________________
ગાથા-૧૦૪
૩૫૩
અંગેનો એક વિચાર આવ્યો કે તરત જ તેના અનુસંધાનમાં તેને બીજો વિચાર આવે છે. તેમાંથી ત્રીજા વિચારની ઉત્પત્તિ થાય છે, તેમાંથી ચોથા વિચારમાં તે સરકી જાય છે. ક્રોધ અંગેની તેની વિચારધારા સતત ચાલ્યા જ કરે છે. તેનું ચિત્ત નિરંતર આકુળવ્યાકુળ રહે છે. ક્રોધના વિકલ્પો જીવને અશાંત અને વિહ્વળ બનાવે છે. અશાંત ચિત્તવાળી વ્યક્તિ કોઈ પણ કાર્ય યથાર્થ રીતે અને સફળતાપૂર્વક કરી શકતી નથી, તો પછી ધર્મસાધના અને આત્મ-આરાધના કરવાની વાત તો ખૂબ દૂરની વાતો છે. ક્રોધ માનસિક શાંતિનો તો ભંગ કરી જ દે છે, ઉપરાંત વાતાવરણ પણ અશાંત, કલુષિત અને પ્રદુષિત કરી દે છે. જેના પ્રત્યે ક્રોધ કરવામાં આવે છે, તે અપમાનનો અનુભવ કરે છે અને તેથી તે પણ દુઃખી થાય છે. ક્રોધથી સગાને દુભાવાય છે, સ્વજનને રિબાવાય છે, સાથીઓને પજવાવાય છે, મિત્રો ગુમાવાય છે, કડવાશ પેદા થાય છે, દુશ્મનાવટ ઊભી થાય છે. ક્રોધનાં આવાં હાનિકારક પરિણામ હોવાથી જીવે તેનો અભાવ કરવો જોઈએ.
ક્રોધને જીતવા માટે સાધકે ક્રોધરૂપ વિભાવ તથા ક્ષમારૂપ સ્વભાવનું જ્ઞાન કરી, પોતાના દૈનિક જીવનમાં ક્ષમાનો અભ્યાસ કરવો ઘટે છે. ક્રોધની ઉત્પત્તિ કયા કારણથી થાય છે તે યથાર્થપણે જણાય નહીં ત્યાં સુધી તેના નાશનો યથાર્થ ઉપાય થઈ શકે નહીં. તેથી ક્રોધની ઉત્પત્તિનું કારણ શું છે અને એનો અભાવ કેવી રીતે કરવો એ સમજવું આવશ્યક છે.
જ્ઞાનીઓ કહે છે કે પોતાનાં પરિણામોનું તટસ્થપણે અવલોકન કરતાં જણાશે કે ક્રોધભાવ માટે જીવ સ્વયં જ જવાબદાર છે. ક્રોધ એ જીવનો સ્વભાવ નથી, પરભાવ છે; પરંતુ પરભાવની સંજ્ઞાથી એમ ન માનવું કે ક્રોધનો કર્તા કોઈ અન્ય છે. પર કંઈ ક્રોધ કરાવતું નથી. જીવ પરમાં જોડાય છે ત્યારે જ અને તેટલા જ સમય પૂરતો ક્રોધનો ભાવ ઉત્પન્ન થાય છે. જીવ ઇચ્છે તો તે તેને અવશ્ય ટાળી શકે છે. જીવ તેમાં પૂરેપૂરો સ્વતંત્ર છે. પોતાની પરિણતિને સ્વભાવરૂપ કે વિભાવરૂપ પરિણમાવવા જીવ સ્વતંત્ર છે. સંસારના વિવિધ પ્રસંગોમાં જો તે સ્વરૂપનું અનુસંધાન રાખે તો પરિણતિ સ્વમાં રહે છે અને જો તે સાવચેત ન રહે તો પરમાં તન્મય થઈ સ્વયં વિકારરૂપ પરિણમે છે. આત્મા આવો સ્વતંત્રસ્વભાવી છે. જો તે સાવધ રહે તો તે પરનું જોડાણ ટાળી શકે છે. ક્ષણે ક્ષણે જીવને અનેક પ્રકારના સંયોગો મળે છે, પણ જો તે એક વાર નક્કી કરી લે કે “મારે અશુદ્ધિથી બચવું છે અને શુદ્ધિના જ પ્રયત્ન કરવા છે', તો તે અશુદ્ધિથી બચી શકે છે. જો તે પરથી પ્રભાવિત ન થાય તો ક્રોધ ઉત્પન થતો નથી. પર કાંઈ તેને ક્રોધ કરાવી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં તથા એક દ્રવ્યથી બીજા દ્રવ્યને કોઈ લાભ-નુકસાન થાય નહીં એ પાયાનો સિદ્ધાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org