________________
૨૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
7 જીવ શુદ્ધસ્વરૂપી હોવા છતાં અજ્ઞાન અવસ્થામાં તેને શુભાશુભરૂપ અશુદ્ધ વિશેષાર્થ
* ભાવ થાય છે. આ શુભાશુભ ભાવ કર્મબંધનાં કારણ છે અને સંસારને વધારનારા છે. અનંત કાળથી આ જીવે શુભાશુભ પરિણામ કર્યા છે અને તેથી તેને તે તે પ્રકારના બંધ થયા કરે છે. ભિન્ન ભિન્ન અધ્યવસાય વડે ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મ બંધાય છે. જીવ શુભ ભાવ કરે તો શુભ કર્મ ઊપજે છે અને અશુભ ભાવ કરે તો અશુભ કર્મ ઊપજે છે. શુભાશુભ ભાવથી શુભાશુભ કર્મ ઊપજે છે. વળી, તે કર્મોના નિમિત્તે જીવને શુભાશુભ ભાવ થાય છે. તે ભાવથી વળી પાછાં કર્મ ઊપજે છે. આમ, પરસ્પર કારણ-કાર્યભાવ વડે પરંપરા ચાલ્યા કરે છે.
જીવ જેવું કર્મ કરે તેવું ફળ તેને મળે છે. કર્મ તેને તથા પ્રકારનાં ફળ આપવા સમર્થ છે. જીવને પોતાનાં બાંધેલાં કર્મોનું ફળ મળ્યા વગર રહેતું નથી. આ જીવનમાં નહીં તો પછીના જીવનમાં પણ તેને તે કર્મનું ફળ અવશ્ય મળે છે. શુભ કર્મનું ફળ પુણ્યરૂપમાં અને અશુભ કર્મનું ફળ પાપરૂપમાં મળે છે. સારા કર્મનું સારું ફળ અને નઠારા કર્મનું નઠારું ફળ પ્રાપ્ત થાય છે. જીવ શુભ કર્મ કરીને તેનું ફળ દેવાદિ ગતિમાં અને અશુભ કર્મ કરીને તેનું ફળ નરકાદિ ગતિમાં ભોગવે છે.
દયા, દાન, શીલ, વ્રત, તપ આદિ શુભ પરિણામ દ્વારા શુભ કાર્યો કરવાથી, કરાવવાથી તેમજ અનુમોદવાથી જીવને પુણ્યબંધ થાય છે, તેથી દેવ-મનુષ્યરૂપ શુભ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે છે અને સુખ માણે છે. હિંસા, ચોરી, કપટ આદિ અશુભ પરિણામ દ્વારા અશુભ કાર્યો કરવાથી, કરાવવાથી તેમજ અનુમોદવાથી જીવને પાપબંધ થાય છે, તેથી નરક-તિર્યંચરૂપ અશુભ ગતિમાં તેનું અશુભ ફળ ભોગવે છે અને દુઃખથી રિબાય છે. શુભ આયુ, શાતા વેદનીય, શુભ નામ, ઉચ્ચ ગોત્ર એ ચાર અઘાતી કર્મની પુણ્ય પ્રકૃતિઓ છે; તેના ઉદયથી દેવાદિ ગતિ મળે છે અને તેમાં શુભ પ્રકૃતિઓના નિમિત્તે સુખનો અનુભવ થાય છે. અશુભ આયુ, અશાતા વેદનીય, અશુભ નામ, નીચ ગોત્ર એ ચાર અઘાતી કર્મની પાપ પ્રકૃતિઓ છે; તેના ઉદયથી નરકાદિ ગતિ મળે છે અને તેમાં અશુભ પ્રવૃતિઓના નિમિત્તે દુઃખનો અનુભવ થાય છે. ઘાતી કર્મની તમામ પ્રકૃતિઓ કેવળ પાપરૂપ જ છે.
અનંત કાળ વીતી ગયો તોપણ શુભાશુભ ભાવ કરવારૂપ દોષ જીવમાં વિદ્યમાન હોવાથી, શુભાશુભ કાર્યો કરી, શુભાશુભ ગતિમાં પરિભ્રમણ કરતો આ જીવ શુભાશુભ ફળ ભોગવતો ભોગવતો જન્મ-મરણનાં અનંત દુ:ખ અનુભવી રહ્યો છે. તે શુભ કર્મો કરે તો તેનાં ફળ દેવાદિ શુભ ગતિમાં ભોગવે છે અને અશુભ કર્મો કરે તો તેનાં ફળ નરકાદિ અશુભ ગતિમાં ભોગવે છે. શુભ કે અશુભ કર્મ કરવાથી તે અનુસાર દેવમનુષ્યરૂપ શુભ ગતિ કે નરક-તિર્યંચરૂપ અશુભ ગતિમાં તે ભટકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org