________________
૪૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દુઃખના દાવાનળથી દાઝવાપણું રહેતું નથી. તેને અનંત ગુણના સ્વાદથી ગર્ભિત એવી અપૂર્વ ચૈતન્યશાંતિ સ્વસંવેદનમાં આવે છે. જેની ગંભીરતા અનંતા સ્વયંભૂરમણ સમુદ્રથી અધિક છે, જેની ગંભીરતા એકમાત્ર અતીન્દ્રિય જ્ઞાનમાં જ સમાઈ શકે છે, એવો અમાપ-અગાધ શાંત ચૈતન્યરસનો સમુદ્ર તે અનુભૂતિમાં ઉલ્લસે છે. આત્મા પોતાના શાંત રસના દરિયામાં એવો ડૂબી જાય છે કે જ્યાં આકુળતાનું નામનિશાન પણ નથી રહેતું. શાંતસ્વરૂપ આત્મામાં એકત્વરૂપે પરિણમન થતાં તે શાંત થઈ જાય છે. આમ, મારે મારો આત્મા પામવો જ છે' એવું જે જ્ઞાને નક્કી કર્યું હતું, તે જ્ઞાન અંતરમાં વળીને સ્વસંવેદનમાં અપૂર્વ આનંદ અને શાંતિની પ્રાપ્તિ કરે છે.
આત્માના નિર્વિકલ્પ સ્વસંવેદન સાથે શ્રદ્ધા ગુણની જે નિર્મળ પર્યાય પ્રગટે છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. સ્વાનુભૂતિ વિના શુદ્ધ સમકિત, અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન હોતું નથી. શુદ્ધ સમકિત થવાથી એકસાથે અનંત ગુણોનું નિર્મળ પરિણમન શરૂ થાય છે. અરિહંત ભગવાન જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખની પૂર્ણતાને અનુભવે છે તે સર્વ ગુણો તેનામાં અંશે પ્રગટે છે. અનુભવમાં આત્મા પોતાના સ્વરૂપના આનંદને અંશે વેદે છે અને તે આનંદના અંશના પ્રાગટ્યની સાથે જ સંપૂર્ણ આનંદ પ્રગટવાનાં બી વવાઈ જાય છે. જ્ઞાન-આનંદરૂપ બીજનો ચંદ્રમા ઊગે છે અને તેની કળા વધતાં વધતાં અનંત આનંદરૂપ પૂર્ણિમા થશે કેવળજ્ઞાન થશે તે નિશ્ચિત થઈ જાય છે.
આ શુદ્ધાત્માનુભૂતિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન એક જ પ્રકારનું હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. જ્યારે સમકિતને આવરણ કરનારી સાત પ્રકૃતિઓનો (મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય ત્રણનો તથા અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ ચારનો) ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય ત્યારે આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે અને તેને નિશ્ચય સમ્યગ્દર્શન થયું કહેવાય છે. સત્તામાં કર્મ ઓછાંવત્તાં હોય તે અપેક્ષાએ સમકિતના ઔપશમિક, ક્ષાયોપમિક અને ક્ષાયિક એ ત્રણ ભેદ પાડવામાં આવે છે, પરંતુ સમ્યગ્દર્શનમાં કોઈ ભેદ હોતો નથી. ક્ષાયિક સમકિતમાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યા પછી પાછું આવરણ આવી શકતું નથી, કારણ કે મિથ્યાત્વ મોહનીયાદિ સાત પ્રકૃતિઓના સંપૂર્ણ ક્ષયથી તે પ્રગટ થયું હોય છે, તેથી તેને અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. તે જ ક્ષાયિક સમકિતને તેમા ગુણસ્થાનકે પરમાવગાઢ કહ્યું છે, કારણ કે ત્યાં બીજા ત્રણ ગુણો (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય) પણ પ્રગટેલા છે. જો ચોથાથી તેરમા ગુણસ્થાન પર્યંતના ક્ષાયિક સમ્યગ્દર્શનમાં કોઈ ભેદ હોતો નથી. આત્માના અનુભવમાં કોઈ ફરક હોતો નથી. શ્રીમદ્ કહે છે
‘ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org