમ અંકુશમાં રહેલો હાથી દરબારમાં શોભે છે, પટ્ટહસ્તી બને છે, ગાજે છે; તેમ નય પણ સ્યાદ્વાદરૂપ અંકુશ વડે વિવેક શીખી જિનશાસનરૂપ રાજદ્વારે છાજે છે, ગાજે છે.
પ્રસિદ્ધ એવા બૌદ્ધાદિ દર્શનો પ્રમાણરૂપ નથી, પણ તે એક અંશગ્રાહી નયરૂપ છે એમ જણાવતાં ‘અધ્યાત્મસાર'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે બૌદ્ધમત ઋજુસૂત્ર નયનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયો છે, કારણ કે બૌદ્ધો ઉત્પન્ન થયેલી (વર્તમાન) વસ્તુને જ માને છે. સાંખ્યોનો મત સંગ્રહ નયના પક્ષનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયેલો છે, કારણ કે સાંખ્યો આત્માને અકર્તા જ માને છે. ન્યાય અને વૈશેષિક એ બન્ને મત નૈગમ નયના પક્ષનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયા છે, કારણ કે તેઓ સામાન્યને અને વિશેષને ભિન્ન ભિન્ન માને છે. શબ્દબ્રહ્મને માનનારા એટલે કે વેદવચન જ બહ્મ છે અને તે જ ધર્મનું પ્રતિપાદન કરે છે એમ માનનારા જૈમિનીઓ (મીમાંસકો) શબ્દ નયના પક્ષનો આશ્રય કરવાથી પ્રવર્તેલા છે, કારણ કે તેઓ જાતિ અને વિભક્તિ સહિત શબ્દને તુલ્ય એવી વસ્તુ માને છે. વેદાંતીઓનો એટલે કે અદ્વૈતના પ્રતિપાદન કરનારાઓનો, માત્ર જ્ઞાનકાંડને જ અંગીકાર કરનારાઓનો મત સંગ્રહ નયના પક્ષનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયો છે, કારણ કે તેઓ ઉત્પત્તિ અને નાશરહિત માત્ર સ્થિતિના જ સ્વભાવવાળી વસ્તુને માને છે. આ સર્વની દષ્ટિ - દર્શન એક એક નયનો આશ્રય કરનારી છે, પણ જિનની દૃષ્ટિ, વસ્તુ જોવાની જિનની બુદ્ધિ સમગ્ર નય વડે ગ્રંથિત છે, અર્થાત્ જિન દર્શન પ્રમાણરૂપ દર્શન છે; માટે જિન દર્શન વિષે અત્યંત સારપણું એટલે સર્વ મતોમાં અત્યંત શ્રેષ્ઠપણું સાક્ષાત્ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org