________________
૧૮૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વ્યવહારથી ‘સ્વતત્ત્વ' કહેવાય છે, પણ તે આત્માનો સ્વભાવ નથી. મન-વચન-કાયાની સર્વ ક્રિયાઓથી તથા કષાયાદિ ભાવોથી આત્મા તદ્દન ભિન્ન છે. આત્મા દેહરૂપ નથી, રાગાદિરૂપ પણ નથી. આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે. ચાર ગતિનાં શરીર કે તે સંબંધી ઉદયભાવો તે આત્માનું સ્વરૂપ નથી.
શરીર તો તેનું નથી જ, તેમજ રાગભાવ પણ તેનો નથી અને અપૂર્ણ જ્ઞાન પણ તેનું સ્વરૂપ નથી. એકલો પૂર્ણ જ્ઞાનસ્વભાવ એ આત્માનું સ્વરૂપ છે. આત્મા જાણવારૂપ સ્વભાવવાળો છે. સંપૂર્ણ જ્ઞાનનો ધણી છે. પૂર્ણ નિરાવરણ જ્ઞાનનો પિંડ છે. ભગવાન આત્મા ત્રિકાળ કેવળજ્ઞાનના સ્વભાવવાળો છે. વિચારથી પણ જેનો પાર ન પમાય એવો તે ગંભીર મહિમાવંત જ્ઞાનસ્વરૂપ છે. જે જ્ઞાન પરમાંથી આવતું નથી એવા સ્વતઃ જ્ઞાનનો પૂંજ છે. આત્મા જ્ઞાનપ્રકાશનો પૂંજ છે. તેનામાં અંધકારનું નામોનિશાન નથી. આત્માનું તેજ અમાપ છે. તે નિર્મળ તેજથી પ્રકાશમાન છે.
અનંત જ્ઞાનનો ધણી ભગવાન આત્મા સૂર્ય સમાન છે. આત્મા સૂર્ય સમાન પ્રકાશવાન અને પ્રતાપવાન છે. જેમ પ્રકાશ અને પ્રતાપ દ્વારા સૂર્યનું અસ્તિત્વ પ્રસિદ્ધ થાય છે, તેમ આત્મપ્રભુ જ્ઞાનપ્રકાશથી ઝળકી રહ્યો છે. ભગવાન આત્મા પરમ નિર્મળ ચૈતન્યપ્રકાશથી ચમકી રહ્યો છે. ચૈતન્યના નૂરથી આત્મા ચમકી રહ્યો છે. પોતાની પ્રભુતાથી ભરેલું, અનાદિ-અનંત આત્મતત્ત્વ સ્વતંત્રપણે પોતાના અખંડ પ્રતાપથી શોભે છે. વળી, તેના પ્રતાપથી જગત પણ શોભે છે. જો ચૈતન્યસૂર્યનું અસ્તિત્વ ન હોય તો તેની કોઈ શોભા છે જ નહીં. બહારના સૂર્ય કરતાં ચૈતન્યસૂર્યની વિશેષતા એ છે કે સૂર્ય તો ઘણા જ ઓછા, મર્યાદિત વિસ્તારને પ્રકાશે છે, તે કાંઈ સમસ્ત લોકાલોકને પ્રકાશી શકતો નથી; જ્યારે ચૈતન્યસૂર્ય તો અનંત ચૈતન્યકિરણો વડે સમસ્ત લોકાલોકને એકસાથે પ્રકાશવાની તાકાત ધરાવે છે. સૂર્ય તો આતાપવાળો છે, પણ ચૈતન્યસૂર્ય તો પરમ શાંત છે. સૂર્ય ઉકળાટ આપે છે, જ્યારે ચૈતન્યસૂર્ય પરમ આનંદ આપે છે. સૂર્યની સામે જોનારને સૂર્ય ક્લેશ આપે છે, જ્યારે ચૈતન્યસૂર્ય તેની સન્મુખ થનારને મહા આનંદ આપે છે.
આત્મામાં અનંત આનંદ છે. આત્મા પૂર્ણ આનંદરૂપ છે, નિત્યાનંદસ્વરૂપ છે. આત્મા ત્રિકાળી શુદ્ધ આનંદનો દરિયો છે, સર્વ દુઃખથી રહિત છે. સ્વરૂપમાં દુઃખ નથી. ત્રિકાળી સ્વભાવે તો કદી પણ દુઃખને ગ્રહણ કર્યું નથી. આત્મસ્વભાવ પૂર્ણપણે નિર્મળાનંદથી ભરેલો છે. તે પરમાનંદથી ઠસોઠસ ભરેલો છે. આત્મામાં અતીન્દ્રિય આનંદ ઠાંસોઠાંસ ભરેલો છે. આત્મા આનંદના મીઠા રસથી ભરેલો છે. તે મહા આનંદના રસથી તરબોળ છે. આત્મામાં એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં અતીન્દ્રિય આનંદનો રસ ન હોય. આત્મા આનંદરસનો અખંડ પિંડ છે. તે આનંદામૃતથી ઘડાયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org