________________
પ૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રાગમાં એવી તાકાત નથી કે સર્વદર્શિતા-સર્વજ્ઞતા આપે. તે આપવાની તાકાત માત્ર ત્રિકાળી દ્રવ્યમાં જ છે, માટે દ્રવ્યનો આશ્રય કરીને પરિણમવું તે જ સર્વદર્શી-સર્વજ્ઞ થવાનો ઉપાય છે.
પોતાને સર્વદર્શીપણું-સર્વજ્ઞપણું પ્રગટ્યા પહેલાં “મારો આત્મા ત્રણે કાળે સર્વદર્શિતાપણે-સર્વજ્ઞતાપણે પરિણમવાની તાકાતવાળો છે' એમ જેણે સ્વસમ્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પદર્શિતા કે અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું સ્વરૂપ નથી માનતો. અલ્પદર્શ-અલ્પજ્ઞ પર્યાય વખતે પણ સર્વદર્શીત્વ-સર્વજ્ઞત્વશક્તિ હોવાનો જેણે નિર્ણય ર્યો તેની રુચિનું બળ અલ્પદર્શી-અલ્પજ્ઞ પર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવસન્મુખ થઈ જાય છે. ત્રિકાળી સ્વભાવના આશ્રયે સર્વદર્શિતા-સર્વજ્ઞતાની પ્રતીતિ થાય છે. પ્રતીતિ કરનાર તો પર્યાય છે, પણ તેણે દ્રવ્યનો આશ્રય લીધો છે. દ્રવ્યના આશ્રયે સર્વદર્શિતા-સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને સર્વદર્શિતા-સર્વજ્ઞતારૂપે પરિણમન થયા વગર રહે જ નહીં.
શુદ્ધાત્મામાં જ્યારે જોવા-જાણવાની અનંત શક્તિ પ્રગટ થાય છે ત્યારે કોઈની સહાય વિના તે ત્રિલોક અને ત્રિકાળના સમસ્ત પદાર્થો અને તેની અનંત પર્યાયો એકસાથે જુએ-જાણે છે, પરંતુ વર્તમાનની તેની અશુદ્ધ અવસ્થામાં તેની શક્તિ એટલી બધી ઘટી ગઈ છે કે નેત્રાદિ ઇન્દ્રિયોની મદદથી તથા પ્રકાશાદિ બહારનાં સાધનોની સહાયતાથી તે માત્ર અમુક જ દષ્ટ પદાર્થોને જોઈ-જાણી શકે છે. જીવનું દર્શન-જ્ઞાન ઇન્દ્રિયોને આધીન છે. આ દોષ - અપરાધ જીવનો પોતાનો જ છે, કારણ કે તેણે પોતાની શક્તિનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કર્યો નથી. ખોટી જગ્યાએ તે શક્તિને વાપરવી તે દર્શન-જ્ઞાનનો દુરુપયોગ છે, જેના ફળરૂપે કર્મ-આસવમાં વધારો થાય છે અને દર્શન-જ્ઞાનમાં ઊણપ આવે છે. જીવે પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો હોવાથી તેની જોવા-જાણવાની શક્તિમાં ઊણપ આવી છે. તેણે તે શક્તિને સ્વસ્વભાવમાં - સ્વમાં ન લગાવતાં કર્મમાં અને કર્મફળમાં - રાગાદિ ભાવ તથા શરીરાદિ પદાર્થોમાં લગાવી છે. જો આત્મસ્વરૂપને જોવા-જાણવા અર્થે એ શક્તિનો સદુપયોગ થાય તો તે વધતી વધતી ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે. તે પોતાની જોવા-જાણવાની શક્તિને પોતાના જ્ઞાતાસ્વભાવમાં લગાવે તો તે જ શક્તિ વધતાં વધતાં ચરમોત્કર્ષ ઉપર પહોંચીને કેવળદર્શન-કેવળજ્ઞાન બને છે. પરંતુ ખેદની વાત છે કે જીવ પોતાની બધી શક્તિ વિષયો અને કષાયોમાં લગાવી રહ્યો છે અને પરિણામે તેની જ્ઞાતા-દ્રષ્ટારૂપ અનુપમ શકિત દ્રાસ પામી રહી છે. આ દુરુપયોગ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ તે ઘટતી ઘટતી તેના છેલ્લા અંશ સુધી પહોંચી જાય છે અને તે અક્ષરના અનંતમા ભાગપ્રમાણ જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org