________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સાચું છે કે તેની પાસે સમય નથી? શું ખરેખર તેની પાસે સમય નથી? તેની પાસે સમય તો છે, પણ રુચિ નથી. તે કહે છે કે “મારી પાસે સમય રહેતો નથી', પરંતુ તે કેટલાં બધાં અનાવશ્યક કામોમાં લાગેલો રહે છે. અનાવશ્યક કામો માટે તેને પૂરતો સમય મળી રહે છે. તે બિનજરૂરી કામો કરે છે, દુનિયાની આડીઅવળી વાતો કરે છે, પરંતુ પોતાના ઉદ્ધારની વિચારણા કરતો નથી. દેશના ઉદ્ધારની યોજનાઓ બનાવવામાં સમય વાપરે છે અને કહે છે કે પોતાની સાધના માટે સમય નથી. તે પોતાના સમયને હોટલ, સિનેમા, ટી.વી., છાપાં, પાનાં રમવા આદિમાં વેડફી નાખે છે અને પછી બૂમરાણ મચાવે છે કે સમય ક્યાં છે?
જીવની પાસે સમય તો છે - રોજના ચોવીસ કલાક! અને એ સમયની વહેંચણી પણ તેના જ હાથમાં છે. એ ચોવીસ કલાકમાંથી કેટલા કલાક કયા કાર્યમાં ગાળવા એ તેની મરજીની વાત છે. તેની મરજી તેનાં પોતાનાં વિશિષ્ટ ધોરણો પ્રમાણે સમયની વહેંચણી કરતી જાય છે. કામમાં, આરામમાં, મનોરંજનમાં, ગપ્પાંમાં, નિંદામાં - પોતાની ઇચ્છા પ્રમાણે, રુચિ હોય તે પ્રમાણે જીવ સમય ફાળવે છે અને બાકીના કામ માટે, જેમાં રુચિ નથી તે માટે સમય નથી' એમ કહે છે. સમય નથી' - એમ કહીને પોતે સાધના કરી શકશે નહીં એમ દિલગીરી બતાવે છે. તે દયામણો થઈને કહે છે કે ‘વિધિ તો ખૂબ સરસ છે, કરવા યોગ્ય છે અને મારે કરવી પણ છે, પરંતુ સમય નથી. બીજાં કેટલાં કામ પડ્યાં છે, તે પતાવવાં પડે એમ છે.' આનો અર્થ એ જ થાય છે કે તેને સાધના મહત્ત્વપૂર્ણ લાગી જ નથી. તેને સાધના કરવા કરતાં ધન આદિ એકઠાં કરવાં વધુ મહત્ત્વપૂર્ણ લાગે છે. તેને લાગે છે કે રૂપિયા વિના કઈ રીતે ચાલે? પહેલાં રૂપિયા પછી સાધના. સાધક તો એનું નામ કે જેને ધન કરતાં ધર્મ વધારે મહત્ત્વપૂર્ણ લાગે, પત્ની-પુત્ર કરતાં પરમાત્મા વધારે મહિમાવંત લાગે, પદ-પ્રતિષ્ઠા કરતાં પરમાત્માનો અનુગ્રહ વધારે મૂલ્યવંત લાગે.
જીવને સાધનાની જરૂરિયાત જ લાગી નથી. તે સાધનાને ટાળે છે, કારણ કે તેને લાગે છે કે સાધના જીવિત રહેવા માટે જરૂરી નથી. રોટલા વિના મરી જવાય, ધન વિના ન જિવાય; પાયાની જરૂરિયાતો માટે એ જરૂરી છે. સાધના સ્થગિત કરી શકાય, કારણ કે જીવિત રહેવા સાથે એનો કોઈ સંબંધ નથી. એના વિના પણ જીવિત રહી શકાય છે, તેથી તે પોતાનો પુરુષાર્થ સ્વ પાછળ લગાડવાને બદલે પર પાછળ લગાડે છે. સાધકને તો સાધનામય જીવન જ યથાર્થ જીવન લાગે છે, તેથી તેનું વીર્ય સંસારનાં કાર્યોને બદલે સાધનામાં જ ઉલ્લસે છે.
આવાં અનેક મિથ્યા બહાનાંઓ આપી પુરુષાર્થહીન થઈ જીવ આત્માર્થ ચૂકે છે. તે ભવસ્થિતિ, ક્રમબદ્ધ પર્યાય, કાળ, કર્મ, પરિસ્થિતિ, વ્યક્તિ, માર્ગની કઠિનતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org