________________
ગાથા-૧૩૧
આચાર્યશ્રી કુંદકુંદદેવે “સમયસાર' ગ્રંથમાં શુદ્ધ નયની અપેક્ષાએ દેહ અને આત્માને ભિન સમજાવ્યા છે, પરંતુ તેઓ જ ‘પ્રવચનસાર'માં મુનિપણામાં સંયમ આચરણની કેટલી જરૂરિયાત છે તે પણ સમજાવે છે. અદતપોવન કે એકભક્ત જેવી ક્રિયાઓને શુભ ભાવની કે દેહની ક્રિયા તરીકે જણાવી અનાવરણીય કહેતા નથી. તેઓ બાહ્ય આચારના કડક પાલન ઉપર પણ ઘણો ભાર મૂકે છે.
આચાર્યશ્રી જો લખવા ધારત તો લખી શકત કે મુનિએ એક વાર નિર્દોષ, પ્રાસુક એષણીય વાપરવું એવો કોઈ નિયમ જરૂરી નથી, કેમ કે દેહ અને આત્મા એ આત્યંતિક ભિન્ન વસ્તુ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે દેહના ગુણો છે, જ્યારે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય વગેરે આત્માના ગુણો છે. ખાવું એ દેહનો ધર્મ છે. અણાહારીપણું એ આત્માનો ધર્મ છે. શરીરના ધર્મો જ્યારે આત્માના ધર્મો નથી થતા અને આત્માના ધર્મો શરીરના ધર્મો નથી થતા, તો પછી એક વાર જ ખાવું એવો આગ્રહ શા માટે? દેહ અનેક વાર ખાય એમાં આત્માનો અણાહારી ધર્મ જરા પણ નાશ પામતો નથી. જડ જડની ક્રિયા કરે છે, ચેતન તો અલિપ્ત છે. દેહ આત્માથી પર છે, દેહ કોઈ પણ ક્રિયા કરતો હોય તેમાં આત્મા એ ક્રિયા પોતાની માને જ શા માટે? ખાવાની ક્રિયા તો મુનિનો દેહ કરે છે, આત્મા નથી કરતો; પછી મુનિનો આત્મા ખાવાની ક્રિયાને પોતાની માને જ શા માટે? આવું કાંઈ નહીં લખતાં મુનિ માટે બાહ્ય આચારનો ભાર મૂક્યો છે અને એક પણ આચારમાં જો પ્રમાદ કરે તો ચારિત્રથી ભ્રષ્ટ થાય છે એમ બતાવ્યું છે. એ જ સૂચવે છે કે સ્વરૂપલક્ષે બાહ્ય આચાર, ક્રિયા વગેરે કરવી તે જ્ઞાનીઓને સમ્મત છે. અધિક આહારથી કે રસવાળો આહાર લેવાથી વિકાર ઉત્પન્ન થાય છે અને તેથી કામાદિ વાસનાઓ જન્મે છે. જેના પરિણામે આત્માનું ક્રમે કરીને પતન થાય છે. ચિત્તવૃત્તિ ચૈતન્યમાં સ્થિર ન થતાં વિષયોમાં દોડવા લાગે છે. માટે શુભ ક્રિયાઓ કરવી આવશ્યક છે. આચાર્યશ્રી કુંદકુંદદેવનાં તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં ઉપરોક્ત કથનોથી સ્પષ્ટ થાય છે કે નિશ્ચયપૂર્વકનો વ્યવહાર પાળવો એ આત્માર્થીનું કર્તવ્ય છે.
એકાંત નિશ્ચયવાદીનું માનવું એમ છે કે શુભ ક્રિયાથી પુણ્યબંધ થાય છે, જે સંસારમાં જીવને રઝળાવે છે. તેમને એટલું જ પૂછવું રહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું જ નથી એમ જ જો તે માનતો હોય તો તે કઈ રીતે કહી શકે કે ધર્મક્રિયા પુણ્ય બંધાવે છે અને પુણ્ય જીવને સંસારમાં રઝળાવે છે. શું જડ એવું પુણ્ય ચેતન એવા આત્માને રઝળાવી શકે? જડ એવું આકાશ જેમ આત્માથી આત્યંતિક અને એકાંતિક ભિન્ન હોવાથી ચેતનદ્રવ્યને રઝળાવી શકતું નથી, તેવી રીતે પુણ્ય પણ ચેતનદ્રવ્યથી ભિન્ન હોવાથી તેને કઈ રીતે રઝળાવી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org