________________
ગાથા-૧૨૧
૬૭૫
પર્યાયમાં વિકા૨પણે પરિણમે છે, તેથી તે આત્માનો જ ધર્મ છે. જો કે વિકારનું કર્તાપણું એ કાંઈ આત્માનો ત્રિકાળી સ્વભાવરૂપ ધર્મ નથી, પણ એક ક્ષણ પૂરતી પર્યાયનો ધર્મ છે. તે પર્યાય આત્માની છે, તેથી તેને આત્માનો ધર્મ કહેવામાં આવે છે. સ્વરૂપમાં સ્થિર નહીં રહેવાથી તથા કર્મના ઉદયમાં જોડાવાના કારણે જીવ વિકારરૂપે પરિણમે છે. વિકાર કરનાર જીવ પોતે જ છે, પરંતુ તેના ત્રિકાળી સ્વભાવમાં વિકારનું કર્તાપણું નથી. આ અકર્તા જ્ઞાયકસ્વભાવને મુખ્ય કરીને વિકારી ભાવો જ્ઞાનથી કરાયેલા નથી, પણ કર્મથી કરાયેલા છે' એમ કહેવામાં આવે છે. જ્ઞાનથી વિકારી ભાવો ભિન્ન છે, તેથી તેને કર્મથી કરાયેલા કહ્યા છે. વિકારી ભાવોને કર્મકૃત કહીને જ્ઞાનસ્વભાવ વિકારથી ભિન્ન છે એમ બતાવ્યું છે.
કર્મના ઉદયમાં જોડાવાથી વિકાર ઉત્પન્ન થાય છે, માટે સ્વપરભેદજ્ઞાન કરતી વખતે વિકારને કર્મના ખાતે જમા કરી તેને કર્મકૃત ભાવ કહેવામાં આવે છે. ચૈતન્યનો ધર્મ હોવા છતાં તેને કર્મકૃત કહ્યા છે, કારણ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ લેવાનો હોવાથી, વિકાર કર્મકૃત છે એમ કહી, તેના ઉપર જીવે સ્થાપેલું સ્વામિત્વ છોડાવવાનું પ્રયોજન છે. વિકારી ભાવ ત્રિકાળી દ્રવ્યસ્વભાવને અવલંબીને નહીં પણ કર્મને અવલંબીને ઉત્પન્ન થાય છે એનું ભાન કરાવવા તેને કર્મકૃત કહ્યા છે. સ્વસન્મુખતાનો અભાવ તથા કર્મ પ્રત્યેનો ઝુકાવ બતાવવા વિકારને કર્મકૃત કહ્યા છે. આમ, રાગાદિ વિકારી ભાવ આત્માની પર્યાયમાં થતા હોવા છતાં તેને આત્માના ભાવ ન કહેતાં કર્મકૃત ભાવ કહ્યા છે. વિકાર આત્મા જ કરે છે, તે આત્માની જ અવસ્થા છે અને તેનાં માઠાં ફળ પણ આત્માએ જ ભોગવવાં પડે છે; છતાં તે કર્મકૃત ભાવની સંજ્ઞા પામે છે.
અજ્ઞાનદશામાં જીવ પોતાના અકર્તાસ્વભાવને ભૂલીને, પર્યાયની ઊંધાઈથી વિકારના કર્તાપણે પરિણમે છે. પરદ્રવ્યનું કર્તાપણું તો કોઈ પણ જીવને નથી, કારણ કે પરદ્રવ્યથી તો આત્મા અત્યંત ભિન્ન છે, પણ અજ્ઞાનીને વિકારનું કર્તાપણું છે. વિકારથી જુદો પોતાનો જ્ઞાયકસ્વભાવ, જે અનંત શક્તિઓથી ભરેલો છે, તેને તે જણાતો નથી; તેથી વિકારનો કર્તા થઈ તે સંસારમાં રખડે છે. વિકારનો કર્તૃત્વરૂપ પ્રવૃત્તિપ્રવાહ અનાદિ હોવા છતાં તે આત્માના સ્વભાવથી ઉત્પન્ન થયેલો નથી, તેથી તેની નિવૃત્તિ થઈ શકે છે. જડ-ચેતનનું અને સ્વભાવ-વિભાવનું ભેદજ્ઞાન કરવાથી અભેદ, અખંડ જ્ઞાન ઉત્પન્ન થવાથી વિકારના કર્તૃત્વરૂપ પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે અને તેથી પૌલિક કર્મનો, એટલે કે નવાં દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. ૧
૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૪૭
Jain Education International
'परपरिणतिमुज्झत् खंडयद् भेदवादानिदमुदितमखंडं ज्ञानमुच्चंडमुच्चैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मबंधः ।।'
For Private & Personal Use Only
www.jainelibrary.org