________________
ગાથા-૧૧૬
૧૯૫
સ્વને જોવું-જાણવું તે જ આત્માની દર્શન-જ્ઞાનશક્તિનો સદુપયોગ છે, પરંતુ સ્વના લક્ષ વિના પરપદાર્થને જોવા-જાણવામાં તે શક્તિનો વ્યય થાય છે. સ્વપ્રકાશકપણા વિના પરપ્રકાશકપણાની કોઈ કિંમત નથી. પુત્ર જો પાડોશીને ત્યાં જ સવાર-સાંજ જમે તો અંતે એ પાડોશીનો જ થઈ જશે. સ્વગૃહ કરતાં પાડોશીના ઘરની બાબત જ એને વધુ સ્પર્શવા માંડશે. તેમ દર્શન-જ્ઞાન જો હંમેશાં પરને જ જોતાં-જાણતાં રહેશે તો સ્વને જોવા-જાણવાની જીવને ક્યારે પણ ઇચ્છા જ નહીં થાય. તેથી પરનો અપરિચય કેળવી, અંતર્મુખ થઈ, સ્વાધીન અતીન્દ્રિય સ્વભાવ તરફનું પ્રયાણ શરૂ કરી દેવું જોઈએ. શક્તિના વપરાશ માટેની સાચી અને ખરી જગ્યા જીવનો પોતાનો સ્વભાવ જ છે. કદાચ અનભ્યાસના કારણે જીવ તેમાં શક્તિ ન લગાવી શકે તો જે સાધનો વડે પોતાના સ્વભાવની પુષ્ટિ થતી હોય તેમાં તેને લગાવવી જોઈએ. દર્શન-જ્ઞાનશક્તિને સ્વભાવલક્ષી બનાવતાં તેનો વિકાસ થાય છે અને વિકારોનો ભારે હ્રાસ થાય છે. આ બન્ને ક્રિયા એકસાથે થાય છે. જ્યારે વિકારોનો સંપૂર્ણ અભાવ થાય છે ત્યારે વિકાસ પામતી દર્શન-જ્ઞાનશક્તિ પૂર્ણતા તરફ ધસે છે અને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.
પોતાના અખંડ, અવિનશ્વર, શુદ્ધ સ્વભાવનું અવલંબન જ અનંત દર્શન-જ્ઞાનશક્તિના અનાદિકાલીન મોક્ષબાધક પ્રવર્તનને અટકાવી દઈ તેને મોક્ષસાધક પ્રવર્તનમાં ગતિમાન કરવાનો ઉપાય છે. જીવ પોતાનું સ્વરૂપ સમજીને પોતાના અવિનશ્વર, શુદ્ધ પારિણામિક ભાવનો આશ્રય કરે ત્યારે શુદ્ધ પર્યાય પ્રગટે છે. જ્યારે જીવ ત્રિકાળી, ધ્રુવરૂપ, અખંડ, એક, શુદ્ઘ પારિણામિક ભાવ તરફ પોતાનું વલણ-લક્ષ સ્થિર કરે ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે છે. વર્તમાન પર્યાયને આત્મસ્વભાવની સન્મુખ વાળતાં, પરમ પારિણામિક ભાવને લક્ષમાં લેતાં અને તેમાં એકાગ્રતા કરતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય
છે અને મોક્ષમાર્ગ ખૂલી જાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે ચોથા ગુણસ્થાનકથી આરંભીને બારમા ગુણસ્થાનક સુધી જીવની શક્તિ સાધકભાવે પ્રવૃત્તિ કરે છે. સાધકભાવને પ્રાપ્ત થયેલ જીવની શક્તિ કર્મશત્રુને વિદારણ કરવામાં સંપૂર્ણ સમર્થ હોય છે. ક્રમશઃ તે શક્તિઓની પૂર્ણતા થતાં જીવ શુદ્ધ પારિણામિક ભાવે પરિણમે છે. મોક્ષમાર્ગમાં ચાલતાં, અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્રની સમ્યક્ પ્રકારે ઉત્કૃષ્ટ આરાધના કરતાં અનંત દર્શનશક્તિ તથા અનંત જ્ઞાનશક્તિ સહિત આત્માની અનંત શક્તિઓ શુદ્ધ સ્વરૂપે પર્યાયમાં વ્યક્ત થાય છે. અનંત દર્શનશક્તિ અને અનંત જ્ઞાનશક્તિ પર્યાયમાં પ્રગટ થતાં જ જીવ સર્વદર્શી-સર્વજ્ઞ થાય છે. આત્માની આ બે શક્તિ સંપૂર્ણપણે ખીલી ઊઠતાં જીવ સમસ્ત લોકાલોકને જુએ-જાણે છે અને ત્યારે તે પર સાથે તન્મય થઈને ૫૨ને નથી જાણતો, પણ સ્વમાં તન્મય રહીને પરને જાણે છે. આત્માની શક્તિઓનું આવું અચિંત્ય સામર્થ્ય છે. જે આવી શક્તિઓનું જ્ઞાન કરે છે, શક્તિના ધારક આત્માને દૃષ્ટિમાં લે છે, તેની ભાવના ભાવે છે, તેનું મોક્ષરૂપી નિર્મળ કાર્ય અવશ્ય પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org