________________
૪૯૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ પોતાનો માને છે. પરમાં રહેલી મમત્વબુદ્ધિની ભ્રાંતિ તેમને ટળી ગઈ છે. વળી, તેમને હવે પરમાં કર્તા બુદ્ધિ કે આધારબુદ્ધિ થતી નથી. તેમને પરપદાર્થો જેવા છે તે રૂપે યથાર્થપણે જણાય છે. પરદ્રવ્યોને ઇષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી. પરને જાણતા છતાં તેનાથી વિરક્ત રહે છે. તેઓ તેનાથી પ્રભાવિત થતા નથી. પરવસ્તુઓ આવે છે, ચાલી જાય છે, તેને તેઓ જાણે છે, પણ તેમાં મય થતા નથી.
જે કંઈ પણ બને છે તેના જ્ઞાની તો દ્રષ્ટા રહે છે. તેમને હંમેશાં શાંત સ્વીકારનો ભાવ રહે છે. કોઈ ફરિયાદ નહીં કે ફેરફાર કરવાની વૃત્તિ નહીં. તેમના એક શ્વાસમાં પણ ફરિયાદનો સૂર હોતો નથી. તેમના એક રોમમાં પણ ફેરફાર કરવાની વૃત્તિ જાગતી નથી. પૂર્ણ સ્વીકૃતિનો ભાવ હોય છે. ભૂત-ભવિષ્યની સ્મૃતિ કે કલ્પના નહીં, હર્ષ પણ નહીં અને શોક પણ નહીં. બહારનું માત્ર જોવાનું અને અંદરમાં આનંદિત રહેવાનું, સામે માન આવે કે અપમાન, શત્રુ આવે કે મિત્ર - બધા કંકોથી પર થઈને જ્ઞાયકભાવે જોવાનું-જાણવાનું. કોઈ માણસ તેમના ઉપર ફૂલ ફેંકી જાય કે કોઈ તેમના ઉપર પથ્થર ફેંકી જાય, બન્ને વાતો તેમને એકસરખી રીતે જ સ્વીકૃત બનતી હોય છે, કોઈ જ ભેદ નથી રહેતો.
જે કંઈ પણ બને, જ્ઞાની તો પોતામાં મસ્ત રહે છે - આનંદમાં જ રહે છે. પરથી લાભ-નુકસાન થશે એવી ઊંધી માન્યતા ન હોવાથી કોઈ પરિસ્થિતિ તેમને દુ:ખ આપી શકતી નથી. તેમને કોઈ પરિસ્થિતિ દુઃખરૂપ લાગતી જ નથી. કોઈ માણસના ઘરમાં ગમે તેટલું અંધારું હોય, પણ જો ત્યાં દીવો લઈને જવામાં આવે તો અંધારું ટકી શકતું નથી. તે માણસ અંધારું બતાવવા ઇચ્છે તોપણ બતાવી શકતો નથી. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધારું નથી અને જ્યાં અંધારું છે ત્યાં પ્રકાશ નથી. તેમ જ્ઞાની પાસે સમ્યજ્ઞાનરૂપી પ્રકાશ હોવાથી ત્યાં અજ્ઞાનરૂપી અંધકાર ટકી શકતો નથી, તેથી જે પરિસ્થિતિ સંસારી જનને દુઃખરૂપ, સમસ્યારૂપ, સંકટરૂપ ભાસે છે, તે પરિસ્થિતિને તેઓ સમ્યક દૃષ્ટિથી નિહાળતા હોવાથી તેમને તે દુ:ખરૂપ નથી લાગતી. તેમને કશે પણ દુઃખ અનુભવાતું નથી. જગતમાં જે કંઈ પણ બની રહ્યું હોય, એનાથી અન્ય કંઈ પણ થાય એવી કોઈ આકાંક્ષા તેમના મનમાં નથી હોતી. આવી પરિપૂર્ણ સ્વીકૃતિ તો માત્ર પૂર્ણ સજાગતામાં જ થઈ શકે છે. આવી સ્વીકૃતિનો ભાવ તેમના અંતરમાં પ્રગટ્યો હોવાથી તેમના જીવનમાં આનંદનું નૃત્ય શરૂ થઈ જાય છે. તૃપ્તિ અને આનંદમાં નિરંતર તેમનો વાસ હોય છે.
જ્ઞાનીનો ઉપયોગ પરને જાણવામાં રોકાયો હોય તોપણ કાંઈ તેમની શ્રદ્ધા કે જ્ઞાન મિથ્યા થઈ જતાં નથી. હજી પૂર્ણ વીતરાગ થયા નથી ત્યાં સુધી પોતાના પુરુષાર્થની નબળાઈના કારણે તેઓ અંતરમાં વિશેષ ટકી શકતા નથી, તેથી તેમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org