________________
७४
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બહાર લાવવાનું નિમિત્તમાત્ર છે.
જીવ જે સ્થિતિમાં છે, તેનો જવાબદાર તે પોતે જ છે. દોષ કરવા માટે બીજું કોઈ તેને ફરજ પાડી શકતું નથી. કોઈ તેના ઉપર બળજબરી કરી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. તે પોતે જ દોષને માટે જવાબદાર છે અને જ્યાં સુધી તે આ જવાબદારી પોતા ઉપર નથી લેતો, ત્યાં સુધી તે બદલાઈ શકતો નથી. માટે સ્વીકારવું કે ‘દોષ મારા જ કારણે થાય છે, મારા દોષનું નિર્માણ હું જ સ્વતંત્રતાપૂર્વક કરું છું.' જો આ વાત દૃઢપણે ચેતનાના ઊંડાણમાં ઊતરી જાય તો જીવ દોષક્ષયના માર્ગે આગળ વધી શકે છે. (૭) માર્ગની કઠિનતાનું બહાનું
વળી, કેટલાક જીવો પુરુષાર્થ ન કરવા માટે મોક્ષમાર્ગની કઠિનતાનું બહાનું આપે છે. તેઓ કહે છે કે “આટલી કઠણ વાત મારાથી સંભવિત નથી, માટે હું પુરુષાર્થ નહીં કરી શકું.' તે પુરુષાર્થને કઠિન બતાવી પુરુષાર્થ કરતો નથી. આ તેની ચાલાકી છે. પુરુષાર્થ કઠણ છે એમ બતાવવું એ તેની પુરુષાર્થથી બચવાની ચાલ છે. પુરુષાર્થ કરવો ન પડે તે માટે એ આવું બહાનું કાઢે છે.
સતુ સરળ છે, સર્વત્ર છે, સુગમ છે; અને છતાં જીવ તેને કઠિન કહે છે. તે સરળ ચીજને પણ જટિલ બનાવી દે છે. મોક્ષમાર્ગ અત્યંત સરળ છે, પરંતુ તેનું ચિત્ત સરળ નથી, માટે તે તેને કઠિન બનાવી દે છે. વક્ર બુદ્ધિના કારણે સરળ મોક્ષમાર્ગને પણ જીવ દુષ્કર બનાવી દે છે. ધર્મ સરળ છે, સહજ છે અને છતાં મનનાં જાતજાતનાં નખરાંઓ વડે તે તેને દુઃસાધ્ય બનાવી મૂકે છે. તેને પોતાના સ્વરૂપનો મહિમા નથી, પરિભ્રમણનો ભય નથી, તેથી પોતાના સ્વરૂપ તરફ ઢળવાના પ્રયત્નને કઠિન માને છે. તેને શુભાશુભ ભાવોનો ઉત્સાહ આવે છે, પણ સ્વભાવનો અનુભવ કરવો કઠિન માનતો હોવાથી તેમાં તેને ઉત્સાહ આવતો નથી. તે પરની વાત, પરમાં ફેરફાર કરવાની ચેષ્ટા હોંશથી કરે છે, પણ સ્વભાવની વાતમાં - સ્વાભાવિક પરિણમનના પુરુષાર્થમાં તેને હોંશ આવતી નથી.
કેવી વિચિત્રતા છે કે સ્વાધીન કાર્યને જીવ અઘરું માને છે અને સર્વથા પરાધીન એવા પરમાં ફેરફાર કરવાના અશક્ય કાર્યને જીવ સહેલું માને છે. પરપદાર્થોના પરિણમનમાં હસ્તક્ષેપ જે સર્વથા અસંભવ છે, તેને જીવ સરળ માને છે અને સહજ સ્વાધીન નિજાત્મસ્વરૂપને પોતાનું માનવું-જાણવું તેને તે કઠિન માને છે. પરપદાર્થોનું પરિણમન પોતાના હાથમાં છે જ નહીં અને છતાં તેના કર્તુત્વને તે સરળ માની લે છે અને સહજ સરળ એવા પોતાના આત્માના અનુભવને મહાકઠિન માની લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org