________________
૨૬૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
લાયક શેયપદાર્થ છે. છતાં અજ્ઞાની જીવ કોઈ પરવસ્તુથી પોતાને સગવડ મળે છે અને કોઈથી અગવડ થાય છે એમ કલ્પના કરે છે. અનુકૂળ વસ્તુની પ્રાપ્તિ માટે તે પ્રયત્ન કરે છે અને તે મળતાં તે હર્ષથી વિભોર થઈ જાય છે. પરવસ્તુથી તે સુખ અનુભવે છે, પરંતુ આ સુખ કંઈ પરવસ્તુમાંથી નથી આવતું. આત્મા પરવસ્તુને ભોગવી શકતો પણ નથી. પરવસ્તુમાં અજ્ઞાનવશ સ્થાપેલ ઇષ્ટ બુદ્ધિ અને તત્સંબંધી ઇચ્છાની પૂર્તિ પ્રત્યેનો રાગ જ અજ્ઞાની ભોગવે છે. જો લાડુમાંથી સુખ મળતું હોય તો જેમ વધારે લાડુ ખાય તેમ વધુ સુખ ઊપજવું જોઈએ, પરંતુ એમ તો ક્યારે પણ બનતું નથી. ધનથી સુખ મળતું હોય તો સમાજમાં સધનતા હોય ત્યાં સુખ અને નિર્ધનતા હોય ત્યાં દુઃખ હોવું જોઈએ, પરંતુ એવું કંઈ હંમેશ જોવામાં આવતું નથી. આકિંચન્યવ્રતધારી મુનિભગવંતને ધનનો લેશ પણ યોગ ન હોવા છતાં તેમને સુખની અધિકતા જોવામાં આવે છે. એ જ પ્રમાણે શરીરની સુખાકારીને પણ સુખ સાથે સાંકળી શકાતી નથી. સંસારમાં રોગી-નીરોગી સર્વ મનુષ્યોમાં દુ:ખનો સદ્ભાવ જણાય છે. પદાર્થનો સંયોગ કે અનુકૂળતાની પ્રાપ્તિ થતાં પણ સુખની પ્રાપ્તિ થતી નથી, તેથી સુખ બાહ્ય પદાર્થોદિમાં નથી. અજ્ઞાની જીવ પર પ્રત્યેની મૂર્છાના કારણે પરપદાર્થોમાંથી સુખ મેળવવાની મથામણ કરે છે. તેને સગવડમાં જરાક ઊણપ હોય તો ચાલતું નથી. પરાશ્રયની પકડ આડે તે જરા પણ ધીરજ રાખી શકતો નથી. પ્રાપ્ત પરિસ્થિતિમાં નિરંતર અસંતુષ્ટ રહેતો હોવાથી પર અંગે ફરિયાદ તથા પરમાં ફેરફાર કરવાની વૃત્તિ-પ્રવૃત્તિમાં તે રચ્યોપચ્યો રહે છે. કર્મના વિપાકમાં જ્ઞાતા-દ્રષ્ટા રહેવાને બદલે તેને ફરિયાદ રહે છે અને તે પરમાં ફેરફાર કરવાના ફાંફાં મારે છે. વારંવાર અપેક્ષા અને ક્લેશની પરંપરામાંથી પસાર થવા છતાં તે પરમાં ફેરફાર કરવાના પ્રયત્ન છોડતો નથી. આ કાર્ય દરમ્યાન તે વિષમ રાગાત્મક-ષાત્મક ભાવોમાં તન્મય બની જાય છે અને પારાવાર દુઃખનો અનુભવ કરે છે. આથી વિપરીત, જે જીવ પરવસ્તુમાં સુખ-દુઃખની કલ્પના છોડી, સુખસ્વરૂપ આત્મામાં અનુસંધાન કરે છે, તે સર્વ દુ:ખથી મુક્ત થાય છે. પોતાના જ્ઞાનસ્વભાવનો આશ્રય કરી, પરમાં ઠીક-અઠીકપણાના ભાવથી નિવર્તે તો દુઃખની ઉત્પત્તિ થતી નથી. તત્ત્વ-અભ્યાસના બળ વડે પરપદાર્થોમાંથી ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ દૂર થતાં સ્વરૂપનું પરમ સુખ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તેથી સુખ માટે પરિસ્થિતિ બદલવાની ચેષ્ટા નહીં કરતાં દષ્ટિ બદલવાના પ્રયત્ન કરવા જોઈએ. સુખ સાચી દૃષ્ટિનું પરિણામ છે. દુઃખ ભ્રાંતદષ્ટિનું પરિણામ છે. પોતામાં રહેલ વિપર્યાસ ટળતાં દુઃખ નાશ પામે છે. અજ્ઞાની જીવને પોતાની દૃષ્ટિમાં રહેલી ભૂલનું ભાન ન હોવાથી પરપદાર્થો ઇષ્ટ-અનિષ્ટ ભાસતા રહે છે અને તેથી દુઃખની ઉત્પત્તિ થતી જ રહે છે. તે પરવસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરી, તેનો આદર-અનાદર કરી, રાગ-દ્વેષી થઈ, વિપુલ કર્મોપાર્જન કરી અનંત દુઃખોનું ભાજન બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org