________________
૨૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
રહે છે કે જે ભૂતકાળમાં બન્યું નથી તે ભવિષ્ય કાળમાં બનશે, અર્થાત્ પરમાંથી સુખની પ્રાપ્તિ ક્યારેક તો સંભવશે. જુગારી ઘણું બધું હારી ચૂક્યો હોવા છતાં તેને આશા રહે છે કે ‘એક દાવ હજી ખેલી લઉં, એ જીતીશ તો ખોયેલું બધું પાછું મેળવી શકીશ.' અજ્ઞાની જીવ પણ જુગારીની જેમ વર્તે છે. નિરંતર એ જ આશામાં જીવે છે કે ભૂતકાળમાં તો મળ્યું નથી પણ હજી તક છે. કદાચ આ ધંધામાં મળી જાય, આ મિત્રમાં મળી જાય, આ વસ્તુમાં મળી જાય.....
અજ્ઞાની જીવ પોતાના અભિપ્રાયની સુધારણા કરતો નથી અને તેથી પરમાંથી સુખ મેળવવાની તેની આકાંક્ષા જીવંત રહે છે. જીવને થાય છે કે આશાની પૂર્તિ હાથવગી જ છે, પરંતુ એવું ક્યારે પણ બનતું નથી. સમુદ્રતટ ઉપર ઊભો રહીને નાવિક જુએ છે કે ક્ષિતિજ માંડ દસ માઈલ દૂર છે અને ક્ષિતિજને આંબવા વહાણમાં નીકળી પડે છે, પણ દસ માઈલ ગયા પછી પણ ક્ષિતિજનું અંતર પૂર્વવત્ જ રહે છે. તે કદાપિ ક્ષિતિજને પામી શકતો નથી. તેવી રીતે જીવને થાય છે કે આશાની ક્ષિતિજ નિકટ જ છે, હમણાં જ ત્યાં પહોંચી જઈશ અને સુખ પ્રાપ્ત કરી લઈશ; પરંતુ તેને ક્યારે પણ સુખની પ્રાપ્તિ થતી નથી, તેને કશેથી પણ તૃપ્તિ મળતી નથી. અનુભવી જ્ઞાની મહાત્માઓ કહે છે કે પ૨પદાર્થોમાંથી સુખ મળવું શક્ય જ નથી. પ૨પદાર્થની કામનાની નિવૃત્તિ જ શક્ય છે અને તેની નિવૃત્તિથી જ સુખની પ્રાપ્તિ થાય છે. જ્યાં કામના છે ત્યાં દુઃખ છે અને દુઃખથી મુક્ત થવું હોય તો કામનાનો ત્યાગ એ જ એક ઉપાય છે. કામનાથી દુઃખ નિર્મિત થાય છે અને જો જીવ કામના ન કરે તો પછી તેને કોઈ દુ:ખ રહેતું નથી. એટલા માટે કામનાને છોડવાની છે, કામનાનો છેદ ઉડાડવાનો છે અને તો જ અધ્યાત્મ નીપજે છે. આત્મજ્ઞાનના અર્થીએ કામનાનો અંત લાવવા સતત જાગૃત રહેવું જોઈએ. શ્રીમદ્ લખે છે કે
-
‘કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.’૧
આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વૈરાગ્ય આવશ્યક છે. વૈરાગ્યની દૃઢતા થવાથી ચિત્તની નિર્મળતા તથા વિચારબળની વૃદ્ધિ થાય છે અને તેથી તત્ત્વવિચારનો સુર્દઢ અભ્યાસ થઈ શકે છે. તત્ત્વવિચારથી ચિત્ત સ્થિર થતાં આત્માનુભવ થાય છે. વૈરાગ્ય એ સમસ્ત અધ્યાત્મજીવનની ધરી સમાન છે, તેથી વિષયોમાંથી સુખબુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૬ (પત્રાંક-૭૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org