________________
ગાથા-૧૩૫
૧૯૧
છે. બહારના સંયોગોમાં તો કશે પણ આત્માને ઠરવાનું સ્થાન નથી, પરંતુ પોતાના રાગ-દ્વેષ-મોહભાવમાં પણ કશે ઠરવાનું સ્થાન નથી; માત્ર જ્ઞાનસ્વરૂપી આત્મામાં જ પોતાને ઠરવાનું સ્થાન છે' એમ જાણી તે સ્વભાવમાં જ મગ્ન થવાનો, આત્મિક આનંદ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરે છે.
જેમ જેમ તે સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ વધારતો જાય છે, તેમ તેમ દરેક નાની-મોટી ક્રિયામાં સ્વરૂપજાગૃતિ રહેવા લાગે છે. પહેલાં પ્રસંગે પ્રસંગે રહે છે, પછી કાર્યું કાર્ય ટકે છે અને અંતે ક્ષણે ક્ષણે! ધીમે ધીમે જાગૃતિ સ્વાભાવિક રહેવા લાગે છે. જીવ કંઈ પણ કરતો હોય, અંતરમાં અહોરાત્રિ એક જ નાદ વાગતો રહે છે કે હું સિદ્ધસ્વરૂપી આત્મા છું', તે સ્વરૂપખુમારીમાં રહેતો હોવાથી ભોજન વગેરે ક્રિયાઓ એક જુદા જ વલણપૂર્વક થાય છે. ભોજન વગેરે ક્રિયા કરતી વખતે સ્વરૂપની સ્મૃતિ રહેતી હોવાથી તે ક્રિયાની ગુણવત્તા જ બદલાઈ જાય છે. સ્વરૂપની સ્મૃતિના કારણે મનોવલણ બદલાઈ જાય છે અને મનોવલણ પલટાતાં પુદ્ગલ પ્રત્યેના ભાવમાં જબરદસ્ત ઓટ આવે છે.
જેમ ભાવતું ભોજન કરેલા કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે તમે જે ભોજન કર્યું હતું તેમાં તો માખી પડી હતી.' આ સાંભળતાં જ તેની મનોવૃત્તિ બદલાઈ જાય છે અને ભાવમાં જબરદસ્ત પલટો આવે છે. માખી પડી હોય કે ન પણ પડી હોય, પણ એ સાંભળતાં મનોદશા તો બદલાઈ જ જાય છે અને જે ભોજન રસપૂર્વક કર્યું હતું, તે ભોજનને જ શરીરની બહાર ફેંકી દેવાની ઇચ્છા થાય છે, વમન કરવાની ઇચ્છા થાય છે. ભોજન તેનું તે જ, પણ મનોવૃત્તિ બદલાઈ જાય છે, તેથી ભાવ પણ બદલાઈ જાય છે. એ જ રીતે સાંસારિક ક્રિયા એની એ જ રહેતી હોવા છતાં અભિગમ બદલાતાં જીવની ભાવદશા બદલાઈ જાય છે. હું ત્રિકાળી શુદ્ધસ્વરૂપી ચિદાનંદપરમાત્મા છું' એવી યથાર્થ માન્યતા થતાં જીવનું સમગ્ર પરિણમન બદલાઈ જાય છે.
આત્માની અનંત શક્તિઓની ઓળખાણ થતાં, અંતરમાં સચ્ચિદાનંદ ભગવાન આત્મા પ્રકાશમાન છે તેવી સમજણ થતાં, તેનો મહિમા આવતાં પરનો મહિમા છૂટી જાય છે. જીવ પરથી ઉદાસીન થાય છે. આત્માના ગુણોના ચિંતનમાં ઉપયોગ તલ્લીન થતાં બાહ્ય વસ્તુને ગ્રહણ કરવાની, તેની રક્ષા કરવાની, ‘તેનાથી મને સુખ મળશે’ એવી ભાવનાની નિવૃત્તિ થાય છે. નિજજ્ઞાયકની બોધપૂર્ણતા વધારતાં જતાં તેના પ્રત્યેનો રસ ક્રમશ: વધતો જાય છે અને ત્યારે પરયમાંથી રસ ખેંચવાની જરૂર નથી પડતી, પણ રસ ત્યાંથી આપોઆપ છૂટી જઈ નિજજ્ઞાયકમાં જોડાઈ જાય છે. કોઈ ધન્ય પળે જ્ઞાયક, જ્ઞાન અને શેય એક થઈ જાય છે. જીવ પરવસ્તુની મમતાથી ખસે છે અને સ્વરૂપમાં વસે છે, અંતરમાં ઠરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org