________________
૩૩૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જળસ્રોત ઉભરાય છે. પાણી બહારથી માંગીને લાવવું પડતું નથી. પાણી આપોઆપ આવી જાય છે. હોજ તૈયાર થાય એટલે તેમાં પાણી ભરવું પડે છે. રેતી, સિમેન્ટની જેમ પાણી પણ બહારથી લાવવું પડે છે. પાણી બહારથી લાવીને હોજમાં નાખતાં તે ભરાય છે. સાચા જ્ઞાની કૂવા જેવા છે, જ્યારે વાચાજ્ઞાની હોજ જેવા છે. જ્ઞાની અંતરમાં વળે છે, જ્યારે વાચાજ્ઞાની બહાર જાય છે. જ્ઞાની અંતરમાં ઊતરી, આત્મનિરીક્ષણ કરી, રાગ-દ્વેષ-અજ્ઞાનને બહાર કાઢી નાંખે છે; જ્યારે વાચાજ્ઞાની શાસ્ત્રાભ્યાસ કરી, શબ્દો મુખપાઠ કરી, જાણકારી બુદ્ધિમાં - સ્મૃતિમાં ભરી રાખે છે. જ્ઞાની પુરુષાર્થ દ્વારા અજ્ઞાન વમે છે અને તેથી સ્વભાવ પ્રગટ થાય છે. જ્ઞાન બહારથી લાવવું પડતું નથી. અંતરમાં રહેલી નકામી ચીજો બહાર ફેંકતાં જ્ઞાન પ્રગટ થાય છે. વાચા જ્ઞાની શાસ્ત્રજ્ઞાન ભેગું કરી, ગોખી ગોખીને મગજમાં ભરે છે.
દેખાવમાં તો કૂવો અને હોજ બને પાણીના ભંડાર જ છે, કૂવામાં પણ પાણી છે અને હોજમાં પણ પાણી છે; પણ કૂવાનું પાણી એનું પોતાનું છે, જ્યારે હોજનું પાણી પારકું છે. કૂવાના પાણીને ભીતરમાં રહેલા જળસ્રોત સાથે સંબંધ છે. હોજ કોઈની સાથે જોડાયેલો નથી. એ તો પોતામાં જ સીમિત છે. સમ્યજ્ઞાની અને વાચાજ્ઞાની બન્ને જ્ઞાનના ભંડાર જણાય છે, ઉપર ઉપરથી જોતાં સરખા જણાય છે; પણ જ્ઞાનીનું જ્ઞાન તેમનું પોતાનું છે, જ્યારે વાચા જ્ઞાનીનું જ્ઞાન પારકું છે. જ્ઞાનીનું જ્ઞાન સ્વભાવ સાથે જોડાયેલું છે, જ્યારે વાચાજ્ઞાનીના જ્ઞાનનું જોડાણ શબ્દો સાથે છે, બુદ્ધિ સાથે છે, તેથી તે સીમિત છે.
કૂવો જળસ્રોત સાથે સંબંધિત હોવાથી તેનું પાણી સ્વચ્છ રહે છે. તેનું પાણી ગંદું થતું નથી, વાસ મારતું નથી. હોજમાં ભરેલું પાણી બંધિયાર હોવાથી થોડા સમયમાં અસ્વચ્છ થઈ જાય છે, ગંદું થઈ જાય છે, વાસ મારે છે. કૂવાનું પાણી હરહંમેશ તાજું હોવાથી તે પાણી નીરોગી હોય છે, તે પાણી પીનાર જીવ આરોગ્યવાન બને છે; જ્યારે હોજનું બંધિયાર પાણી વાસી હોવાથી તે પાણી રોગ ફેલાવે છે. તે પાણી પીનાર જીવ રોગિષ્ટ બને છે. જ્ઞાનીનું જ્ઞાન રાગ-દ્વેષ-મોહથી અસ્પતિ હોવાથી નીરોગી છે. તે જ્ઞાન જીવના ભવરોગને નિર્મૂળ કરી તે જીવને આત્મ-આરોગ્ય બક્ષે છે. વાચાજ્ઞાનીનું જ્ઞાન રાગ-દ્વેષ-મોહથી સ્પર્શાયેલું હોવાથી રોગિષ્ઠ છે. તે જ્ઞાન જીવનું ભવભ્રમણ વધારે છે.
કૂવામાંથી જેમ જેમ પાણી કાઢવામાં આવે છે, તેમ તેમ તેમાં આપોઆપ નવું પાણી આવતું જાય છે; જ્યારે હોજમાંથી પાણી ઉલેચવામાં આવે તો હોજ ખાલી થઈ જાય છે, ઉઘાડો થઈ જાય છે. જ્ઞાનીનું જ્ઞાન અંતરને સ્પર્શને આવતું હોવાથી શ્રોતાના અંતરતમને સ્પર્શે છે. તેમનો બોધ અનુભવના રણકાર સાથે નીકળતો હોવાથી શ્રોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org