________________
ગાથા-૧૩૮
૨૮૩
વિચારથી તેનું ચિત્ત સદા ક્ષુબ્ધ જ રહે છે. ભોગ સંબંધી વિચારો ચાર પ્રકારના હોય છે - ભોગપદાર્થ સંબંધી વિચાર, ભોગપદાર્થની પ્રાપ્તિ સંબંધી વિચાર, ભોગ ભોગવવા સંબંધી વિચાર અને ભોગ કાયમ રહે તે સંબંધી વિચાર. ભોગવૃત્તિ મોળી પડે નહીં ત્યાં સુધી જીવ આર્ત્ત-રૌદ્રધ્યાનની ચુંગલમાંથી છૂટી શકતો નથી. પ્રત્યેક ભોગપ્રવૃત્તિ અથવા ભોગનો વિચાર ચિત્તમાં વિષયલાલસાના સંસ્કાર મૂકતો જાય છે, જેના પરિણામે જીવને ભોગમાં પ્રવૃત્ત થવાની ફરી ફરી ઇચ્છા જાગે છે. મનમાં ઊઠેલી એક પણ ઇચ્છા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી મન અશાંત રહે છે અને વિક્ષેપનો અનુભવ કરે છે. અનિયંત્રિત ભોગેચ્છાને સંતોષવા જરૂરી સાધનસામગ્રી મેળવતાં, સાચવતાં અને ભોગવતાં ચિત્તમાં ચિંતા, સંક્લેશ અને અજંપાનાં જાળાં બંધાય છે અને એ નિમિત્તે બીજા જીવો સાથે સંઘર્ષના પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે.
અજ્ઞાની જીવોની ભોગેચ્છા અપાર હોય છે. કોઈ ધન ઇચ્છે છે, કોઈ યશ ઇચ્છે છે, કોઈ પદ-પ્રતિષ્ઠા ઇચ્છે છે ઇત્યાદિ. બધા સંસારની ચીજોની ઇચ્છા કરતા રહે છે અને આ પ્રકારની ઇચ્છાઓથી માત્ર નિરાશા જ હાથ લાગે છે. ઇચ્છાના કારણે નિરાશા અજ્ઞાની જીવની નિયતિ બની જાય છે. ઇચ્છા સાથે દુઃખ અવશ્ય આવે જ છે. કામના પૂરી થાય કે ન થાય તેને ક્યારે પણ સુખ મળતું નથી, હંમેશાં દુ:ખ જ મળે છે. જો ઇચ્છા પૂરી નથી થતી તો તો સ્પષ્ટ જ છે કે જીવ દુઃખી થાય છે, પરંતુ જો પુણ્યયોગે ઇચ્છા પૂરી થાય તોપણ તે દુઃખી જ રહે છે, કારણ કે તે વખતે ઇચ્છા તો પૂરી થઈ જાય છે પણ સુખની આશા પૂરી થતી નથી. ધારો કે કોઈ વ્યક્તિને કરોડ રૂપિયા કમાવવા છે. જો તે કમાઈ ન શકે તો તે દુ:ખી થાય એ સમજી શકાય એવી વાત છે. પરંતુ તે તો કરોડ રૂપિયા કમાઈ લે તોપણ દુઃખી જ રહે છે, કારણ કે તેને રૂપિયાની ચલણી નોટો દ્વારા સુખ મેળવવાની આશા હતી અને રૂપિયામાં સુખ આપવાની શક્તિ ન હોવાથી, ઇચ્છેલી કમાણી થઈ હોવા છતાં તેને તે દ્વારા સુખ મળતું નથી. રૂપિયાની ઇચ્છા પૂરી થાય છે પણ સુખની આશા ફળતી નથી, તેથી તે દુઃખીનો દુઃખી જ રહે છે. આમ, જીવ અસફળ થાય તો દુ:ખી થાય છે અને સફળ થાય તોપણ દુ:ખી થાય છે. ઇચ્છા સઘળાં દુઃખ અને સંતાપનું કારણ છે. જીવ વધારે ને વધારે ઇચ્છા કરે તોપણ તેને બીજું કંઈ જ મળતું નથી, સિવાય કે દુઃખ અને નિરાશા, જીવ ફરી ફરી ઇચ્છા કરે છે અને તેને ફરી ફરી દુ:ખ જ હાથ લાગે છે, નિરાશા જ હાથ લાગે છે.
જીવ પોતાના ભૂતકાળના અનુભવોમાંથી પાઠ શીખતો નથી. ભૂતકાળમાં તેને અનુભવ થયો છે કે સ્ત્રી-પુત્રાદિની પ્રાપ્તિમાં સુખ નથી, લક્ષ્મીની વૃદ્ધિ થવા છતાં સંતોષ થતો નથી, એ સર્વ દ્વારા માત્ર પળોજણ જ વધી છે; છતાં તેને હજી આશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org