________________
ગાથા-૧૧૧
૪૯૩
ઉપયોગ બહાર આવે છે અને શુભાશુભ પરિણામ પણ થાય છે; પરંતુ તેમનાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન દૂષિત થતાં નથી. જ્ઞાનીને કોઈ કોઈ વાર શુદ્ધોપયોગ હોય છે અને ભૂમિકાનુસાર વિષય-કષાયાદિ અશુભ પરિણામ તેમજ ભક્તિ, સ્વાધ્યાય, તીર્થયાત્રા આદિ શુભ પરિણામ હોય છે, પણ શુભાશુભ પરિણામ વખતે પણ તેમના અંતરમાં એક શુદ્ધાત્મા જ વસ્યો હોય છે. સમ્યગ્દષ્ટિ મહાત્માએ ધ્રુવ જ્ઞાયકભાવ ઉપર પોતાની દૃષ્ટિનો દોર લગાવી દીધો હોવાથી વિકલ્પ ઊઠે ત્યારે પણ તેમની દૃષ્ટિ તો તેમના ધ્રુવ સ્વભાવ ઉપર જ હોય છે. તે ત્યાંથી ખસતી જ નથી. જેમ કોઈ પતંગ ઉડાડે ત્યારે તેનો દોર પોતાના હાથમાં રાખે છે, તેમ શુભાશુભ વિકલ્પો વખતે પણ પોતાની દૃષ્ટિનો દોર તેમણે ધ્રુવ જ્ઞાયકમાં બાંધી દીધો હોય છે, તેથી શુભ-અશુભ પરિણામ વર્તતાં હોય છે ત્યારે પણ તેમનો ઝુકાવ ઉદય તરફ નથી હોતો, સ્વરૂપ પ્રત્યે જ હોય છે.
જ્ઞાનીને રાગભાવ પૂર્ણતઃ મટ્યો નથી, કારણ કે હજી પૂર્ણ સ્વરૂપાચરણ નથી; પરંતુ સમ્યગ્દર્શન પ્રગટ્યું હોવાથી તે રાગભાવ અભિપ્રાયમાંથી તો ટળી જ ગયો છે. રાગભાવ અસ્થિરતારૂપે આવે તો છે, પરંતુ અભિપ્રાયમાં તો રાગ ઝેર છે એમ જ તેઓ માને છે. જેમ કોઈ મનુષ્ય હાથમાં પકડાઈ ગયેલા સર્પને ફેંકી દેવા જેવો જ સમજે છે, તેમ અસંયમના જે રાગાદિ ભાવ સમ્યગ્દષ્ટિને થાય છે, તે ભાવને તેઓ સર્પ જેવા - છોડવા જેવા જ માને છે, તેથી તેને પોષતા નથી. રાગને સ્વરૂપની દૃષ્ટિના આધારે ઝેરી નાગ જેવો માનતા હોવાથી રાગ આવે તોપણ તે રાગથી તેઓ ન્યારા રહે છે. તેમને રાગ થાય છે, છતાં તેનાથી તેઓ જુદા રહે છે, તેના ઉપર તેમનું લક્ષ હોતું નથી. તેમની રુચિમાં રાગનો આદર હોતો નથી.
જ્ઞાની રાગનું એકત્વ કે સ્વામિત્વ કરતા નથી. દ્રવ્યદૃષ્ટિના સામર્થ્યથી રાગથી જુદા રહે છે. તેઓ જ્ઞાન અને રાગની સંધિ કરતા નથી, પરંતુ ભેદજ્ઞાનરૂપી છીણીથી તે બન્નેને છેદીને જુદાં જુદાં અનુભવે છે. જ્ઞાન અને રાગની ભિન્નતાનું ભાન રાગ વખતે પણ ખસતું નથી. જ્ઞાનપરિણામ અને રાગાદિ પરિણામ જુદાં જુદાં જ રહે છે; બન્નેની ધારા જુદી રહે છે. તેમને જ્ઞાનધારા અને રાગધારા સાથે સાથે ચાલે છે. તેઓ રાગની ધારાને પરય તરીકે જાણે છે. તેઓ રાગને પોતાથી ભિન્નપણે જાણે છે. તેઓ પોતાની જ્ઞાનધારામાં જ તન્મય રહે છે. આત્માનુભૂતિયુક્ત જ્ઞાનપરિણતને ધ્રુવ સ્વભાવનું જ્ઞાન થયું હોવાથી જ્ઞાનધારા હંમેશાં પ્રવર્તે છે. તેમની પરિણતિમાં હજુ રાગાદિ હોય છે, પરંતુ રાગથી ભિન્ન એવો જ્ઞાનભાવ પણ તેમને કાયમ વર્તે છે.
આમ, સમ્યગ્દષ્ટિ જીવને પર્યાયમાં કંઈક અશુદ્ધિ હોય છે, પરંતુ સમ્યગ્દષ્ટિનો જ્ઞાનભાવ તે અશુદ્ધિથી જુદો જ રહ્યો હોય છે. જ્ઞાન અને રાગનું એકત્વ હોતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org