________________
૨૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જીવને પરિઘ તરફથી કેન્દ્ર સુધી પહોંચવા માટે અસ્તિત્વનો પરોક્ષ પરિચય જરૂર ઉપયોગી થાય છે. સિદ્ધ સમાન પોતાના સ્વરૂપ પ્રત્યે સજાગ થવા, પોતાના અસ્તિત્વ પ્રત્યે બોધપૂર્ણ થવા માટે પરોક્ષ પરિચય સહાયક નીવડે છે, સ્વયંના અખંડ સ્મરણની સાધના માટે તે સહાયક નીવડે છે. શાસ્ત્રો દ્વારા મેળવેલો આત્માનો પરોક્ષ પરિચય એવી સ્થિતિ પેદા કરવામાં ઉપયોગી થાય છે કે જેમાં જીવ સ્વયંને મળી શકે, પોતાનો સાક્ષાત્કાર કરી શકે, અસ્તિત્વનો પ્રત્યક્ષ પરિચય પામી શકે; પરંતુ આત્મસ્વરૂપનો પરોક્ષ પરિચય થાય અને એટલામાત્રથી જ જો “મને આત્માની ખબર છે' એવી ભ્રમણા સેવાય તો એ બહુ મોટી ભૂલ છે. સ્વયંની સાથે એક સમયની મુલાકાત પણ ન થઈ હોય અને જાણે પરિચય થયો હોય એવી રીતે વાણીવિલાસ કરવામાં આવે તો એ ગંભીર ભૂલ છે. પોતાના શુદ્ધ સ્વરૂપ વિષેની બૌદ્ધિક જાણકારી પ્રાપ્ત થઈ હોવા છતાં, પોતાની સાથે મુલાકાત થઈ ન હોવાના કારણે જીવનાં દુઃખનો અંત નથી આવતો. પરોક્ષ પરિચય પ્રાપ્ત કરી સંનિષ્ઠ પુરુષાર્થ આદરવામાં આવે તો પ્રત્યક્ષ પરિચય થાય છે અને સુખ-શાંતિ-સફળતા મળે છે.
જીવ ભગવાન આત્માની વાતો સાંભળે, તત્સંબંધી ઘણી માહિતી મેળવે, પરંતુ જો તેને આત્માનો પ્રત્યક્ષ પરિચય ન લાધ્યો હોય તો તે માહિતી - તે જ્ઞાન સમ્યક નથી. આત્મતત્ત્વનું અપરોક્ષ જ્ઞાન એ સાચું જ્ઞાન છે. શાસ્ત્રનાં વાંચન-ચિંતનથી મેળવેલ બૌદ્ધિક જ્ઞાન સાથે પોતાનો અનુભવ ભળતાં એ બૌદ્ધિક જ્ઞાન ભાવનાજ્ઞાનમાં પરિણમે છે, અર્થાતુ પોતાની અનુભૂતિના આધારે અંતરમાં પ્રજ્ઞા જન્મે છે ત્યારે જ એ જ્ઞાન તરીકે પ્રતિષ્ઠા પામે છે. કેરી વિષે પુસ્તકોના પુસ્તકો વાંચવામાં આવે, પણ જ્યાં સુધી તે ચાખવામાં આવે નહીં ત્યાં સુધી કેરીનો સ્વાદ નથી મળતો; એટલું જ નહીં, એ સ્વાદની યથાર્થ સમજણ પણ પ્રાપ્ત થતી નથી; તેમ શ્રત, તર્ક, યુક્તિ વગેરેથી આત્માની બૌદ્ધિક જાણકારી મળે છે, પરંતુ ગમે તેટલું વાંચવામાં આવે, સાંભળવામાં આવે કે વાતો કરવામાં આવે; પણ જ્યાં સુધી ઇન્દ્રિય કે મનની મદદ વિના આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન કરવામાં આવે ત્યાં સુધી આત્મા વિષેની સમજ અધૂરી જ રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે –
સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો;
વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે. ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ ની આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીકૃત ટીકા,
ગાથા ૧૬૫ 'सम्यग् यथावत्, भावनाज्ञानाधिगतानां भावतोऽधिगतत्वसम्भवात् ।' ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રીપાલરાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૩, કડી ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org