________________
૨૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્યક્તિને વૈદ્ય અમુક જ ઔષધ શા માટે આપે છે? દૂધમાં ઘી તત્ત્વનો સ્વીકાર હોવા છતાં રોટલી ઉપર શા માટે કોઈ દૂધ ચોપડતું નથી?
જગતના વ્યવહારમાં જે બનતું જોવા મળે તેને વ્યવહારનય સ્વીકારે છે, તેથી એના મત અનુસાર તો આત્મા ઉપર પરવસ્તુની અસર થાય છે. આત્મા અમૂર્ત હોવા છતાં તેના ઉપર મૂર્તિની અસર અનુભવાય છે તો પછી તેનો અસ્વીકાર કેમ થઈ શકે? નીચેનાં કેટલાંક ઉદાહરણોથી આ વાત સ્પષ્ટ સમજાશે - ૧) દારૂ આદિ જડ પદાર્થો માણસને ગાંડોતુર બનાવે છે. ૨) હાલતા-ચાલતા માણસને જડ એવું ક્લોરોફોર્મ સૂંઘાડવાથી તે નિશ્ચષ્ટ બને છે અને તે પછી ડૉક્ટરો એના શરીરના કોઈ ભાગને ચીરે તોપણ એને તે વખતે વેદના થતી નથી. આ રીતે ક્લોરોફોર્મ ચૈતન્યને ઘણા અંશે તિરોહિત કરી શકે છે. ૩) જો સારી આંખવાળો અને નરસી આંખવાળો ચશ્મા પહેરે તો અનુક્રમે પદાર્થના સ્પષ્ટ પ્રતિભાસમાં એકને જડ એવા ચશ્મા પ્રતિબંધક બને છે, અસ્પષ્ટ પ્રતિભાસ કરાવે છે; જ્યારે બીજાને સ્પષ્ટ પ્રતિભાસમાં ઉત્તેજક બની, અધિકતર સ્પષ્ટ પ્રતિભાસ કરાવે છે. આ રીતે જડ એવા ચશ્મા પદાર્થના સ્પષ્ટ પ્રતિભાસમાં ઉપઘાતક બને છે અથવા તો અનુગ્રહ કરે છે. ૪) સંસારી જીવો કર્મની પરતંત્રતા અનુભવે છે. આત્માના અમર્યાદ અને અખંડ જ્ઞાનસુખસામર્થ્યનો અનુભવ તેમને થતો નથી. આત્મા અનંત જ્ઞાનનો સ્વામી હોવા છતાં, કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તેનો જ્ઞાન ગુણ સીમિત રહે છે. જડ એવાં જ્ઞાનાવરણીય કર્મો જ્ઞાન ગુણને ઢાંકે છે. ૫) તેરમા ગુણસ્થાનકે રહેલ વીતરાગપરમાત્માને પણ આયુષ્ય કર્મનો અંત ન આવે
ત્યાં સુધી કાયામાં રહેવું પડે છે. કેવળી થતાંની સાથે જ મુક્તપણે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થવાને બદલે તે વીતરાગી પરમાત્માને પણ દેહપ્રમાણ અવગાહનામાં જ અને તે પણ જ્યાં દેહ હોય તેટલા જ આકાશપ્રદેશોમાં વસવું પડે છે.
ઉપર્યુક્ત સર્વ દષ્ટાંતો એ વાતને સિદ્ધ કરે છે કે વ્યવહારની ભૂમિકાએ આત્મા ઉપર પરની અસર છે. અમૂર્ત આત્મા ઉપર મૂર્ત પદાર્થની થતી અસરોને વ્યવહારનય સ્વીકારે છે. જડ અને ચેતનનો દૂધ અને પાણીની જેમ એકરૂપ થઈ જવા સુધીનો સંબંધ વ્યવહારસિદ્ધ છે, માટે એ સંબંધને વ્યવહારનય સ્વીકારે જ છે. વળી, જડચેતનના સંબંધથી ચેતન ઉપર જડની અસરો પણ થતી જોવા-અનુભવવા મળે છે અને તે અસરોને વ્યવહારનય સ્વીકારે પણ છે. જડ-ચેતનનો સંયોગ અને એના કારણે જડની આત્મા ઉપર થતી અસરો વ્યવહારસિદ્ધ છે, માટે તેનો સ્વીકાર કરવો જ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org