________________
૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પરિમાણ અધિક હોય. પરંતુ આ વાત તો કલ્પનામાત્ર લાગે છે, કારણ કે આ તથ્યનું કોઈ પ્રમાણ નથી.
અમોક્ષવાદીઓ કહે છે કે મોક્ષ માનવામાં બીજા પણ કેટલાક અણઊકલ્યા પ્રશ્નો ઊભા થાય છે. અમોક્ષવાદીની દલીલો રજૂ કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સમ્યકત્વ જસ્થાન ચઉપઈમાં કહે છે –
જિમ અનંત ઈક ઠામિ મિલૈ પહિલો નહિ તો કુણસ્ડ મિલો? પહિલા ભવ કઈ પહિલા મુક્તિ એ તો જોતો ન મિલઈ યુક્તિ.
અહીં જણાવ્યા પ્રમાણે સિદ્ધક્ષેત્રને તો પરિમિત જ માનવામાં આવે છે અને તેમ છતાં અનંત કાળમાં અનંતા સિદ્ધ થયા છે એમ પણ માનવામાં આવે છે; તો એક પરિમિત સ્થાનમાં અનંતા સિદ્ધો કઈ રીતે રહી શકે? કદાચ એમ કહેવામાં આવે કે ‘પછીથી સિદ્ધ થનારા પૂર્વે થઈ ગયેલા સિદ્ધ જીવમાં ભળી જાય છે, તેથી અનંતા સિદ્ધને ત્યાં રહેવામાં કોઈ આપત્તિ નથી' તો તેની સામે પ્રશ્ન એ છે કે એક પણ જીવને પ્રથમ અનાદિસિદ્ધ તો માનવામાં આવતો નથી, તો બીજો સિદ્ધ થતો જીવ કયા સિદ્ધમાં જઈને મળે? વળી, જો પહેલો અનાદિસિદ્ધ કોઈ છે નહીં તો પ્રથમના બધા સાધકો કયા સિદ્ધને નમે? અર્થાત્ ક્યા સિદ્ધને પોતાના આરાધ્ય દેવ તરીકે સ્વીકારી તેમની ભક્તિ વગેરેથી પોતાનો સંસાર ટાળે? વળી, દુનિયામાં પહેલો સંસાર માનો છો કે પહેલી મુક્તિ? જો પહેલો સંસાર માનશો તો પછી થયેલી મુક્તિને સાદિ માનવાની આપત્તિ આવશે; અને જો પ્રથમ મુક્તિ કહેશો તો વદતોવ્યાઘાત થશે, અર્થાત્ બોલતાંની સાથે જ એ વચન હણાઈ જશે - એ વચન જૂઠું સિદ્ધ થઈ જશે, કારણ કે જો પહેલાં સંસાર છે જ નહીં - બંધન જ નથી તો મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? આવા અનેક પ્રશ્નો સંબંધી કોઈ યુક્તિ મળતી ન હોવાથી મૂળથી મોક્ષને જ ન માનવો યોગ્ય ઠરે છે.
યાજ્ઞિકમતવાદીઓ મોક્ષનું ખંડન કરતાં કહે છે કે આત્માનો મોક્ષ થતો જ નથી, કારણ કે જે બંધાતો હોય તેને છૂટવાનું હોય. આત્મા કર્મથી બંધાતો જ નથી તો તેનો મોક્ષ કઈ રીતે હોઈ શકે? યાજ્ઞિકમતવાદીઓ યુક્તિથી બંધ-મોક્ષનો અભાવ સિદ્ધ કરે છે. બંધ-મોક્ષના વિરોધમાં તેમની યુક્તિઓ આ પ્રમાણે છે –
જો આત્મા કર્મથી બંધાતો હોય તો ત્રણ પ્રશ્નો પૂછી શકાય - (૧) શું પ્રથમ જીવ અને પછી કર્મ ઉત્પન્ન થાય છે? (૨) શું પ્રથમ કર્મ અને પછી જીવ ઉત્પન્ન થાય છે? (૩) શું તે બન્ને સાથે જ ઉત્પન્ન થાય છે? ઉક્ત ત્રણે પ્રકારથી બંધ ઘટી શકતો નથી, કારણ કે – ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકુત, ‘સમ્યકત્વ સ્થાન ઉપઇ”, ગાથા ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org