________________
૩૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તાત્પર્ય એ છે કે પોતાના ક્રોધ માટે અન્યને દોષ આપવાને બદલે જીવે સ્વયં સઘળી જવાબદારી સ્વીકારવી જોઈએ. નિંદકો જીવની નિંદા કરી શકે, પણ તેને ક્રોધ ન કરાવી શકે. વિરોધ કરનાર અપશબ્દ બોલી શકે, વિપરીત સંજોગો સર્જી શકે, પણ તેને ગુસે તો ન જ કરાવી શકે. કોઈ તેની પાસેથી પૈસા ચોરી જઈ શકે, પણ તેની સ્વસ્થતા ન છીનવી શકે. વિપરીત સંયોગો હોય, મુશ્કેલીઓ હોય, હેરાન કરનાર' વ્યક્તિ હોય, પણ ક્રોધ તો જીવ પોતાના વિપરીત વિચારો અને મિથ્યા વલણથી જ કરે છે. તેથી સાધકે નિર્ણય કરવો જોઈએ કે “મારા ક્રોધ માટે અન્ય નહીં માત્ર હું જ જવાબદાર છું. હું જ ક્રોધ કરું છું અને હું જ એને ટાળી શકું છું. હું મારી અવસ્થામાં ગુણ-દોષ કરવા સ્વતંત્ર છું, પછી શા માટે અન્ય ઉપર જૂઠો આરોપ લગાવું?'
પોતાની જવાબદારીમાંથી છટકવા કેટલાક કહે છે કે મારાથી ગુસ્સો થઈ જાય છે', “મને ગુસ્સો આવી જાય છે એટલે કે પોતે ગુસ્સો કરતો નથી, ગુસ્સે થઈ જવાય છે'. પોતે ક્રોધ લાવતો નથી, ક્રોધ આવી જાય છે. આ કથનમાં કશે પણ કર્તા નથી, કશે પણ કરેલી પ્રવૃત્તિની જવાબદારી નથી. ‘થઈ જાય છે એટલે એ મારું કામ નથી, માટે એનો ઉપાય પણ મારા હાથમાં નથી. ‘આવી જાય છે' એનો અર્થ એ થયો કે ક્રોધ જાણે આકાશમાંથી આપોઆપ આવે છે, આક્રમણ કરે છે, મનમાં ઘૂસી જાય છે. આમ, જીવ ક્રોધ તો કરે છે અને સાથે સાથે જવાબદારીમાંથી છટકવા માટે સગવડ પણ શોધી રાખે છે.
જીવે આ જૂઠની જાળને વિસર્જિત કરી દેવી ઘટે છે. તેણે પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારવી ઘટે છે. પોતાના દોષને ઢાંકવાને બદલે ઉઘાડી નાખવા જોઈએ. તેના બચાવ માટે કોઈ તર્ક શોધવા ન જોઈએ. પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ ન કરવી જોઈએ. જો બુરાઈઓ માટે સારા-સુંદર દેખાતા તર્કો આપવામાં આવે તો તે બુરાઈઓને કદી પણ કાઢી શકાતી નથી. ચારે તરફ ફૂલ સજાવીને કારાગૃહને ઘર જેવું બનાવી દીધું હોય, બીમારીને પણ તંદુરસ્તી સમજી બેઠા હોય તો છુટકારો થઈ શકે નહીં; તેમ તર્કથી ક્રોધનો બચાવ કરવામાં આવે તો તેનાથી ક્યારે પણ નિવૃત્ત થઈ શકાતું નથી. તેનાથી તો ક્રોધને સહારો તેમજ સહાય મળે છે. પછી તે કેવી રીતે નાશ થશે? ક્રોધનો અવગુણ સ્વીકારી લીધો હોય તો તેનો ઈલાજ કરવો ખૂબ સરળ છે, પણ જો તર્ક દ્વારા તેનો બચાવ કરવામાં આવે તો તેનાથી છૂટવાનો કોઈ ઇલાજ જ નથી. મારામાં ક્રોધ છે, એ મોટો અવગુણ છે' એમ નિખાલસપણે સ્વીકારી લેવામાં આવે તો જણાશે કે તેના ઉપર કેવો સરળતાથી અને શીઘ્રતાથી વિજય મેળવી શકાય છે. માટે જીવે પોતાના ક્રોધનું કારણ અન્યમાં ન શોધવું જોઈએ. પોતાના ક્રોધ માટે બીજાને જવાબદાર ન ગણવો જોઈએ. પોતાના અવગુણ માટે જે બીજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org