________________
૧૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અનંત અનંત કાળમાં મનુષ્યપણું મળવું મોંઘું છે. તેમાં આર્યખંડમાં, વિશેષાર્થ
સુસંસ્કારી શ્રાવકકુળમાં જન્મ થવો એ તેનાથી પણ દુર્લભ છે. જ્ઞાનીનાં વચનોનું શ્રવણ મળવું મહાદુર્લભ છે, સાંભળ્યા પછી બુદ્ધિમાં તેનું ગ્રહણ થવું એ તો તેના કરતાં દુર્લભ છે. ગ્રહણ થયા પછી તેની ધારણા થવી એ તો તેનાથી પણ દુર્લભ છે. શ્રવણ-ગ્રહણ-ધારણા કરીને, અંતરમાં મંથન કરીને, તત્ત્વનો નિર્ણય કરવો એ મહા મહા દુર્લભ છે. અનંત કાળથી જીવે ક્યારે પણ તત્ત્વનિર્ણય કર્યો નથી અને જ્યાં સુધી યથાર્થ સમજણ ન આવે ત્યાં સુધી એ તરફની રુચિ પણ ઉત્પન્ન થતી નથી. માટે વસ્તુવ્યવસ્થાને યથાર્થપણે સમજી, વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ જાણી, તેનું શ્રદ્ધાન કરવું અત્યંત આવશ્યક છે. તત્ત્વનિર્ણય કરવો એ આત્માર્થી જીવનું મુખ્ય કર્તવ્ય છે. આત્માર્થીએ તત્ત્વનિર્ણયમાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો ઘટે છે. ખરી જિજ્ઞાસાથી તત્ત્વવિચાર કરવાથી તત્ત્વનિર્ણય થાય છે, તેથી વારંવાર વિચાર અને ઘોલન કરી તત્ત્વનિર્ણયની દિશામાં જ પ્રયત્ન કરવા યોગ્ય છે.
નિજકલ્યાણનો અભિલાષી એવો મુમુક્ષુ જીવ પ્રબળ પ્રયત્નપૂર્વક તત્ત્વનિર્ણયનો ઉદ્યમ કરે છે. તેનું લક્ષ પોતાની આંતર પ્રકૃતિ ઉપર વિજય મેળવી, પોતાનાં વિકારો, વાસનાઓ અને તૃષ્ણામાંથી મુક્ત થવાનું હોય છે. એ લક્ષ સિદ્ધ કરવા માટે જરૂરી માર્ગદર્શનાર્થે અને પ્રેરણાર્થે તે શ્રવણ, વાંચન, પૃચ્છના, ચર્ચા વગેરે કરે છે. ‘મને આત્મહિતનાં સર્વ નિમિત્તો મળ્યાં છે, માટે હું હવે તત્ત્વ અવધારીને મારા આત્માનો ઉદ્ધાર કરું' એમ વિચારીને તત્ત્વનિર્ણયનો ઉદ્યમ કરે છે. સત્સમાગમ અને સ્વાધ્યાય દ્વારા એ નિર્ણય કરવામાં તે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દે છે. જ્ઞાની પાસેથી તત્ત્વનો યથાર્થ ઉપદેશ સાંભળતાં તેને બહુમાન આવે છે કે “અહો! આ વાતની તો મને ખબર જ નથી. આવી વાત તો મેં પૂર્વે કદી સાંભળી જ નથી.' જ્ઞાની પાસેથી સાંભળેલા ઉપદેશનો તે જાતે ઉદ્યમ કરીને નિર્ણય કરે છે. જાતે વિચાર કરીને તત્ત્વનિર્ણયમાં પોતાની શક્તિ લગાવવામાં ન આવે તો યથાર્થ પ્રતીતિનો લાભ થાય નહીં. પોતે જે ઉપદેશ સાંભળ્યો હોય તેનો મુમુક્ષુ જીવ એકાગ્રતાપૂર્વક વિચાર કરી, યુક્તિ, અનુમાન, પ્રત્યક્ષ આદિ પ્રમાણથી ઉપદેશાયેલાં તત્ત્વોનો જેમ છે તેમ જ નિર્ણય કરે છે. આમ, મુમુક્ષુ જીવ જ્ઞાનનો ઉપદેશ સાંભળે છે, યાદ રાખે છે, વિચાર કરે છે અને તેના આધારે તત્ત્વનો યથાર્થ નિર્ણય કરે છે.
મુમુક્ષુ જીવની આ સર્વ જ્ઞાનપ્રવૃત્તિનો લક્ષ એકમાત્ર મોક્ષપ્રાપ્તિ હોય છે. તેનાં શ્રવણ, વાંચનાદિનો ઉદ્દેશ સ્વાત્મકલ્યાણ જ હોય છે. તે દાર્શનિક માન્યતાઓનું પરિશીલન વસ્તુવ્યવસ્થાના યથાર્થ નિર્ણય તથા તત્ત્વદૃષ્ટિની પરિપક્વતા અર્થે કરે છે, નહીં કે વાદવિવાદ માટે કે ખંડન-મંડન અર્થે. તે માત્ર માહિતી માટે કે વાકપટુતા અર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org