________________
ગાથા-૮૭
૧૫
છે તે ગીત-વિલાસાદિરૂપ જ છે. હવે જો આ બધું મોક્ષમાં ન હોય તો પછી ત્યાં સુખ પણ ક્યાંથી હોય? જ્યાં ગીત-સંગીત નથી, શબ્દાદિ ભાવોના વિલાસો નથી, શૃંગારરસ નથી, હાસ્યરસ નથી, કુતૂહલ પેદા કરે એવી વસ્તુઓ નથી - તેવી મુક્તિમાં કેવું સુખ હોય? માટે ત્યાં નિરુપમ સુખ મળશે” એ વાત તો અશ્રદ્ધેય બની જાય છે, તેથી તે અંગે પ્રાજ્ઞજનો પ્રવૃત્તિ કરે જ શા માટે?
જેઓ આત્માના જ્ઞાનાદિ સઘળા વિશેષ ગુણોના ઉચ્છેદરૂપ એવી મુક્તિને માને છે, ત્યાં “દુઃખનો અભાવ થઈ જાય છે' એવો લાભ બતાવે છે. તેમના મત પ્રમાણે તો કોઈ પણ જીવ જો મોક્ષ માટે પ્રવૃત્તિ કરે તો તે દુ:ખના અભાવની ઇચ્છાથી જ કરે એ વાત તો સ્પષ્ટ છે, કારણ કે તે સંસારમાં પણ દુઃખથી જ કંટાળેલો હોય છે, જ્ઞાનાદિથી નહીં. અધર્મથી પણ જે કંટાળેલો છે, તે પણ ‘અધર્મ દુઃખનું કારણ છે અને દુઃખથી પોતે કંટાળેલો છે'; એટલા માટે જ તેને અધર્મથી દૂર થવું હોય છે, અન્યથા નહીં. આ સંબંધી વિચાર કરતાં જણાય છે કે દુ:ખનો અભાવ કરવો તે તો પુરુષાર્થ જ નથી, કારણ કે જો એને પુરુષાર્થ ગણવામાં આવે તો મૂર્છાવસ્થામાં પણ જે અવેદ્ય દુઃખનો અભાવ છે, તે પણ પુરુષાર્થ બની જવાની આપત્તિ આવે અને તે માટે પણ પ્રાજ્ઞજનોએ પુરુષાર્થ કરવો પડે. પરંતુ જેમ તે માટે કોઈ પ્રાજ્ઞજન પુરુષાર્થ કરતો નથી, તેમ મોક્ષ માટે પણ કોઈ પ્રાજ્ઞજન શા માટે કોઈ પ્રવૃત્તિ કરે? અવેદ્ય એવો દુઃખનો અભાવ પુરુષાર્થ તરીકે માની શકાતો નથી, કારણ કે મૂચ્છ વગેરે અવસ્થા માટે કોઈ ડાહ્યો માણસ મહેનત કરતો હોય એવું કાંઈ દેખાતું નથી અને મોક્ષ માટે જો પ્રવૃત્તિ કરવા જેવું રહેતું ન હોય તો પછી મોક્ષ હોવાનું માનવું કઈ રીતે?
મોક્ષ માનવામાં બીજી એક આપત્તિ પણ આવે છે. જો મોક્ષ પદાર્થ સત્ય હોય તો ત્યાં જનાર કોઈએ પાછા ફરવાનું તો રહેતું જ નથી, એટલે આ સંસારમાંથી જીવો અનંત કાળથી મોક્ષમાં જતા હોવાથી સઘળા જીવો ત્યાં ચાલ્યા જાય અને તેથી આ સંસારનો વિલય જ થઈ જાય. મોક્ષ ભલે કરોડોમાંથી કોઈકનો જ અને તે પણ લાંબે ગાળે થતો હોય તોપણ અનંત કાળમાં અનંત જીવો મુક્ત થયા જ હોવા જોઈએ. આમ થવાથી સંસારમાંથી જીવસૃષ્ટિ ઓછી થતાં સંસાર સમાપ્ત થઈ જાય. એક પછી એક જીવ મુક્ત થતા હોય તો ધીરે ધીરે સંસારમાંથી જીવોની સંખ્યા ઓછી થઈ જાય અને અંતે છેલ્લો જીવ મુક્ત થઈ જાય પછી સંસારનું અસ્તિત્વ જ રહે નહીં. એક એક યુગે એક એક જીવ મોક્ષમાં જતો હોય તોપણ અનંત યુગ વીતી ગયા હોવાથી સંસાર ખાલી થઈ જવાની આપત્તિ આવે. પરંતુ સંસાર હજુ પણ પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી એમ જણાય છે કે સંસાર ક્યારે પણ ખાલી થવાનો નથી. જીવ મોક્ષે જતા હોવા છતાં સંસાર ખાલી ન થાય એવું ત્યારે જ ઘટી શકે કે જ્યારે કાળના અનંત પરિમાણ કરતાં જીવનું અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org