________________
૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
મુક્ત અવસ્થા છે. પારમાર્થિક દૃષ્ટિએ શ્રી શંકરાચાર્ય બંધન કે મુક્તિના અસ્તિત્વનો ઇન્કાર કરે છે, પણ વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં બંધન અને મોક્ષનો તેઓ ઇન્કાર કરતા નથી. તેમના મત અનુસાર મુક્તિ એ ઉત્પન્ન કરવાનો પદાર્થ કે ગુણ નથી કે જે કર્મ કે ઉપાસના દ્વારા સંપાદન કરી શકાય. શ્રી શંકરાચાર્ય મુક્તિને પરમકલ્યાણમય માને છે, પરંતુ મરણ પછી જ મુક્ત થવાની વાત તેમને માન્ય નથી. તેમના મત મુજબ મુક્તિના બે પ્રકાર છે (૧) જીવન્મુક્તિ અને (૨) વિદેહમુક્તિ. અજ્ઞાનથી જીવને બંધન થાય છે અને જ્ઞાન વડે તેનાં બંધન છૂટે છે. આ જ્ઞાનમયી દૃષ્ટિ તે જ જીવન્મુક્તિ છે. આ જગતમાં અજ્ઞાનના કારણે થતાં કર્મથી તેમજ તેનાં બંધનમાંથી મુક્ત થયેલ મનુષ્ય ફરી શરીર ધારણ કરતો નથી ત્યારે તે વિદેહમુક્ત બને છે. જીવન્મુક્ત પુરુષ જ્યારે ભૌતિક ઉપાધિઓથી વિમુક્ત થાય છે, જ્યારે તેના પ્રારબ્ધકર્મનો ક્ષય થાય છે ત્યારે તે ફરી જન્મ ધારણ કરતો નથી, પણ બ્રહ્મરૂપે રહે છે. આ છે વિદેહમુક્તિ. આ બ્રાહ્મીભાવ પ્રાપ્ત કરનારનું આ માયામય સંસારમાં પુનરાગમન થતું નથી. મુક્ત થયેલો જીવ નિર્ગુણ બ્રહ્મરૂપમાં લીન થઈ જાય છે અને જગતના સારઅસારથી પર એવી પરમ શાંતિ અનુભવે છે.
-
મોક્ષના સ્વરૂપ અંગે ભારતીય દર્શનોની આ પ્રકારની માન્યતાઓ છે. ભારતીય દર્શનોમાં ફક્ત ચાર્વાક દર્શન જ એવું છે કે જેણે આત્માનો સ્વીકાર કર્યો ન હોવાથી, આત્માના બંધ-મોક્ષનો સ્વીકાર કર્યો નથી. બાકી બધાં દર્શનોએ બંધ-મોક્ષનો પણ સ્વીકાર કરેલો છે. મોક્ષના સ્વરૂપ વિષે તેમની વચ્ચે મતભેદ છે, પણ તે સર્વ એક વાતનો તો સ્વીકાર કરે છે કે જીવને બંધન છે, કારણ કે બંધનનાં કારણો છે અને જીવ બંધનથી મુક્ત થઈ શકે છે. આ વિચાર ભારતીય દર્શનોનો મૂળ પ્રાણ છે.
અમોક્ષવાદીઓ મોક્ષનો અસ્વીકાર કરે છે અને પોતાના મતના સમર્થનમાં અનેક દલીલો રજૂ કરે છે. તેઓ કહે છે કે મોક્ષ નથી તેનું કારણ એ છે કે મોક્ષ માનનારાં દર્શનોમાં કેટલાંક દર્શનો એને નિરુપમ સુખનું સ્થાન માનીને ઉપાદેય માને છે, તો કેટલાંક દર્શનો દુઃખના અભાવનું સ્થાન માનીને એને ઉપાદેય માને છે; પણ વિચાર કરતાં તો જણાય છે કે આ બન્નેમાંથી એક પણ સ્વરૂપવાળો મોક્ષ માનવામાં મુમુક્ષુની પ્રવૃત્તિ સંભવી શકતી નથી. તે આ રીતે
મોક્ષને નિરુપમ સુખનું સ્થાન માનનારાઓ પણ મોક્ષમાં ઇન્દ્રિયાદિના હોવાપણાને માનતા જ નથી; તો પછી જ્યાં ઇન્દ્રિયવિલાસો નથી ત્યાં સુખ મળશે એ વાતની કોણ શ્રદ્ધા કરશે? કારણ કે અહીં જે કાંઈ થોડું-ઘણું પણ સુખ અનુભવવા મળે છે તે ઇન્દ્રિયોના વિલાસથી મળતું જણાય છે, એ વિના નહીં. જે દરિદ્રી વગેરેને ઇન્દ્રિયોના વિલાસો મળ્યા નથી તેઓ તો બિચારા દુ:ખી જ દેખાય છે. જે કાંઈ સુખ અનુભવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org