________________
૩૫૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન દ્રવ્યની સામે કદી દષ્ટિ કરી નથી. તે પોતાના સ્વભાવસામર્થ્યને ધ્યાનમાં લેતો નથી અને ક્રોધાદિ ક્ષણિક પર્યાય જેટલો જ પોતાને માને છે. આ પર્યાયબુદ્ધિના કારણે જ અનાદિથી તેનો સંસાર ઊભો રહ્યો છે. ત્રિકાળી ક્ષમાસ્વભાવના અવલોકનની આળસે જ તેની મુક્તિ અટકી છે. જેમ ભગવાન સામે બિરાજેલા હોય, પણ જો પોતે આંખ ઉઘાડવાની આળસ કરે તો ભગવાન ન દેખાય; તેમ આત્મા પોતે ભગવાન છે. તે પોતાની પાસે જ છે, પણ અંતરનયનની આળસે જીવ તેને જોઈ શકતો નથી, તેથી સંસારમાં રખડે છે. જીવ જો પોતાના ક્ષમાસ્વભાવને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થાય તો પર્યાયમાં તેને તે ક્ષમાસ્વભાવરૂપ નિર્મળ પરિણમન ઊછળે. ક્ષમા આત્માનો સ્વભાવ છે, તેથી તે ધર્મ છે અને ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે ઉત્પન્ન થવાવાળી ક્ષમાભાવરૂપ સ્વભાવપર્યાય પણ ધર્મ છે. પરંતુ ક્ષમાસ્વભાવી આત્મા જ્યારે ક્ષમાસ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિભાવરૂપ પરિણમન કરે છે, ત્યારે તેના એ વિભાવરૂપ પરિણમનને ક્રોધ કહેવામાં આવે છે, જે અધર્મ છે. આમ, ક્રોધ આત્માનો વિભાવ છે અને ક્ષમાના અભાવસ્વરૂપે પ્રગટ થાય છે. પ્રત્યેક સમયે ક્રોધ નવો નવો ઉત્પન્ન થતો હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ અનાદિથી છે.
ચારે કષાયોમાં ક્રોધનો ક્રમ પહેલો છે, કારણ કે ચારે કષાયોમાં સૌથી પહેલો તથા જલ્દી ખુલ્લો પડી જનાર કષાય ક્રોધ છે અને સૌથી પહેલો જીતી શકાય તેવો કષાય પણ ક્રોધ જ છે. પોતાના ધાર્યા પ્રમાણે ન થાય ત્યારે માણસને ક્રોધ આવે છે, તેની ઇચ્છા પ્રમાણે કે તેના કહ્યા પ્રમાણે ન થાય કે તરત ક્રોધ દર્શન આપે છે. તેની અનુકૂળતા પ્રમાણે ન થાય કે ગુસ્સો ચડે છે. પોતાના કાર્યમાં નિષ્ફળતા મળવાથી તે ગુસ્સો કરે છે. અહંને ઘા વાગવાથી તે ગુસ્સે થઈ જાય છે. સ્વબચાવ માટે ગુસ્સે થઈ આક્રમક બને છે. અવચેતન મનમાં દ્વેષ હોવાથી તે ગુસ્સો કરે છે. કોઈના ઉપર આધિપત્ય જમાવવા પણ તે ક્રોધ કરે છે. જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે જીવ સારઅસારનો વિવેક ભૂલી જાય છે અને ગમે તેવું અયોગ્ય વર્તન કરી બેસે છે. ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરમાં અનેક વિક્રિયાઓ ઉત્પન્ન થાય છે. હૃદયના ધબકારા વધી જાય છે, ભમ્મર ચડી જાય છે, મોટું લાલચોળ બની જાય છે, પરસેવો છૂટવા માંડે છે, અનેક પ્રકારના અપશબ્દો મોઢામાંથી નીકળવા લાગે છે, હાથ-પગ ધ્રૂજવા લાગે છે અને જેના ઉપર ક્રોધ ચડ્યો હોય તેના ઉપર તે ક્રોધી વ્યક્તિ હાથથી, મુઠ્ઠીથી, લાતોથી અથવા લાકડી, છરી, તલવાર, બંદૂક આદિ શસ્ત્રોથી પ્રહાર કરવા લાગે છે. આમ, ક્રોધ તરત જ ખુલ્લો પડી જાય છે. તેને છુપાવી શકાતો નથી.
ક્રોધનાં પરિણામ ઘણાં ભયાનક છે. ક્રોધ એ શાંતિનો ભંગ કરનાર વિકાર છે. ક્રોધી વ્યક્તિ સામાન્ય રીતે ક્રોધ અંગેના વિચારના સાતત્યમાં સપડાયેલો હોય છે. ક્રોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org