________________
ગાથા-૯૯
૨૫૩ અનુભવ થયો હોવાથી તેમને પરમાં કર્તાપણાની મિથ્યા બુદ્ધિ થતી નથી.
આમ, “આ પરદ્રવ્યને છોડું' એ માન્યતાના સભાવમાં, મિથ્યાદષ્ટિને મુનિપણું હોવા છતાં પરદ્રવ્યની કર્તાબુદ્ધિરૂપ મહાન પાપ પળે પળે બંધાય છે અને તેનું ફળ સંસાર જ છે; જ્યારે અવિરતિ સમ્યગ્દષ્ટિ બહારથી ત્યાગી ન હોય છતાં અંતરમાં સાચી સમજણ વિદ્યમાન હોવાના કારણે તેમને મિથ્યાત્વનો ત્યાગ વર્તે છે, જેનું ફળ મોક્ષ જ છે. શ્રીકૃષ્ણ તથા શ્રેણિક મહારાજાએ જ્ઞાનીપુરુષોનો ઉપદેશ સાંભળી, તત્ત્વ વિચારી સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું. તેમણે એક પણ વ્રતનું પાલન કર્યું ન હતું છતાં પણ ત્રણ ભવમાં જ મુક્તિ પામશે, જ્યારે દ્રવ્યલિંગી સાધુ પુષ્કળ વ્રત-તપ કરીને પણ માત્ર નવમી રૈવેયક પ્રાપ્ત કરે છે. આનો અર્થ એવો નથી થતો કે શુભ છોડી અશુભમાં પ્રવૃત્ત થવું જોઈએ. સદ્ગુરુના બોધ દ્વારા આત્મતત્ત્વને બરાબર સમજી, મિથ્યાત્વ ગાળી સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ.
આત્માર્થી તો આગળ વધવા માટે ઉપદેશ ગ્રહણ કરે છે. જ્ઞાનીના જ્ઞાનમાં જે સત્ય ભાસ્યું છે તેનો સ્વીકાર કરી, તેનું જ અનુસરણ કરે છે. તે સત્યને સમજી, તે અનુસાર પોતાના દોષો ઘટાડવાનો પુરુષાર્થ કરે છે. તે વ્રતાદિ છોડી પાપ નથી કરવા લાગતો, કેમ કે પાપ તો અશુભ ભાવ છે. તે અશુભ ભાવને છોડવા શુભ ક્રિયામાં જોડાય છે, પણ તે શુભ ક્રિયા કરવામાત્રને ધર્મ માનતો નથી. તે જાણે છે કે સમ્યગ્દર્શન વિનાની શુભ ક્રિયા નિષ્ફળ છે, પણ તેનો અર્થ એ નથી કે શુભ ક્રિયા છોડી પાપ કરવું. લીંબોળી કડવી છે એમ કહેવામાં આવે તેનો અર્થ એવો નથી કે લીંબોળી ના ખાવી, પણ તાલકૂટ ઝેર ખાવું. શુભ ક્રિયા કરવામાત્રથી ધર્મ નથી થતો એમ કહેવામાં આવે તો તેનો અર્થ એમ નથી થતો કે અશુભ ક્રિયા કરવી. પાપ તો તાલકૂટ ઝેર છે, માટે તે તો દરેક જીવે છોડવું જ જોઈએ. આત્મસ્વરૂપ સમજી, વ્રતનું સ્વરૂપ સમજી વ્રત અંગીકાર કરવા યોગ્ય છે. વ્રત-તપ થતાં રહે પણ પરિણામ સ્વલક્ષી ન બને તો ત્યાં ઊલટો ક્રમ સેવાય છે. ‘ગાડું આગળ ને બળદ પાછળ' જેવી હાલત થાય છે. તેથી જીવનું પહેલું કર્તવ્ય એ છે કે તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉદ્યમ કરે, અર્થાત્ પ્રથમ તેણે મિથ્યાત્વના ત્યાગનો ઉદ્યમ કરવો જોઈએ. પંડિત શ્રી ટોડરમલજી લખે છે કે –
“જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે - પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાત વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય, તથા પોતાના આત્માને દુઃખસમુદ્રમાં ડુબાવવા ન ઇચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વપાપને અવશ્ય છોડે.” ૧- પંડિત શ્રી ટોડરમલજી કૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૬,
પૃ.૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org