________________
૨૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ તેના જ્ઞાન ગુણ દ્વારા થઈ શકે છે. આ ગુણ આત્મા સિવાય અન્ય દ્રવ્યમાં નથી. બાકીનાં પાંચ અજીવદ્રવ્ય સત્ છે, પણ ચૈતન્યમય નથી. અવદ્રવ્ય જડત્વ સ્વભાવથી પરિપૂર્ણ ભરેલું છે અને ચૈતન્યત્વથી નિતાંત શૂન્ય છે. આત્મદ્રવ્ય ચૈતન્યત્વથી પરિપૂર્ણ ભરેલું છે અને જડત્વથી નિતાંત શૂન્ય છે. આત્મા ચિતિશક્તિવાળો છે, માટે જડ નથી. ચિતિશક્તિ એટલે ચૈતન્યશક્તિ. ચિતિશક્તિ સ્વયં ચેતનરૂપ પરિણમે છે, ક્યારે પણ જડ ભાવે પરિણમતી નથી.
ચૈતન્ય શબ્દ ‘ચિત્' ધાતુ ઉપરથી નિર્માણ થયેલ છે. ચિત્' એટલે જાણવું અને એના ઉપરથી ચેતના, ચેતન, ચૈતન્યતા આદિ શબ્દો બનેલા છે. આત્મા ચૈતન્યમય - જ્ઞાનમય વસ્તુ છે. તે ચૈતન્યમૂર્તિ છે, અર્થાત્ જ્ઞાન ગુણથી પરિપૂર્ણ ભરેલ છે. મીઠાના ગાંગડામાં જેમ સર્વ પ્રદેશે કેવળ લવણરસનો જ અનુભવ થાય છે, તેમ આત્માના સર્વ પ્રદેશે કેવળ ચૈતન્યરસનો જ અનુભવ થાય છે. ૧ જેમ સુવર્ણ ધાતુ સર્વ પ્રદેશે સુવર્ણ, સુવર્ણ અને સુવર્ણમય જ છે, તેમ અરૂપી એવું આત્મદ્રવ્ય સર્વ પ્રદેશે ચૈતન્ય, ચૈતન્ય અને ચૈતન્યમય જ છે. અહીં આત્માને “ચૈતન્યવાળો' ન કહેતાં “ચૈતન્યમય' કહીને ગુણ-ગુણીના ભેદથી પર એવા અખંડ આત્માની વાત કરી છે. ગુણ અને ગુણી એક જ છે. ગુણનો સમુદાય તે ‘ગુણી' છે; એટલે ગુણ અને ગુણી એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી. જેમ સાકરનો ગાંગડો છે તે ગુણી' છે અને મીઠાશ છે તે ગુણ છે. ‘ગુણી' એવી સાકર અને ‘ગુણ'રૂ૫ મીઠાશ તે બન્ને સાથે જ રહે છે, મીઠાશ કંઈ સાકરથી અલગ પડતી નથી.
ચૈતન્યમય એટલે જગતનાં સમસ્ત દ્રવ્યો અને તેના ભાવોને જે સદા પ્રકાશે છે એવો જેનો સ્વભાવ છે તે. જ્ઞાન ગુણના વર્તમાન પરિણમન (પર્યાય)માં હીનતા કે અધિકતા હોઈ શકે, અર્થાત્ જ્ઞાન ગુણ જેટલો ખૂલ્યો હોય તેટલું જ્ઞાન થાય, અધિક ખૂલ્યો હોય તો અધિક અને ઓછો ખૂલ્યો હોય તો ઓછું જ્ઞાન થાય; તેમ છતાં ત્રિકાળી દ્રવ્યદળમાં જે જ્ઞાન ગુણ રહેલો છે તે પરિપૂર્ણ છે, તેમાં વધ-ઘટ થતી નથી. તે અનાદિ કાળથી જેવો છે તેવો ને તેવો જ રહ્યો છે, તેમાં કાંઈ વધ્યું નથી કે ઘટ્યું નથી. નવો કોઈ અંશ તેમાં પ્રવેશ્યો નથી કે કોઈ અંશ છૂટો પડ્યો નથી. આત્મા આવા જ્ઞાન ગુણથી ભરેલો છે. ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૧૪
'अखंडितमनाकुलं ज्वलदनंतमंतर्बहिमहः परमस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालंबते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org