________________
૧૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મસ્વભાવની વાત લક્ષમાં લઈ, તેનો પક્ષ કરીને, વારંવાર અભ્યાસ વડે તેમાં દક્ષ થવાથી, સિદ્ધસ્વરૂપી આત્મા અનુભવ વડે પ્રત્યક્ષ થાય છે. અભેદ આત્મા તરફ વળતાં સ્વભાવનો અનુભવ થાય છે. બાહ્ય સમસ્ત દુષ્ટ જગતથી પોતાની સર્વથા પ્રકારે ભિન્નતાનો જીવને અનુભવ થાય છે. અનંત ગુણના પિંડ એવા અભેદ આત્મા ઉપર દૃષ્ટિ પડતાં પરિણતિ સ્વરૂપમાં ઢળી જાય છે અને નિર્વિકલ્પદશા સંપ્રાપ્ત થાય છે. શુદ્ધ એકાકાર ચૈતન્યસ્વભાવી વસ્તુમાં વર્તમાન પર્યાય એકાગ્ર થતાં, તેનું ઉગ અવલંબન લેતાં નિર્વિકલ્પતા પ્રાપ્ત થાય છે અને અનંત ગુણની નિર્મળતા ઉલ્લસે છે, મુક્તિની લહેરનો સ્પર્શ અનુભવાય છે. જીવ મિથ્યાત્વને છોડે છે અને સમકિતને ગ્રહણ કરે છે. પહેલાં પર અને પર્યાયમાં એકતા કરી હતી, પરંતુ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું ભાન થતાં દ્રવ્યદળ સાથે એકતા થાય છે અને પર્યાયમાં વિશુદ્ધતા પ્રગટવાનું કાર્ય પ્રારંભ થઈ જાય છે. જીવ આગળ વધીને વિરતિ ગ્રહણ કરે છે, મુનિદશા પ્રાપ્ત કરે છે. સ્વરૂપમાં લીનતા વધતાં, કષાયનો જય કરી વીતરાગ બને છે અને અંતર્મુહૂર્તમાં સર્વજ્ઞ બની ભવના અંતે સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. આ રીતે જ કાર્યની સિદ્ધિ થાય છે, અન્યથા નહીં. આજ પર્યત જેઓ સિદ્ધ થયા છે તેઓ સર્વ પોતાના આત્માના સામર્થ્યથી થયા છે. સર્વ આત્મામાં આ સામર્થ્ય છે અને જે જીવ અંતરદષ્ટિના બળ વડે તે સામર્થ્યનો ઉઘાડ કરે છે, તે સિદ્ધ થાય છે. જે જીવ આત્મસ્વરૂપને જાણે છે, તે તરફ લક્ષ કરે છે, તેને શુદ્ધ આત્મા અવશ્ય પ્રાપ્ત થાય છે એમ જ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે.
જ્યાં સુધી જીવ આત્માની સમજણ કરતો નથી ત્યાં સુધી તે અનંત દુઃખ ભોગવે છે. તે આત્માની સમજણ ન કરે ત્યાં સુધી ચતુર્ગતિનાં દુઃખો ભોગવે છે. તે દુઃખોથી તેનો છૂટકારો થતો નથી. નિજસ્વરૂપ સમજ્યા વિના જીવ વિભાવપણે પરિણમે છે અને અનંત દુઃખ પામે છે. ‘સિદ્ધ ભગવાન જેવો મારો આત્મા છે' એમ જાણીને સુખસ્વરૂપી આત્માની સન્મુખ થવું તે જ દુઃખથી છૂટીને સુખી થવાનો ઉપાય છે. પરંતુ અજ્ઞાની જીવને પોતાના આનંદકંદ આત્માની કિંમત નથી. જેમ ભરવાડને ચિંતામણિ રત્નની કિંમત ન હોવાથી તે ગાયના ગળે બાંધે, તેમ અજ્ઞાની જીવને પોતાના આનંદકંદ આત્માની કિંમત નથી હોતી, રુચિ નથી હોતી; તેથી તે વિષયસુખ ભોગવવામાં અમૂલ્ય અવસર વેડફી નાખે છે.
અંતરના સ્વભાવની કિંમત - રુચિ આવ્યા વગર જીવ તેની પ્રાપ્તિનો પ્રયત્ન કરતો નથી. અજ્ઞાનીને સ્વરૂપની રુચિ ન હોવાથી તેને સ્વરૂપની સમજણ કઠિન અને દુઃખરૂપ લાગે છે, તેને તેનો કંટાળો વર્તે છે. પરંતુ સ્વરૂપની સમજણ કઠિન નથી. સિદ્ધ જેવું પોતાનું સ્વરૂપ જે જીવ સમજવા માંગે તે અવશ્ય તે સ્વરૂપ સમજી શકે છે. પોતાનું સ્વરૂપ જે પ્રાપ્ત કરવા માંગે તે અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. માટે ભવ્ય જીવોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org