________________
ગાથા-૧૪)
૩૨૩
પરિઘ ઉપર ઘટતી ઘટના છે. જેમ સ્વપ્નમાં મળતી સફળતા-અસફળતાનો કોઈ અર્થ નથી, તેમ સંસારમાં પણ સફળ થવાય કે અસફળ થવાય - એનું જ્ઞાની પુરુષને કોઈ મહત્ત્વ નથી. સ્વાદિષ્ટ વાનગીનું સુંદર ચિત્ર ગમે તેટલું ચાવવામાં આવે તો પણ તેમાંથી તૃપ્તિ મળતી નથી, તેમ સંસારમાં પ્રાપ્ત થયેલી સફળતાથી પણ ત્રણે કાળમાં જીવને તૃપ્તિ મળી શકે એમ નથી.
સ્વપ્નમાં કોઈ વસ્તુ ભોગવવામાં આવે તો તેનાથી જીવને વાસ્તવમાં તૃપ્તિ થતી નથી. ધારો કે કોઈ માણસ મરચાં ખાઈને સૂતો છે. ઊંઘમાં તેને તરસ લાગે છે. તે સ્વપ્ન જુએ છે કે તે ફ્રીજમાંથી પાણી કાઢીને પી રહ્યો છે અને બીજી જ ક્ષણે તેની તરસ છિપાઈ જાય છે, પણ તેની અસલી તરસ છિપાતી નથી. તે ઊઠીને પાણી પીશે ત્યારે જ તેની તરસ છિપાશે. તેવી જ રીતે સંસારના પદાર્થો જીવને તૃપ્તિ આપી શકતા નથી. જેમ સ્વપ્ન ક્ષણિક છે, મિથ્યા છે, તૃપ્તિ આપી શકતું નથી; તેમ જગતના પદાર્થો ક્ષણિક છે, મિથ્યાભાસરૂપ છે, સુખ-શાંતિની ભ્રાંતિ ઉપજાવનારા છે એમ જ્ઞાની પુરુષને જણાય છે. તેમને દેહ-ગૃહાદિ આત્મબાહ્ય પદાર્થો સ્વપ્નવત્ ભાસે છે.
અહીં એ સ્પષ્ટ કરવું અત્યંત આવશ્યક છે કે જગતના સર્વ પદાર્થ સ્વપ્ન જેવા છે એમ કહીને શ્રીમદ્ એમ દર્શાવવા નથી માંગતા કે દેહ, સ્ત્રી, પુત્ર, ગૃહાદિનું કોઈ અસ્તિત્વ નથી; સંસારનું અસ્તિત્વ જ નથી. સ્વપ્ન શબ્દ દ્વારા પદાર્થોનો અભાવ અભિપ્રેત નથી. દેહાદિ સઘળું એક વાસ્તવિકતા છે. સકળ જગતને સ્વપ્ન સમાન કહીને શ્રીમને સંસારના પદાર્થોની ક્ષણિકતા-અસ્થિરતા ઉપર અજ્ઞાની જીવોનું ધ્યાન દોરવું છે. જેમ સ્વપ્ન ક્ષણિક છે, ક્ષણજીવી છે, સ્વપ્ન પૂરું થતાં ખેદ થાય છે; તેવું જ આ સંસારનું પણ છે. જડ પુદ્ગલપરમાણુઓના અનિત્ય સંયોગથી બનેલા ભૌતિક જગતના પદાર્થો પણ ક્ષણિક, અનિત્ય અને નાશવંત છે. આવી સદૃશતાના કારણે જગતને સ્વપ્નની ઉપમા આપવામાં આવી છે.
ઉપમાઓ સમાનતા, સદૃશતાના કારણે આપવામાં આવે છે, પછી તે સમાનતા એકદેશીય હોય કે સર્વદેશીય હોય. દા.ત. સ્ત્રીના મુખને શરદના ચંદ્ર જેવી ઉપમા આપવામાં આવે છે. આમાં એકદેશીય સદશતા છે, આંશિક સમાનતા છે. ઉપમા અલંકાર એટલે બે વસ્તુના સમાન ધર્મની તુલના. તે તુલના વખતે તેના અસમાન ધર્મને ગૌણ કરવામાં આવે છે. જગતને સ્વપ્નની ઉપમા આપવામાં આવી એનો અર્થ એવો નથી થતો કે જગતનું અસ્તિત્વ છે જ નહીં, પરંતુ જગત, જગતના પદાર્થો, જગતના પ્રસંગો - સર્વ સ્વપ્ન સમાન નાશવંત છે, ક્ષણિક છે એમ કહેવું છે.
જગતથી વિરક્તિ જાગે અને વૃત્તિ સ્વભાવસમ્મુખ થાય તે માટે જગતને સ્વપ્નની ઉપમા આપવામાં આવે છે. જીવ જગતની ક્ષણસ્થાયી વસ્તુઓથી વિમુખ થઈ, નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org