________________
૪૯૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આત્મા હું છું'નું એક ક્ષણ માટે પણ તેમને વિસ્મરણ થતું નથી. ભેદજ્ઞાનની અપૂર્વ કળાથી તેઓ પોતાને અને પરને બરાબર જુદા જાણે છે. દેહભાવ છૂટી ગયો હોવાથી તેમને અપૂર્વ આત્મભાવ જાગે છે અને તેથી સર્વ પરથી જુદાપણાની પ્રતીતિ તેમને ચોવીસે કલાક રહે છે.
પોતાના સ્વરૂપનો અનુભવ ઊપજ્યો હોવાથી જ્ઞાની નિઃશંક અને નિર્ભય હોય છે. પોતાની ચૈતન્યલક્ષ્મી આત્મામાં એવી અભેદ છે કે કોઈ તેને લૂંટી શકે નહીં, કોઈ તેનો નાશ કરી શકે નહીં એમ અનુભવતા હોવાથી તેઓ નિઃશંક અને નિર્ભય હોય છે. પોતાની સ્વાધીન શાંતિનો અનુભવ કર્યો હોવાથી તેમને કોઈ ભય નથી. તેમને અનુભવપૂર્વકનો નિર્ણય થયો હોય છે કે ‘મારાં સુખ-શાંતિ-સલામતી તો મારી પાસે જ છે. મારી શાંતિ મારી અંતરગુફામાં સુરક્ષિત છે, પછી તે ચોરાઈ કે લૂંટાઈ જવાનો ભય શા માટે? કોઈ અકસ્માતાદિનો ભય પણ શા માટે? મારી રક્ષા માટે અન્યની શી આવશ્યકતા છે? લૌકિક કોઈ પણ શક્તિ કદાચિત્ કોઈક અપેક્ષાએ આ શરીરને બાધા પહોંચાડી શકે, પરંતુ મારી શાંતિને બાધા પહોંચાડી શકે તેમ નથી. મને બાધા પહોંચાડી શકે તેવું સામર્થ્ય મારા પોતાના સિવાય કોઈમાં નથી. બાહ્ય કષ્ટથી શું ગભરાવું? એ તો બાહ્ય પદાર્થોનું પરિણમન છે, મારામાં કોઈ કષ્ટ છે જ નહીં. અમૂર્ત જ્ઞાનમાત્ર આત્મામાં ક્યાંથી કષ્ટ આવે? તેમાં કોઈ કષ્ટ છે જ નહીં. કષ્ટ તો સ્વથી ચલિત થાઉં તો જ છે. હું કષ્ટોથી રહિત મારા આનંદધામ સ્વરૂપમાં સ્થિત છું.' આવો નિર્ણય તેમને સર્વ સંયોગોમાં નિરાકુળતાનો અનુભવ કરાવે છે.
જ્ઞાનીપુરુષ એટલા જ્ઞાનબલી છે કે અશુભ કર્મોદય વખતે ક્વચિત્ રોગાદિની તીવ્ર વેદના આવવા છતાં કાયર થયા વિના તેને ઘણા ધૈર્યથી અને સમતાપૂર્વક વેદે છે. તેમને રોગાદિ જનિત કષ્ટ કે વેદનાની ચિંતા થતી નથી. દેહને જે આત્મસ્વરૂપ માને છે તેઓ વ્યાધિથી ભયભીત થાય છે, પણ દેહથી નિરાળી અમૂર્ત ચેતનાને જે આત્મારૂપ માને છે. તેઓ કદી વ્યાધિથી ભયભીત થતા નથી. પોતાને દેહથી નિરાળો જોતા હોવાથી દેહની પીડા તેઓ સુગમતાથી વેદી શકે છે. જ્યાં ભેદવિજ્ઞાન પ્રબળ છે અને આત્મસ્વરૂપ તરફ અભિમુખતા છે, ત્યાં પીડા વેદવાનું ઘણું સરળ બને છે. જેમ પારકા છોકરાને કોઈ ધમકાવે, મારે, સતાવે; તો તે જોઈને એટલી બધી વિહ્વળતા નથી થતી, કારણ કે તેના માટે પોતાપણાનો ભાવ નથી હોતો; તેમ દેહમાં રોગાદિ થાય તો જ્ઞાનીને દેહ માટે પોતાપણાનો ભાવ ન હોવાથી તેઓ વિહ્વળ નથી થતા. તેઓ એમ જાણે છે કે ‘જે કંઈ થઈ રહ્યું છે તે મારાથી ભિન્ન એવા દેહને બીજાને થઈ રહ્યું છે.' જેમ છાપામાં કોઈ ત્રાહિતના અકસ્માત કે મરણાદિના સમાચાર વાંચતાં કાંઈ થતું નથી, તેમ જ્ઞાની ભગવંત ઉપર પણ શરીરની રોગી અવસ્થાનો કોઈ પ્રભાવ પડતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org